- પાર્ટી તરફથી તેને સ્ટાર કેમ્પેનર બનાવવામાં આવશે
કુલ્લુ, તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર
હિમાલચ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખનું એલાન થવાનું બાકી છે પરંતુ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરતી નજર આવશે. પાર્ટી તરફથી તેને સ્ટાર કેમ્પેનર બનાવવામાં આવશે. આ જાણકારી જયરામ ઠાકુરે આપી છે.
કુલ્લુ દશેરા સમાપનના અવસર પર સીએમ જયરામ ઠાકુરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કંગના ભાજપ માટે પ્રચાર કરશે અને તે રેલીઓ માટે અમારી સ્ટાર પ્રચારક હશે.

મંગળવારે સવારે સીએમ જયરામ ઠાકુર અચાનક મનાલીના સિમસામાં કંગના રનૌતના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે મંત્રી ગોવિંદ ઠાકુર પણ પહોંચ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કંગના સાથે ચર્ચા કરી હતી. તેમજ સીએમ જયરામ, કંગના રનૌત, ગોવિંદ સિંહ ઠાકુર અને કંગનાના માતા-પિતાએ સાથે નાસ્તો કર્યો હતો. બેઠકની જાણ થતા જ રાજકીય ગલિયારામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, તે ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરી શકે છે. જો કે, તે સમયે સીએમ અને કંગના બંને તરફથી કોઈ નિવેદન આવ્યું ન હતું. હવે સીએમના એલાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કંગના બીજેપીની સ્ટાર પ્રચારક હશે.

શું બોલી હતી કંગના
ઘરે મુલાકાત બાદ કંગનાએ કહ્યું કે, આજે ઘરે માનનીય મુખ્યમંત્રી જયરામજી સાથે મુલાકાત થઈ. તેમની સાદગી અને હિમાચલ પ્રત્યેનો પ્રેમ બંને પ્રેરણાદાયી છે. માતાએ મુખ્યમંત્રી માટે નાસ્તો તૈયાર કર્યો હતો જે તેમણે ખૂબ જ પ્રેમથી સ્વીકાર્યો હતો. કંગનાએ કહ્યું કે મંત્રી ગોવિંદ સિંહજી મારા પાડોશી છે છતાં આટલા વર્ષોમાં આજે મને તેમને મળવાનું સૌભાગ્ય મળ્યું હતું.


