For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાલય, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને વરસાદ પંજાબ, ઉ.પ્ર.માં વીજળી પડતાં પાંચનાં મોત

- પતિયાલાના ખેતરમાં વીજળી પડતાં ગર્ભવતી સહિત દંપતીનું મોત : ઉ.પ્રદેશમાં ત્રણનાં મોત

- પાટનગર દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ ખરાબ હવામાનને પગલે છ ફ્લાઇટ ડાઇવર્ટ કરાઈ

Updated: Feb 14th, 2019


વધુ બરફવર્ષાથી યલો વોર્નિંગ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ થતાં જનજીવન ઠપ્પ થયું હતું. ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા અને વરસાદ થયો હતો. પાટનગર દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો અને વિમાન સેવાને અસર થઈ હતી. પંજાબના પતિયાળામાં વીજળી પડતાં બેનાં મોત થયા હતા.

હિમાલયમાં કિલોંગમાં ૧૬ અને કલ્પમાં ૧૦ સેન્ટીમીટર બરફવર્ષા થઈ હતી. કુલ્લુ સહિત ઉંચાઈવાળા વિસ્તારોમાં નોંધપાત્ર બરફવર્ષા થઈ હતી. મેદાની વિસ્તારોમાં વરસાદ થયો. મનાલીમાં ૧૩ મી.મી., ચોલાનમાં આઠ એમ.એમ. સહિત મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. ફેબુ્રઆરીની ૧૫મીએ ભારે બરફવર્ષાની યલો વોર્નિંગ જાહેર કરાઈ હતી.

ઉત્તરાખંડમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ચમોલી અને રૃદ્રપ્રયાગમાં બરફવર્ષાને પગલે રાજ્યમાં તીવ્ર ઠંડી પડી હતી. કેદારનાથ સહિત યાત્રાધામોમાં બરફવર્ષા થઈ હતી.

પાટનગર દિલ્હીમાં ઘણાં વિસ્તારોમાં વરસાદ થયો હતો. લઘુત્તમ તાપમાન ૧૩.૯ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૯૮થી ૭૭ ટકા રહ્યું હતું. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પરથી છ ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી. પંજાબ અને હરિયાણામાં વરસાદ નોંધાયો હતો પતિયાલામાં વીજળી પડતા ગર્ભવતી મહિલા સહિત બેનાં મોત થયા હતા. આ દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું ત્યારે વીજળી પડી હતી. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડતાં ત્રણનાં મોત થયા હતા.

ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન મોદી સભાસ્થળે ન પહોંચ્યા : ફોન દ્વારા રેલી સંબોધી

રૃદ્રપુર, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સ્થળે ન જઈ શકતાં ફોન ઉપર રેલીને સંબોધી હતી. ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન અટકી પડયું હતું.

વડાપ્રધાન મોદી દહેરાદૂનના એરપોર્ટ પર સવારે સાત વાગ્યે પહોંચ્યા હતા જ્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા આગળ વધવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. તેમણે ચાર કલાક રાહ જોઈ ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા કાલાગઢ ગયા હતા પરંતુ ખરાબ હવામાનને કારણે આગળ વધી ન શકતા તેમણે ફોન દ્વારા રેલીને સંબોધન કર્યું હતું.

રૃદ્રપુર ખાતે રેલીના મંચ ઉપર મુખ્યમંત્રી રાવત સહિત ભાજપના અન્ય નેતાઓ ઉપસ્થિત હતા વડાપ્રધાન મોદીએ ફોન ઉપર કરેલું સંબોધન સાંભળ્યું હતુ.

Gujarat