For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતના સફાઈ કર્મચારીનો પરિવાર પહોંચ્યો દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ સાથે કર્યુ લંચ

Updated: Sep 26th, 2022


- આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવશેઃ હર્ષ સોલંકી

નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ ગુજરાતના એક દલિત સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને તેના પરિવાર સાથે પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો સ્વીકાર કરીને હર્ષ અને તેનો પરિવાર હવાઈ માર્ગે દિલ્હી પહોંચી હતો. ત્યાં પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચડ્ઢાએ તેમનું એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું. 

કેજરીવાલે હર્ષને ભેટીને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને તેમની આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા. તેમણે સીએમ કેજરીવાલને બાબાસાહેબની એક તસવીર ભેટમાં આપી હતી. તેમણે બપોરે 01:30 કલાકે CM અરવિંદ કેજરીવાલ સાથે લંચ કર્યું હતું. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે તેઓ સરકારી હોસ્પિટલ જોવા માટે રવાના થયા હતા. ત્યારબાદ સાંજે 6:30 કલાકે દિલ્હીથી ગુજરાત પરત ફરવા નીકળશે.  

કેજરીવાલે રવિવારના રોજ અમદાવાદમાં ટાઉનહોલ મિટિંગ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પોતાના ઘરે જમવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ સફાઈ કર્મચારી અને તેનો આખો પરિવાર સોમવારના રોજ સવારે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યો હતા. ત્યાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ તેમનું સ્વાગત કર્યું હતું. પંજાબ ભવનમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલે સફાઈ કર્મચારી અને તેના પરિવારની અવર-જવરની વ્યવસ્થા પોતાના તરફથી કરી હતી. 

દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચતા જ હર્ષે કહ્યું હતું કે, 'મને ઘરે લંચ માટે આમંત્રણ આપવા બદલ હું મુખ્યમંત્રી કેજરીવાલનો આભાર માનું છું. આવું ક્યારેય નહોતું વિચાર્યું. લાગી રહ્યું છે કે જાણે ખુલ્લી આંખે સપનુ જોઈ રહ્યો છું. અમને દૃઢ આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.'

કેજરીવાલે અમદાવાદના સફાઈ કર્મચારીને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.

રવિવારના રોજ ગુજરાતના અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન એક યુવકે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. કેજરીવાલે આમંત્રણનો સ્વીકાર કરીને કહ્યું હતું કે, તમારે પહેલા આખા પરિવાર સાથે દિલ્હી સ્થિત મારા ઘરે આવીને ભોજન કરવું પડશે. હું જ્યારે મારા આગામી પ્રવાસ માટે ગુજરાત આવીશ ત્યારે તમારા ઘરે જમીશ.  

વાતચીત દરમિયાન હર્ષે કહ્યું હતું કે, 15 દિવસ પહેલા તમે ગુજરાતના પ્રવાસ દરમિયાન એક ઓટો ડ્રાઈવરના ઘરે જઈને ભોજન કર્યું હતું. તો શું તમે આવી રીતે એક વાલ્મિકી સમાજના વ્યક્તિના ઘરે પણ ભોજન કરશો. ત્યારે કેજરીવાલે સામે યુવકનું નામ પુછ્યુ હતું અને કહ્યું હતું કે, હું તમારા ઘરે ભોજન માટે જરૂર આવીશ પરંતુ આ અગાઉ મારો એક પ્રસ્તાવ છે. જો તમે પ્રસ્તાવ માનશો તો જ હું તમારા ઘરે ભોજન કરીશ. 

કેજરીવાલે કહ્યું હતું કે, મેં જોયું છે તમામ નેતાઓ ચૂંટણી અગાઉ દલિતોના ઘરે દેખાડો કરવા માટે ભોજન કરવા જતા હોય છે. આજ સુધી કોઈ નેતાએ કોઈ દલિતને પોતાના ઘરે ભોજન માટે નથી બોલાવ્યો. શું તમે મારા ઘરે લંચ માટે આવશો? આના ઉપર હર્ષે અરવિંદ કેજરીવાલનું આમંત્રણ સ્વીકારી લીધું હતું.

કેજરીવાલે કહ્યું હતું કે, કાલે હું તમારા આખા પરિવાર માટે એરોપ્લેનની ટિકિટ મોકલીશ. કાલે જ્યારે તમે દિલ્હી આવશો ત્યારે તમારા પરિવાર સાથે મારો પરિવાર પણ ભોજન કરશે. ત્યારબાદ હું જ્યારે પણ અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમવા માટે આવીશ. 

હર્ષનો પરિવાર ગુજરાતથી ફ્લાઈટ દ્વારા સવારે 8:30 વાગે રવાના થયો હતો અને 10:30 વાગે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો. ત્યારબાદ તેઓ સીએમ કેજરીવાલાના ઘરે પહોચ્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે હર્ષ અને તેના પરિવારનું સ્વાગત કર્યું હતું. 

Gujarat