For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારનો જાહેરાત પાછળ કુલ ત્રણ હજાર કરોડનો ખર્ચ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આરટીઆઇ હેઠળ આપેલી માહિતી

ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પાછળ રૃ. ૨૩૭૪ કરોડ જ્યારે આઉટડોર પબ્લિસિટી પાછળ રૃ. ૬૭૦ કરોડનો ખર્ચ

Updated: Feb 14th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪

છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પાછળ ૨૩૭૪ કરોડ રૃપિયા જ્યારે આઉટડોર પબ્લિસિટી પાછળ ૬૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે તેમ માહિતી અને પ્રસારણ મંત્રાલયે આરટીઆઇ અરજીના જવાબમાં જણાવ્યું છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જાહેરાત પાછળ કુલ ૩૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે. 

ઇલેક્ટ્રોનિક મીડિયામાં થયેલા ખર્ચની વિગતો આપતા મંત્રાલયે જણાવ્યું છે કે ૨૦૧૪-૧૫માં ૪૭૦.૩૯ કરોડ રૃપિયા, ૨૦૧૫-૧૬માં ૫૪૧.૯૯ કરોડ રૃપિયા અને ૨૦૧૬-૧૭માં ૬૧૩.૭૮ કરોડ રૃપિયા, ૨૦૧૭-૧૮માં ૪૭૪.૭૬ રૃપિયા, એપ્રિલ, ૨૦૧૮થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં ૨૭૩.૫૪ કરોડ રૃપિયાનો ખર્ચ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા પાછળ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયામાં થયેલા ખર્ચમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટેલિવિઝન અને રેડિયોમાં અપાયેલી જાહેરાત પાછળ થયેલ ખર્ચ પણ સામેલ છે. 

બ્યૂરોક્રેટ સંજિવ ચતુર્વેદી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. એપ્રિલ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮માં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત આપવા પાછળ કુલ ૨૩૭૪.૪૬ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

આરટીઆઇ જવાબમાં જણાવવામાં આવ્યું છે કે ઓલ ઇન્ડિયા રેડિયો, ડીડી નેશનલ, ઇન્ટરનેટ, પ્રોડ્કશન, રેડિયો, એસએમએસ, થિયેટર, ટીવી સહિતના માધ્યમોમાં જાહેરાત આપવામાં આવી હતી. 

મંત્રાલયે માહિતી આપી છે કે આઉટડોર પબ્લિસિટી પાછળ ૨૦૧૪-૧૫માં ૮૧.૨૭ કરોડ રૃપિયા, ૨૦૧૫-૧૬માં ૧૧૮.૫૧ કરોડ રૃપિયા, ૨૦૧૬-૧૭માં ૧૮૬.૩૭ કરોડ રૃપિયા અને ૨૦૧૭-૧૮માં ૨૦૮.૫૪ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેની કોઇ વિગતો આપવામાં આવી નથી. આ માટે માહિતી પ્રસારણ મંત્રાલયે ચતુર્વેદીને એક સીડી આપી છે. 

Gujarat