For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં સરકાર ડિજિટલ કરન્સી લાવશે, ખાનગી ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકાશે

શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી અંગે બિલ રજૂ થવાની સંભાવના

ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેટલીક કરન્સીને ચોક્કસ છૂટછાટો અપાવાની શક્યતા

Updated: Nov 23rd, 2021

Article Content Image
નવી દિલ્હી, તા.૨૩
દેશમાં રિઝર્વ બેન્ક, આરએસએસ અને વડાપ્રધાન મોદીએ ક્રિપ્ટોકરન્સી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આગામી શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ રજૂ કરવાની તૈયારી કરી છે. આ બિલ હેઠળ ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની અને આરબીઆઈ દ્વારા રજૂ કરાનારી ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરવા માળખું ઘડવા દરખાસ્ત કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, સરકાર કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સીને છૂટછાટ આપી શકે છે.
સંસદનું શિયાળુ સત્ર ૨૯મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે લોકસભામાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧ રજૂઆત માટે યાદીમાં રજૂ કરાયું છે. લોસભાના એજન્ડા મુજબ સરકાર શિયાળુ સત્ર દરમિયાન ૨૬ નવા બિલ રજૂ કરશે, જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલમાં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) દ્વારા રજૂ કરાનારા સત્તાવાર ડિજિટલ કરન્સી બનાવવા માટે માળખું ઊભું કરવા દરખાસ્ત કરાઈ છે.
દસ્તાવેજો મુજબ આ બિલમાં ભારતમાં બધી જ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવાની જોગવાઈ કરાઈ છે. જોકે, તેમાં ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા કેટલીક કરન્સીને ચોક્કસ છૂટછાટો અપાય તેવી સંભાવના છે. હાલમાં દેશમાં કોઈપણ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ પર કોઈ નિયંત્રણ અથવા કોઈ પ્રતિબંધ નથી.
આ પૃષ્ઠભૂમિમાં આ મહિનાના પ્રારંભમાં ક્રિપ્ટોકરન્સી અંગે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને અટકાવી નહીં શકાય, તેથી તેને નિયંત્રીત કરવા માટે નક્કર પગલાં લેવાના સંકેતો અપાયા હતા. તાજેતરના સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સરળ અને ઊંચા વળતરનું વચન આપતી અનેક જાહેરાતો જોવા મળી રહી છે. આ જાહેરાતોમાં ફિલ્મ સ્ટાર્સ પણ ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરી રહ્યા છે. બીજીબાજુ આરબીઆઈએ રોકાણકારોને આકર્ષવા માટે તેમને ગેરમાર્ગે દોરતા દાવાઓ અંગેની જાહેરાતો પર ચિંતા વ્યક્ત કરી છે.
ગયા સપ્તાહે ભાજપના સભ્ય જયંત સિંહાના નેતૃત્વમાં નાણાં અંગેની સ્થાયી સમિતિએ ક્રિપ્ટો એક્સચેન્જીસ, બ્લોકચેઈન અને ક્રિપ્ટો એસેટ્સ કાઉન્સિલ (બીએસીસી)ના પ્રતિનિધીઓ અને આ ક્ષેત્રના અન્ય નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી અને તેમણે એવું આકલન કર્યું હતું કે, દેશમાં ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાવો જોઈએ નહીં, પરંતુ તેને નિયંત્રિત કરવી જોઈએ.
જોકે, આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સી સામે વારંવાર ચેતવણી આપતા કહ્યું છે કે આ ડિજિટલ ચલણો દેશની મેક્રોઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા સામે ગંભીર જોખમ પેદા કરે છે અને તેમાં ટ્રેડિંગ કરતા રોકાણકારોની સંખ્યા અને તેમની માર્કેટ વેલ્યુના દાવાઓ પણ શંકાસ્પદ છે.

Gujarat