For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુનિયામાં કોરોનાનો વધતો પ્રકોપ, યુએસમાં ફ્લોરિડા નવું હોટ સ્પોટ

બ્રાઝિલમાં એક દિવસમાં વધુ ૯૧૦, રશિયામાં ૭૮૯નાં મોત

ફ્લોરિડામાં નવા ૨૧,૦૦૦ કેસ, પાક.માં નવા ૫,૦૦૦ કેસ, ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટના ૩૦૦ કેસને પગલે નિયંત્રણો લદાયા

Updated: Aug 1st, 2021

Article Content Image

(પીટીઆઈ) વોશિંગ્ટન/મોસ્કો, તા.૧

કોરોનાનો ડેલ્ટા વેરિઆન્ટ દુનિયા પર અજગર ભરડો લઈ રહ્યો છે ત્યારે અનેક દેશોમાં કોરોનાના કેસ તિવ્ર ગતિએ વધી રહ્યા છે. અમેરિકામાં સતત બે દિવસથી કોરોનાના નવા એક લાખ જેટલા કેસ નોંધાયા છે. કોરોનાના કેસ ૫૦ ટકા વધતા ફ્લોરિડા નવું હોટ સ્પોટ બન્યું છે અને ત્યાં સ્થિતિ બેકાબૂ બની છે. ચીનમાં પણ રાજધાની બેઈજિંગ સહિત ૧૮ પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસ નોંધાતા જિનપિંગ તંત્ર સાબદું થઈ ગયું છે.  બીજીબાજુ કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં વધુ ૯૧૦ જ્યારે રશિયામાં ૭૮૯ લોકોનાં મોત નીપજ્યાં છે. પાકિસ્તાનમાં ૫,૦૦૦ જ્યારે દક્ષિણ કોરિયામાં ૧,૪૪૨ નવા કેસ નોંધાયા છે.

ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ વધતા દુનિયાભરમાં કુલ કેસનાં આંક ૧૯.૮૭ કરોડને પાર થઈ ગયો છે જ્યારે કુલ મૃત્યુઆંક ૪૨.૩૭ લાખને પાર થઈ ગયા છે. વિશ્વભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨.૬૧ લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે પાંચ હજારથી વધુનાં મોત થયા છે. વિશ્વભરમાં કોરોનાના એક્ટિવ કેસ ૧.૫૦ કરોડને પાર થઈ ગયા છેતેમ વર્લ્ડઓમીટર વેબસાઈટ પર જણાવાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી હતી કે કોરોનાના વધતા કેસના પગલે ૨૯ દેશોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે જ્યારે અનેક દેશોમાં ફ્રન્ટલાઈન વર્કર્સ પાસે પર્યાપ્ત ઈક્વિપમેન્ટ પણ નથી.

અમેરિકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના નવા કેસ એક લાખથી વધુ નોંધાઈ રહ્યા છે. ફ્લોરિડામાં કોરોનાના નવા વિક્રમી ૨૧,૦૦૦ કેસ નોંધાયા હતા. અમેરિકાના બધા જ નવા કેસમાં પાંચમા ભાગના કેસ ફ્લોરિડામાં જોવા મળ્યા છે. અમેરિકન સ્વાસ્થ્ય વિભાગ મુજબ એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ૫૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ વધતા ફ્લોરિડામાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવાયું છે. અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૩.૫૭ કરોડને પાર થયા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૬.૨૯ લાખ થયો છે. એક્ટિવ કેસ વધીને ૫૫ લાખથી વધુ થયા છે.

બ્રાઝિલમાં પણ કોરોના મહામારીથી મોતનો સિલસિલો યથાવત્ છે. બ્રાઝિલમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૯૧૦નાં મોત થયા છે. પરિણામે કુલ મૃત્યુઆંક ૫.૫૬ લાખથી વધુ થયો છે જ્યારે કુલ કેસ ૧.૯૯ કરોડને પાર થયા છે. રશિયામાં પણ ૨૪ કલાકમાં કોરોનાથી ૭૮૯નાં મોત નીપજ્યાં છે જ્યારે કોરોનાના નવા ૨૩,૮૦૭ કેસ નોંધાયા છે. મોસ્કોમાં ૨,૪૮૪ નવા કેસ નોંધાયા હતા. આ સાથે રશિયામાં કોરોનાના કુલ કેસ ૬૨.૬૫ લાખને પાર થઈ ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક ૧.૫૮ લાખ થયો છે.

ચીનમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે માથું ઉંચક્યું છે. ચીનમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૮ પ્રાંતમાં ડેલ્ટા વેરિઅન્ટના ૩૦૦થી વધુ કેસ નોંધાતા જિનપિંગ તંત્ર સાબદું થઈ ગયું છે. રાજધાની બેઈજિંગ, જિઆંગસુ અને સિચુઆન સહિત ૨૭ શહેરોમાં ૩૦૦થી વધુ કેસ નોંધાયા હોવાની સ્થાનિક તંત્રે પુષ્ટી કરી હતી. કોરોનાના કેસ વધતાં બેઈજિંગ સહિતના શહેરોમાં લોકો, વાહનો, એરલાઈન્સ અને ટ્રેનના પરિવહન પર નિયંત્રણો મૂકી દેવાયા છે.  પાકિસ્તાનમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં કોરોનાના ૧,૪૪૨ નવા કેસ નોંધાતા કુલ કેસ ૧.૯૯ લાખને પાર થઈ ગયો છે. તૂર્કી અને થાઈલેન્ડમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. તૂર્કીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ હજાર કેસ વધ્યા છે જ્યારે થાઈલેન્ડમાં નવા ૧૮ હજાર કેસ નોંધાયા છે. આ બંને દેશોમાં લૉકડાઉન સહિતના નિયંત્રણો હોવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

Gujarat