For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેંગસ્ટર દુબે : ધરપકડ, સરન્ડર કે 'સર-અંદર'નો મામલો

- કાનપુરમાં આઠ પોલીસકર્મીનો કાળ બનેલો વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાંથી પકડાયો

- લખનઉમાંથી વિકાસની પત્ની, પુત્ર તથા એક સાથીની પણ ધરપકડ

Updated: Jul 9th, 2020

Article Content Image

કાનપુર અને ઈટાવામાં બે એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના બે સાગરીતોને પોલીસે ઠાર કર્યા

(પીટીઆઈ) ઉજ્જૈન/લખનઉ, તા. 9 જુલાઇ, 2020, ગુરૂવાર

કાનપુરમાં છ દિવસ પહેલાં એક ડીએસપી સહિત આઠ પોલીસ જવાનોને ઠાર કરનાર ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુંડા વિકાસ દુબેની ગુરૂવારે સવારે 7.15 વાગ્યે ઉજ્જૈનના વિશ્વવિખ્યાત મહાકાલ મંદિર બહારથી ધરપકડ કરવામાં આવી હતી.

મહાકાલના દર્શન કરવા માટે વિકાસ દુબે મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે પ્રસાદ અને પ્રવેશ ટિકિટ ખરીદી ત્યારે તે ઓળખાઈ ગયો હતો અને સૃથાનિક સલામતી ગાર્ડ્સે તેને ઝડપી પાડયો હતો.

આ સાથે ઉત્તર પ્રદેશમાં વિકાસ દુબેને ઝડપી લેવા માટેની પોલીસ કવાયતનો છ દિવસે અંત આવ્યો છે. જોકે, વિકાસ દુબેની જે રીતે ધરપકડ થઈ છે તેના પગલે પોલીસે તેની ધરપકડ કરી છે કે તેણે સરન્ડર કર્યું છે તે અંગે મીડિયામાં સવાલો ઉભા થવા લાગ્યા છે.

મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે વિકાસ દુબેના બે સાથીઓની પણ ધરપકડ કરાઈ હતી. મિશ્રાએ ઉમેર્યું હતું કે વિકાસ દુબે તેની કારમાં મહાકાલ મંદિરમાં આવ્યો હતો, જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે તેને ઓળખી કાઢ્યો હતો. ત્યાર પછી તેની ધરપકડ કરાઈ હતી.

પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે બૂમો પાડીને કહ્યું હતું, 'તે વિકાસ દુબે છે... કાનપુરવાળો વિકાસ દુબે...' ઉજ્જૈન પોલીસે વિકાસ દુબેને વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાંથી તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી દેવાયો હતો. 

વિકાસ દુબેના માથે રૂ. 5 લાખના ઈનામની ઉત્તર પ્રદેશ પોલીસે જાહેરાત કરી હતી. ગયા શુક્રવારે રાત્રે કાનપુરના ચૌબેપુર વિસ્તારના બિકરૂ ગામમાં વિકાસ દુબેએ તેની ધરપકડ કરવા આવી રહેલી પોલીસ પાર્ટી પર તેના ઘર પર હુમલો કરી એક ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસ જવાનોની હત્યા કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વિકાસ દુબે હત્યા સહિત 60 ગૂનાઓમાં મુખ્ય આરોપી હતો. તેના ઉપર 20 વર્ષ પહેલાં એક પોલીસ સ્ટેશનમાં ભાજપના જ ધારાસભ્યની હત્યા કરવાનો આરોપ હતો, પરંતુ પુરાવના અભાવે તે છૂટી ગયો હતો. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુબેની ધરપકડ બદલ ઉજ્જૈન પોલીસની પીઠ થાબડી હતી.

તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરીને તેમને દુબેની ધરપકડની માહિતી આપી હતી. દુબેની ધરપકડની માહિતી મળતાં જ ઉત્તર પ્રદેશ પોલીસ ચાર્ટર્ડ વિમાનમાં ઈન્દોર પહોંચી હતી અને ત્યાંથી તેને ઉત્તર પ્રદેશ લવાયો હતો.

દરમિયાન ઉત્તર પ્રદેશમાં પોલીસે બે અલગ અલગ આૃથડામણોમાં વિકાસ દુબેના બે સાથીઓને ઠાર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે દુબેના એક સાથીની ફરિદાબાદમાંથી બુધવારે ધરપકડ કરાઈ હતી. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લવાતો હતો ત્યારે તેણે કાનપુરના પાંકી વિસ્તારમાં તેણે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતાં તેને ઠાર કરાયો હતો. 

ઈટાવામાં અન્ય એક આૃથડામણમાં દુબેના સાથી પ્રવીણ ઉર્ફે બઉઆ દુબેને પણ પોલીસે ઠાર કર્યો હતો. તેના માથા પર પણ રૂ. 50,000નું ઈનામ હતું. વિકાસ દુબેએ ગયા શુક્રવારે કાનપુરમાં આઠ પોલીસ જવાનોની હત્યા કર્યા પછી વિકાસ દુબેના કુલ પાંચ સાથીઓને પોલીસે ઠાર કર્યા છે. દરમિયાન વિકાસ દુબેની ધરપકડ પછી લખનઉના કૃષ્ણનગરમાંથી વિકાસ દુબેની પત્ની અને તેના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે તેના નોકરની પણ ધરપકડ કરી છે.

જોકે, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં વિકાસ દુબેનો ખુલ્લેઆમ ફરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી મધ્ય પ્રદેશ પોલીસે દુબેની ધરપકડ કરી છે કે તેણે જાતે જ સરન્ડર કર્યું છે તે અંગે સવાલો ઊભા થવા લાગ્યા છે. દરમિયાન વિકાસ દુબેની ધરપકડ પછી ઉત્તર પ્રદેશ પોલીસે લખનઉમાંથી વિકાસ દુબેની પત્ની અને પુત્રની તથા તેના એક સાથીની પણ ધરપકડ કર હતી.

દુબેની ધરપકડ પછી પાંચ લાખના ઈનામ માટે પડાપડી

ઉજ્જૈન, તા. 9

ઉજ્જૈનના વિખ્યાત મહાકાલ મંદિર પરિસરમાંથી ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુંડા વિકાસ દુબેની ધરપકડ પછી તેના માથે ઉત્તર પ્રદેશ પોલીસે રાખેલા પાંચ લાખ રૂપિયાના ઈનામ માટે અનેક દાવેદારો આગળ આવી રહ્યા છે. પરિણામે વિકાસ દુબે પરનું રૂ. 5 લાખનું ઈનામ કોને મળશે તે અંગે તર્ક-વિતર્ક થવા લાગ્યા છે.

વિકાસ દુબેની ધરપકડ પછી તેના પરના પાંચ લાખ રૂપિયાના ઈનામના અલગ અલગ દાવેદારો આગળ આવી રહ્યા છે, જેમાં સૌથી આગળ મહાકાલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે. તેમણે મહાકાલ મંદિરના પરિસરમાંથી વિકાસ દુબેની ધરપકડ કરી હતી. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ કહ્યું કે ઉજ્જૈન પોલીસ પહેલાથી જ એલર્ટ હતી. તેમણે માહિતી મળતાં જ વિકાસ દુબેને પકડી લીધો.

બીજીબાજુ મહાકાલ મંદિરના સિક્યોરિટી ગાર્ડ્સે પણ દુબેની ધરપકડમાં મહત્વની ભૂમિકા હોવાનો દાવો કર્યો છે. એક ગાર્ડે જણાવ્યું હતું કે તેણે વિકાસને શંકાસ્પદ હાલતમાં પરિસરમાં ફરતો જોયો હતો અને તેને ટોક્યો હતો. તેનું આઈડી કાર્ડ માગ્યું. તેણે આઈડી કાર્ડ આપવાનો ઈનકાર કરતાં પરિસરના પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસ બોલાવી હતી.

દરમિયાન મહાકાલ મંદિરના પુજારીનું કહેવું છે કે દુબે મંદિરમાં આવ્યો હતો. તેણે નિયમાનુસાર પૂજા કરી. બધા પુજારી કોરોનાના ખાત્મા માટે સામૂહિક પૂજા કરી રહ્યા હતા. ત્યારે તેને જોઈને બધાને શંકા ગઈ. પછી પુજારીઓએ સિક્યોરિટી ગાર્ડ સાથે આ અંગે ચર્ચા કરી અને પોલીસને તેની માહિતી અપાઈ.

ઉજ્જૈનના કલેક્ટરે મંદિર પરિસરના દુકાનદારોનો ઉલ્લેખ કરતાં કહ્યું, વિકાસે પ્રસાદ અને પ્રવેશ ટિકિટ ખરીદી ત્યારે દુકાનદારોને વિકાસનું વર્તન શંકાસ્પદ લાગ્યું તેથી તેમણએ સિક્યોરિટી ગાર્ડને આ અંગે જણાવ્યું અને પછી દુબેની ધરપકડ કરાઈ. પછી ઉજ્જૈન પોલીસ તેને ગાડીમાં બેસાડી લઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસૃથાના એડીજી પ્રશાંત કુમારને દુબેના માથા પરના ઈનામ અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, આ તપાસનો વિષય છે. તે અંગે હજી પરિક્ષણ થશે.

વિકાસના પડોશી બઉઆના ઘરેથી સૌથી વધુ ગોળીબાર 

કાનપુર, તા.9

ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસ દુબેના પડોશી પ્રવીણ ઉર્ફે બઉઆ દુબેને ઈટાવામાં એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. જોકે, હવે બઉઆ દુબે અંગે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગયા શુક્રવારે પોલીસ પર થયેલા હુમલામાં વિકાસ દુબેના પડોશી બઉઆ દુબેના ઘર ઉપરથી પોલીસ પાર્ટી પર સૌથી વધુ ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં બઉઆ દુબે પણ સામેલ હતો અને તેના ઘરેથી સૌથી વધુ હિથયારો જપ્ત કરાયા હતા. ઉપરાંત બઉઆ દુબેએ જ ડીએસપી દેવેન્દ્ર મિશ્રાના પગ કાપી નાંખ્યા હતા. 

મહાકાળ મંદિરમાંથી કઈ રીતે વિકાસ દુબે પકડાયો?

ઉજ્જૈન, તા.9

મહાકાલ મંદિરની લેડી સિંઘમ તરીકે પ્રખ્યાત સલામતી અિધકારી રૂબી યાદવે જણાવ્યું કે મહાકાલ મંદિરના પરિસરમાં સવારે 7.15 વાગ્યે તેમની ટીમ રાઉન્ડ પર  હતી ત્યારે એક ફુલવાળાએ વિકાસ દુબે જેવા શંકાસ્પદને જોયો હોવાની અમને માહિતી મળી હતી.

ત્યાર પછી અમે તેની પાછળ લાગી ગયા. તેણે 250 રૂપિયાની ટિકિટ લીધી અને શંખ દ્વારથી મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી અમારી ટીમે તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી. પછી અમે તેના પર વોચ રાખી હતી અને શંકાસ્પદ વ્યક્તિ વિકાસ દુબે જ છે તે કન્ફર્મ કરવા પ્રયાસ કર્યો અને એસપી સાહેબને ફોન કરી જાણ કરી. 

સુરક્ષા ગાર્ડ્સને તેનું આઈડી કાર્ડ તપાસવા જણાવાયું હતું. તેને પૂછવામાં આવતાં તેણે તેનું નામ શુભમ જણાવ્યું, પરંતુ તેની પાસે નવીન પાલ નામનું આઈડી કાર્ડ હતું. જોકે, તેણે મંદિર પરિસરમાં જ કબૂલી લીધું કે તે વિકાસ દુબે છે. થોડીક વારમાં જ ત્યાં એસપી અને એરિયા પોલીસ આવી ગઈ હતી અને તેની ધરપકડ કરાઈ હતી.

વિકાસ દુબેની કબૂલાત

કાનપુર હુમલા પછી પોલીસની લાશો સળગાવવા માગતો હતો

પોલીસ રેડની અગાઉથી જાણ થતાં એક દિવસ પહેલાં સાથીઓને હથિયારો સાથે બોલાવ્યા હતા

ઉજ્જૈન, તા. 9

કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ પછી પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પૂછપરછ માટે રખાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ તેણે પૂછપરછમાં કબૂલ કર્યું હતું કે ડીએસપી દેવેન્દ્ર મિશ્રાની પોલીસ રેડની માહિતી તેને પોલીસના સૂત્રો પાસેથી જ મળી હતી. આ માહિતી મળતાં એક દિવસ પહેલાં જ તેણે સાથીઓને હિથયારો સાથે બોલાવી લીધા હતા. વધુમાં તે હુમલામાં માર્યા ગયેલા પોલીસ જવાનોની લાશોને સળગાવી દેવા માગતો હતો.  

મધ્ય પ્રદેશ પોલીસની પૂછપરછમાં દુબેએ જણાવ્યું હતું કે તેને ડર હતો કે પોલીસ તેનું એન્કાઉન્ટર કરવા આવી રહી છે, તેથી તેણે ગોળીબાર કર્યો હતો. તેના સંપર્કમાં હતા તે પોલીસના કર્મચારીઓએ જ તેને સવારે દરોડા પડશે તેવી માહિતી આપી હતી.

તેથી તેણે એક દિવસ પહેલાં જ સાથીઓને હિથયારો સાથે બોલાવી લીધા હતા. પરંતુ પોલીસે રાત્રે જ દરોડો પાડયો હતો. તેણે પોલીસ પર પહેલાં ક્રૂડ બોમ્બથી હુમલો કર્યો હતો, ત્યાર પછી ગોળીબાર કર્યો હતો. જોકે, પાછળથી તેને લાગ્યું હતું કે તે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો છે.

વિકાસ દુબેએ કબૂલ્યું હતું કે પોલીસ પર હુમલા પછી ઘરની બાજુમાં એક કુવા પાસે પાંચ પોલીસ જવાનોની લાશોને એક ઉપર એક રાખીને તે સળગાવીને પુરાવાનો નાશ કરવા માગતો હતો. આ માટે ઘરમાં જ 50 લીટર ગેલન પેટ્રોલ પણ પડયું હતું. પરંતુ લાશો એકઠી કર્યા પછી તેને તક મળી નહોતી અને તે ભાગી છૂટયો હતો.

તેણે બધા જ સાથીઓને અલગ અલગ ભાગવા માટે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે માત્ર ચૌબેપુર પોલીસ સ્ટેશન જ નહીં, અનેક પોલીસ સ્ટેશનોમાં તેના મદદગાર હતા. જે તમામ કેસોમાં તેની મદદ કરતા હતા.

ઉજ્જૈનના ડીએમ-એસપી રાતે મંદિર ગયા હતા

મોતથી બચવા વિકાસનું યોજનાબદ્ધ આત્મસમર્પણ : ડીએસપીના સંબંધી

મહાકાલ પોલીસ સ્ટેશન અને ચોકીના ઈન્ચાર્જ સહિત આઠ પોલીસ કર્મચારીઓની બુધવારે જ બદલી થઈ 

કાનપુર, તા. 9

કુખ્યાત ગૂનેગાર વિકાસ દુબે સાથે કાનપુર આૃથડામણમાં માર્યા ગયેલા ડીએસપી દેવેન્દ્ર મિશ્રાના સંબંધી કમલકાંત મિશ્રાએ ગુરૂવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જે રીતે વિકાસ દુબેની ધરપકડ કરાઈ તેની સામે સવાલ ઉઠાવતાં દાવો કર્યો હતો કે મોતથી બચવા માટે વિકાસ દુબેએ આયોજનબદ્ધ રીતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

દિવંગત ડીએસપી દેવેન્દ્ર મિશ્રાના સાળા કમલકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, આ વિકાસ દુબેની ધરપકડ નથી, પરંતુ તેને મરતો બચાવી લેવાયો છે. વિકાસે આયોજનબદ્ધ રીતે આત્મસમર્પણ કરી દીધું છે. કમલકાંત મિશ્રાએ છેલ્લા એક અઠવાડિયામાં વિકાસના પાંચ સાથીઓના એન્કાઉન્ટરમાં મોતનો ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું કે પહેલાં ફરિદાબાદમાં દુબેની આયોજનબદ્ધ રીતે ધરપકડ થવાની હતી, પરંતુ તે 12 કલાકમાં જ મહાકાલના દરવાજે પહોંચી ગયો હતો. તેમણે દાવો કર્યો કે એમપી પોલીસ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે મીડિયા સાથે પહોંચી હતી. 

આ પ્રકારે પહેલાં કેટલા એન્કાઉન્ટર અને ધરપકડ લોકોએ જોઈ હશે તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. વિકાસ દુબેની ધરપકડ અંગે સવાલો ઊભી કરતી અન્ય એક ઘટના એવી છે કે ઉજ્જૈનના ડીએમ આશિષ સિંહ અને એસપી મનોજ કુમાર ઘણી જ ઉતાવળમાં બુધવારે રાત્રે સાડા દસ વાગ્યે મહાકાલ મંદિર પહોંચ્યા હતા.

દરમિયાન વિકાસની ધરપકડના કલાકો પહેલાં જ બુધવારે ઉજ્જૈનના આઠ પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ હતી, જેમાં મહાકાલ ચોકીના ઈન્ચાર્જ અને મહાકાલ પોલીસ સ્ટેશનના એસએચઓનો પણ સમાવેશ થાય છે. આથી વિકાસ દુબેએ સરન્ડર કર્યું હોવાની અટકળોને બળ મળી રહ્યું છે.

Gujarat