For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પીએમ મોદીથી મેયર સહિત દસ હજાર ચીનની જાસુસીના દાયરામાં

- ચીની કંપની દુનિયાભરમાં 24 લાખ નાગરિકો પર વૉચ રાખીને બેઠી છે

- રાષ્ટ્રપતિ, અગ્રણી નેતાઓ, ચીફ જસ્ટીસ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, મેયર, મહત્ત્વપૂર્ણ અધિકારીઓની વિગતો એકઠી કરવામાં આવી

Updated: Sep 14th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવાર

ચીની કંપની ઝેનહુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરવામાં આવી રહી છે. ચીની સરકાર સાથે સાંઠ-ગાંઠ ધરાવતી આ કંપની ભારતમાં 10 હજારથી વધુ જ્યારે દુનિયાભરમાં તો 24 લાખ નાગરિકોની માહિતી ટ્રેક કરી રહી છે અને સતત તેમના પર વૉચ રાખીને બેઠી છે.

અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ અને બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. એ પ્રમાણે વડાપ્રધાનથી માંડીને મેયર સુધીના મહત્ત્વના નાગરિકોની પ્રોફાઈલ પર ચીન વૉચ રાખીને બેઠું છે. આ વેબસાઈટ દ્વારા ચીન માટે જે જરૂરી લાગે એ વ્યક્તિના ઓનલાઈન પ્રોફાઈલ પર સતત નજર રાખવામાં આવે છે.

કોઈ વ્યક્તિ શું કરે છે, કોને પસંદ કરે છે, કેવી વિચારધારા છે, પરિવારમાં કોણ છે, સગાં-વ્હાલા નજીકના મિત્રો કોણ છે, કોની કોના પર અસર છે.. વગેરે વિગતો દ્વારા કાયદેસર દરેક વ્યક્તિનો પ્રોફાઈલ તૈયાર કરવામાં આવ્યો છે. તેના આધારે કોઈ એક વ્યક્તિ પર અસર પેદા કરવી હોય તો શું કરવું પડે એ જાણી શકાય.

આ સમગ્ર પ્રોજેક્ટને ઓવરસિઝ કી ઈન્ફોર્મેશન ડેટાબેઝ (ઓકેઆઈડી) નામ આપવામાં આવ્યું છે. ભારત બહાર પણ ચીને જાસૂસીની જાળ વ્યાપકપણે ફેલાવી છે. કુલ મળીને 24 લાખ નાગરિકો ચીનના રેડારમાં છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકાના 52 હજાર, ઓસ્ટ્રેલિયાના 35 હજાર અને બ્રિટનના દસ હજારથી વધારે નાગરિકોનો આ રીતે ડેટા એકઠો કરવામાં આવ્યો છે.

આ નાગરિકોમાં દેશના મહત્ત્વપૂર્ણ રાજકારણીઓનો સમાવેશ થાય છે. ચીને કેટલાક કિસ્સામાં તો બેન્ક એકાઉન્ટ જેવી ગુપ્ત વિગતો પણ મેળવી લીધી છે. જોકે આ કંપનીએ સ્વિકાર કર્યો હતો કે તેઓ માહિતી એકઠી કરે છે.

પરંતુ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે અમે તો માત્ર એટલી જ વિગતો એકઠી કરીએ છીએ, જે પબ્લિક ડોમેઈન (જાહેરમાં, સોશિયલ મીડિયા પર, વેબસાઈટ) પર મુકવામાં આવી છે. અમારી કંપની ખાનગી છે અને સરકાર કે ચીની લશ્કર સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. 

આ અહેવાલ પછી કોંગ્રેસે સરકારને કહ્યુ હતુ કે વહેલી તકે દેશની સાયબર સુરક્ષા મજબૂત કરવામાં આવે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ચીનની આ જાસૂસી દેશ માટે ચિંતાજનક હોવાનું કહ્યું હતું. સાથે સાથેે તેમણે કહ્યું હતુ કે સરકાર આ મુદ્દે કંઈ કાર્યવાહી કરશે? તો વળી કોંગ્રેસના અન્ય નેતાઓએ આ તો સરકારની જ નિષ્ફળતા છે એવો બળાપો કર્યો હતો. 

કોની કોની જાસૂસી થતી હતી?

*  રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જી, અબ્દુલ કલામના પરિવારજનો

*  વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ

*  ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત

*  સૈન્યની ત્રણેય પાંખના વડા, પૂર્વ વડાઓ

*  મહત્ત્વના વિજ્ઞાનીઓ

*  કોંગ્રેસના સોનિયા ગાંધી સહિતના મહત્ત્વના નેતા

*  સોનિયા ગાંધી, શરદ પવાર, પંજાબનો બાદલ પરિવાર, નોર્થ-ઈસ્ટનો સંગમા પરિવાર

*  ડાબેરી નેતાઓ

*  વર્તમાન અથવા પૂર્વ મળીને 40 મુખ્યમંત્રી

*  70થી વધારે શહેરના મેયર

*  350થી વધારે વર્તમાન અને પૂર્વ સાંસદો

*  ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે

*  કેગ જીસી મુર્મું

*  ઉદ્યોગપતિઓ રતન તાતા, ગૌતમ અદાણી

હાઈબ્રીડ વૉરફેર એટલે શું?

યુદ્ધ સામ-સામા શસ્ત્રો ફેંકીને જ લડી શકાય એ યુગ પુરો થયો. હવેનો જમાનો ટેકનોલોજીકલ અને હાઈબ્રીડ વોરફેરનો છે. કોઈ વ્યક્તિની બધી માહિતી મેળવી તેનું બ્રેઇન વોશિંગ કરવું એ હાઈબ્રીડ વોરફેરનો એક પ્રકાર છે. તમે સતત કોઈ વ્યક્તિને જાણતા હો તો પછી તેના આધારે તેને ગમતી-નાગમતી વાત કરી શકો. તેના ગમા-અણગમા જાણી શકો. આ માહિતીના આધારે કોઈ વ્યક્તિની વિચારધારા પણ બદલી શકાય છે. એ મનોવૈજ્ઞાનિક પરિવર્તનની પ્રક્રીયા હાઈબ્રીડ વોરફેર તરીકે ઓળખાય છે. આ કંપનીનો માલિક વાંગ શૂઇફેંગ અગાઉ આઈબીએમમાં હતો. હવે પોતાની કંપની ચલાવે છે. તેનો દાવો છે કે એ હાઈબ્રીડ વોરફેરનો એક્સપર્ટ છે. રાજકીય પક્ષો મતદારોને પોતાની તરેફણમાં લાવવા આ પ્રકારની ગેમ રમતાં જ હોય છે.

 જાસૂસીમાં શું શું વિગતો એકઠી કરી?

*  નામ, જન્મતારીખ, સરનામું

*  પરિણિત કે અપરણિત

*  રાજકીય પક્ષ સાથે જોડાણ

*  સગાં-વ્હાલા-મિત્રો કોણ છે

*  તમામ સોશિયલ મીડિયા આઈ.ડી.

*  જે-તે વ્યક્તિ સબંધિત સમાચાર

*  ક્રિમિનલ રેકોર્ડ (જો હોય તો)

Gujarat