For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાંથી પાકિસ્તાનમાં વહેતું પાણી અટકાવાય તો કાશ્મીરમાં પૂર આવે

- પાકિસ્તાનને પાણી બંધ કરવાની ધમકી આપી શકાય, પણ વાસ્તવમાં કરી ન શકાય

- ભારતે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય બનવું છે, માટે આવી આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ ન કરવો જોઈએ : વિશ્વબેન્ક પણ નારાજ થાય

Updated: Feb 22nd, 2019

Article Content Image

અમદાવાદ, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

પાકિસ્તાન કોઈ રીતે સીધું ન ચાલે તો તેને ભારતમાંથી નદી મારફત જતું પાણી બંધ કરી દેવાની નિતિન ગડકરીએ ધમકી આપી છે. ધમકી સારી લાગે છે અને તેનાથી પાકિસ્તાનને મોટો ફટકો પણ પડે. પરંતુ હકીકત એવી છે કે આ ધમકીનો અમલ કરવામાં પાકિસ્તાનને નુકસાન થાય, સાથે સાથે ભારતને પણ મોટું નુકસાન થાય. 

કાશ્મીર યુનિવર્સિટીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ડના વડા ડો.શકીલ અહમદ રસૂદે સમાચાર વેબસાઈટ રિડિફ સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે પાકિસ્તાનમાં પાણી જતું બંધ કરી દેવામાં આવે તો કાશ્મીરમાં ઠેર ઠેર પૂર આવી જાય.

વાસ્તવિક રીતે જળ રોકવા માટે બંધ બાંધવો પડે અને તે બાંધતા જ પાંચથી ૧૦ વર્ષ થાય. અત્યારે તો લોકજુવાળને ખાળવા પાણી રોકવાની માત્ર વાતો થાય છે.

૧૯૬૦ની સંધિ મુજબ કાશ્મીરમાં વહેતી છ નદી પૈકી ૩ રાવિ, બિયાસ અને સતલજનું પાણી ભારતને મળે છે. બાકીની ૩ નદી જેલમ, ચિનાબ અને સિંધુનું પાણી પાકિસ્તાન વાપરે છે. સંધિ મુજબ આ ત્રણેય નદીના સંપૂર્ણ પાણી પર પાકિસ્તાનનો હક્ક છે. ડો.શકીલે કહ્યું હતુ કે પાણી બંધ કરવાની વાત કહેવા માટે સારી છે, પણ જે લોકો વાત કરે છે, તેઓ ટેકનિકલ પ્રશ્નો સમજતા નથી.

પાણી રોકી પણ લેવાય તો પણ ભારતની પ્રતિષ્ઠાને હાની પહોંચે. કેમ કે ભારત હવે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય બનવા દાવેદાર બની રહ્યું છે. એ સંજોગોમાં ભારતે કોઈ આંતરરાષ્ટ્રીયસંધિને તોડવી ન જોઈએ. સંધિ તૂટે તો પાકિસ્તાનને નુકસાન થાય, ભારતને પણ થાય.

આખી દુનિયામાં અનેક દેશો વચ્ચે આ પ્રકારની નદીઓ વહે છે અને તેમની વચ્ચે સંધિ છે. પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ સૌથી વધુ સફળ ગણાય છે. કે સંધિ પછી ૧૯૬૫, ૧૯૭૧, ૧૯૯૯માં યુદ્ધ થયું ત્યારે પણ જળ રોકવાની વાત થઈ નથી. વળી આ પાણી રોકાય તો ભારતમાં તેને ક્યાં સમાવવુ એ મોટો પ્રશ્ન છે.

નદીનું પાણી વહેતું સારું લાગે અને બહુ તો બંધ બાંધી શકાય. પરંતુ બંધ બાંધી દીધા પછીય પાણી કાયમી ધોરણે રોકવાનું શક્ય નથી. એ રીતે પાણીને બીજી તરફ વાળવું હોય તો નહેરોનું જંગી નેટવર્ક તૈયાર કરવું પડે, જે દસ-પંદર વર્ષ પહેલા કરી ન શકાય.

આ સંધિ તોડવાની દિશામાં ભારત કોઈ પહેલ કરે તો ભારતની શાંતિવાદી દેશની છબી ખરડાય. સાથે સાથે વિશ્વબેન્ક જેવી સંસ્થાઓ પણ નારાજ થાય. આ સંધિમાં વિશ્વબેન્કની મધ્યસ્થી છે, માટે ભારતે વિશ્વબેન્કની નારાજગી વહોરવી પડે.

Gujarat