For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંચ રાજ્યોમાં ૧૦મી ફેબ્રુઆરીથી ચૂંટણી, ૧૦મી માર્ચે પરિણામ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાની ચૂંટણી દેશના રાજકારણના ભાવીનો ફેંસલો કરશે

કોરોનાના કારણે ૧૫મી સુધી કોઈપણ રેલી, રોડશો, બાઈક રેલી, સરઘસ અથવા પદયાત્રા, વિજય સરઘસની મંજૂરી નહીં

Updated: Jan 8th, 2022


નવી દિલ્હી, તા.૮
દેશમાં કોરોના મહામારી વકરી રહી છે અને કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે એવામાં ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં, મણિપુરમાં બે તબક્કામાં જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં એક-એક તબક્કામાં મતદાન થશે. મતદાનની શરૂઆત ઉત્તર પ્રદેશમાં ૧૦મી ફેબુ્રઆરીથી થશે અને બધા જ રાજ્યોનું પરિણામ એક સાથે ૧૦મી માર્ચે જાહેર થશે. દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બધા જ રાજ્યોમાં ૧૫મી જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ, પદયાત્રા, વિજય સરઘસો પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશમાં કોરોનાકાળમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીના આયોજનના સંદર્ભમાં સવાલના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ એક શાયરી ટાંકીને કહ્યું કે, 'યકીન હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ, હવા કી ઓટ લેકર ભી ચિરાગ જલતા હૈ.' (વિશ્વાસ હોય તો કંઈક રસ્તો નીકળે છે, હવાની ઓથમાં પણ દીવો પ્રગટે છે.) આપણે મહામારીમાંથી નીકળી શકીશું એવો આપણે વિશ્વાસ રાખવો પડશે. ઉપરાંત ચૂંટણીના આયોજન અંગે બચાવ કરતાં તેમણે કહ્યું કે, ઉત્તરાખંડ અને ગોવામાં મોટાભાગના લોકોએ બંને ડોઝ મુકાવી દીધા છે. ઉત્તર પ્રદેશમાં ૯૦ ટકા લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મૂકાયો છે. વધુમાં મતદાન મથક પર નિયુક્ત બધા જ ચૂંટણી અધિકારીઓને બંને ડોઝ મૂકાયા હોય તેની ખાતરી કરાશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ દેશમાં સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ૧૦મી ફેબ્રુઆરીએ પહેલા તબક્કામાં અને ૭મી માર્ચે અંતિમ તબક્કાનું મતદાન થશે. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન ૧૪મી ફેબ્રુઆરી, ૨૦મીએ ત્રીજા, ૨૩મીએ ચોથા, ૨૭મીએ પાંચમા અને ત્રીજી માર્ચે છઠ્ઠા તબક્કાનું મતદાન થશે. મણિપુરમાં ૨૭મી ફેબ્રુઆરીએ પહેલા અને ૩જી માર્ચે બીજા તબક્કામાં લોકો મતદાન કરશે. પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪મી ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોની મત ગણતરી ૧૦મી માર્ચે થશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી સમયની માર્ગદર્શિકાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં ચૂંટણીઓનું આયોજન પડકારજનક કામ છે. પરિણામે દેશમાં ૧૫મી જાન્યુઆરી સુધી કોઈપણ રાજ્યોમાં રોડ શો, બાઈક રેલી, જુલુસ અથવા પદયાત્રાની મંજૂરી આપવામાં નહીં આવે. ૧૫મી પછી સ્થિતિની સમીક્ષા કરાશે. સ્થિતિ નિયંત્રણમાં હશે તો કેટલીક છૂટછાટ અપાશે. રાજકીય પક્ષો ડોર-ટુ-ડોર અભિયાન કરી શકશે, પરંતુ તેમાં પણ મહત્તમ પાંચ લોકો જ ભાગ લઈ શકશે.
ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. પ્રચારમાં સામેલ લોકોન માટે કોરોનાથી બચવા માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા રાજકીય પક્ષો જ કરશે. મત ગણતરી પછી કોઈપણ વિજય જુલુસની મંજૂરી નહીં અપાય. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ મોડમાં પ્રચાર કરવાની ભલામણ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રે કહ્યું કે રાજકીય પક્ષોના બધા જ ચૂંટણી કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરાશે. પક્ષોએ તેમના ઉમેદવારોના ગુનાઈત રેકોર્ડની ફરજિયાત જાહેરાત કરવી પડશે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી માટે ડિજિટલ ટેકનિક અપનાવાશે. દિવ્યાંગો માટે દરેક બૂથ પર વ્હિલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સાત તબક્કામાં મતદાન
- ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ચૂંટણી પંચ ૧૦મી જાન્યુઆરીએ જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૧મી જાન્યુઆરી છે.
રાજ્યો    મતદાન શરૂ    મતદાન પૂર્ણ    મતદાનના     બેઠકો    શાસક
                    તબક્કા
ઉત્તર પ્રદેશ    ૧૦મી. ફેબ્રુ.    ૭મી માર્ચ    ૭    ૪૦૩    ભાજપ
પંજાબ    ૧૪મી ફેબ્રુ.    ૧૪મી ફેબ્રુ.    ૧    ૧૧૭    કોંગ્રેસ
ઉત્તરાખંડ    ૧૪મી ફેબ્રુ.    ૧૪મી ફેબ્રુ.    ૧    ૭૦    ભાજપ
મણિપુર    ૨૭મી ફેબ્રુ.    ૩ માર્ચ    ૨    ૬૦    ભાજપ
ગોવા    ૧૪મી ફેબ્રુ.    ૧૪મી ફેબ્રુ.    ૧    ૪૦    ભાજપ
મત ગણતરી ૧૦મી માર્ચ, પરિણામ જાહેર

Gujarat