For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિહાર ચૂંટણી : પાંચ ફેરફાર જે પહેલી વખત જોવા મળશે; મતદાનના સમયમાં વધારો, કોરોના દર્દીઓ પણ મત આપશે

Updated: Sep 25th, 2020

પટના, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

દુનિયાભરમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકાર બાદ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. હજુ પણ દરેક ક્ષેત્રમાં બદલાવ શરુ જ છે. ચૂંટણી પ્રક્રિયા પણ તેમાંથી બાકાત નથી. ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે, 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બર. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટમી પંચે વિશેષ તૈયારીઓ કરી છે. મતદાતાઓ માટે ખાસ ગાઇડલાઇન પણ તૈયાર કરી છે. બિહાર વિધાનસભા ચૂંણીમાં પાંચ એવા ફેરફાર જોવા મળશે જે પ્રથમ વખત જ જોવા મળશે. 

પોલિંગ બૂથ ઉપર મતદારોની સંખ્યા ઘટશે

મુખ્ય ચૂંટણી ધિકારી સુનીલ અરોરાએ બિહારના ચૂંટણી કાર્યક્રમની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે કોરોનાના કારણે લગભગ 70 જેટલા દેશોમાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણી એ લોકોનો લોકતાંત્રિક અધિકાર છે, માટે ચૂંટણી જરુરી છે. કોરોના કાળમાં થનાર બિહારની ચૂંટણીને લઇને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને પોલિંગ બૂથ ઉપર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. જેના માટે નવા પોલિંગ બૂથ ઉભા કરાયા છે. એક પોલિંગ બૂથ પર એક હજાર મતદાતાઓ જ હશે. ઉપરાંત તમામ પોલિંગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે.

કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે

બિહાર વિધાનસભાની ચૂંટણી કોરોના કાળની સૌથી મોટી ચૂંટણી છે. ચૂંટણીમાં 6 લાખ પીપીઇ કિટ અને 46 લાખ માસ્કનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્ઝ, 47 લાખ હેન્ડ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે મતદાનના છેલ્લા સમયમાં કોરોનાના દર્દીઓ પણ મતદાન કરી શકશે. 

મતદાનનો સમય એક કલાક વધાર્યો

ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાના તમામ નિયમોના પાલન સાથે મતદાન કરવામાં આવશે. 

મોટી સભાઓ નહીં પણ ઓનલાઇન પ્રચાર

રાજનેતિક પક્ષના કાર્યકરો ઘરે ઘરે જઇને પ્રચાર કરી શકશે, પરંતુ તેમની સંખ્યા પાંચ કરતા ઓછી હોવી જોઇએ.  તો જે ઉમેદવારો છે તેમને ચૂંટણી ફોર્મ ભરતી વખતે માત્ર બે વાહન લઇ જવાની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ ઓનલાઇન ભરી શકાશે.  ઉપરાંત ચૂંટણી પ્રચાર ઓનલાઇન કરવામાં આવશે. મોટી સભાઓ કે રેલીઓ નહીં થઇ શકે.

ઉમેદવારો અંગે વેબસાઇટ પર માહિતિ આપવી પડશે

સોશિયલ મીડિયાનો ઉપયોગ વડે કોઇ તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારો અંગેની માહિતિ પણ વેબસાઇટ પર મુકવામાં આવશે. ઉમેદવારો ઉપર થયેલા કેસોની માહિતિ પણ સાર્વજનિક કરવામાં આવશે. 


Gujarat