For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

30 દિવસમાં તમામ માગો સ્વીકારવા ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ

Updated: Nov 24th, 2021

Article Content Image

કૃષિ કાયદા પરત લેવાના બિલને કેબિનેટની મંજૂરી, શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ થશે

ખેડૂતોએ હવે દિલ્હીની સરહદો ખાલી કરીને ઘરે પરત ફરવું જોઇએ : આંદોલન મુદ્દે ખાપ પંચાયતોમાં તડાં

ટેકાના ભાવ માટે કાયદો ઘડવા ખેડૂતોનું દબાણ, 29મીએ એક હજાર ખેડૂતો 60 ટ્રેક્ટર સાથે સંસદ તરફ કૂચ કરશે

આંદોલનમાં મૃત્યુ પામેલા 700 ખેડૂતોના પરિવારને વળતર, 2022 સુધી આવક બમણી કરવાનું વચન પૂરૂ કરવા માગ

ગાઝિયાબાદ/નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી, આ કાયદાને રદ કરવા કે પરત લેવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક બિલને મંજૂરી આપવામાં આવી છે.

આ બિલને હવે શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજુ કરવામાં આવશે જેને મંજૂરી મળી ગયા બાદ આ કાયદા આપોઆપ રદ થઇ જશે. કેમ કે નિયમ મુજબ કાયદા ઘડવાની જેમ જ રદ કરવા માટે પણ સંસદમાં બિલ પસાર કરવું જરૂરી હોય છે. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની બધી માગણી પુરી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે. 

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો મોદી સરકાર 26મી જાન્યુઆરી પહેલા ખેડૂતોની અન્ય બધી માગણીઓ સ્વિકારી લેશે તો જ અમે દિલ્હીની સરહદોએ ધરણા સમાપ્ત કરીને પરત જતા રહીશું, જો માગણીઓ ન સ્વિકારાય તો આ સરહદોને ખાલી નહીં કરીએ.

ગાઝિયાબાદના સદર ગામમાં બુધવારે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે કેંદ્ર સરકારે કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી છે પણ અમારી માગણી માત્ર કૃષિ કાયદા પરત લેવાની નથી, અમે ઇચ્છીએ છીએ કે સરકાર ટેકાના ભાવ મુદ્દે કાયદો લાવે. સાથે જ જે 700 ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ ગૂમાવ્યો છે તેમના પરિવારને વળતર આપે. સરકારે આ મુદ્દાઓને લઇને પણ વાતચીત કરવી જોઇએ. 

ટિકૈતે કહ્યું હતું કે જો સરકાર આ માગણીઓને 26મી જાન્યુઆરી પહેલા સ્વિકારી લે તો અમે દિલ્હી સરહદેથી જતા રહીશું, સરકારે કહ્યું હતું કે જાન્યુઆરી 2022થી ખેડૂતોની આવક બમણી થઇ જશે. જોકે ખેડૂતોની આવક બમણી નથી થઇ શકી તેથી અમારા આંદોલનમાં આ મુદ્દાનો પણ અમે સમાવેશ કરવા જઇ રહ્યા છીએ.

જાન્યુઆરી 2022થી અમે ખેડૂતોની આવક બમણી કરવા મુદ્દે પણ આંદોલન કરીશું. ટિકૈતે સરકાર સમક્ષ જે માગણીઓ મુકી તેમાં ટેકાના ભાવ માટે કાયદો, ખેડૂતો વિરૂદ્ધ દાખલ થયેલા કેસો પરત લેવા, વિજળી સુધારા બિલ પરત લેવું, આંદોલનકારી મૃતક ખેડૂતોના પરિવારને વળતર આપવું વગેરેનો પણ સમાવેશ થાય છે.  

નોંધનીય છે કે 29મી તારીખે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. ખેડૂતોએ પોતાની બાકી રહી ગયેલી માગણીઓને લઇને સત્રના પહેલા જ દિવસે સંસદ તરફ ટ્રેક્ટરો લઇને કુચ કરવાની જાહેરાત કરી દીધી છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે 29 નવેમ્બરના શિયાળુ સત્રના પહેલા દિવસે 1000 લોકો 60 ટ્રેક્ટર લઇને સંસદ તરફ કૂચ કરશે. જે રોડને સરકારે ખોલી નાખ્યા છે ત્યાંથી આ ટ્રેક્ટરો લઇને અમે સંસદ તરફ જઇશું.

અમે સરકાર સાથે વાતચીત કરવા સીધા સંસદ જઇશું. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સરકાર પર ખેડૂતો દબાણ કરવા માટે સંસદ જશે. આ દરમિયાન પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થવાની પણ શક્યતાઓ છે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઇને ખાપ પંચાયતોમાં ફાટા જોવા મળી રહ્યા છે.

ખાપ પંચાયતોનું માનવુ છે કે દિલ્હી સરહદોએ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેઓએ હવે પરત ફરી જવુ જોઇએ. ખાસ કરીને ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશની કેટલીક ખાપ પંચાયતોના નેતાઓનું માનવું છે કે ખેડૂતોએ હવે દિલ્હીની સરહદોને ખાલી કરીને ઘરે પરત ફરી જવુ જોઇએ. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ખેડૂતો ટેકાના ભાવ મુદ્દે કાયદો લાવવા સરકાર પર દબાણ બનાવી રહ્યા છે.

Gujarat