For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીર આવતા-જતાં દરેક જવાનો મફતમાં હવાઇ મુસાફરી કરી શકશે

- પુલવામા હુમલા બાદ સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

- પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને હવાઇ માર્ગેથી લઇ જવામાં આવ્યા હોત તો બચી ગયા હોત

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

કાશ્મીરમાં જે પણ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે તેમના માટે સરકારે એક રાહતભર્યો નિર્ણય લીધો છે. ખાસ કરીને જે પેરામિલિટરી ફોર્સિસ છે તેમના માટે હવાઇ મુસાફરી ફ્રી રહેશે. 

આવા સૈન્ય કર્માચારીઓ, જવાનો, અધિકારીઓ કોઇ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર જ હવે હવાઇ મુસાફરી કરી શકશે. પુલવામામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા તે બાદ એ પણ સવાલો ઉઠી રહ્યા છે કે આટલી મોટી સંખ્યામાં જવાનોને રોડ માર્ગેથી કેમ લઇ જવામાં આવ્યા, આ વિસ્તારમાં આતંકવાદ વધુ હોવાને કારણે તેમને હેલિકોપ્ટર કે હવાઇમાર્ગેથી જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા વધુ સુરક્ષીત ગણાત. 

આ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે સરકારે નિર્ણય લીધો છે કે કાશ્મીરમાં તૈનાત પેરામિલિટરી ફોર્સિસનો કોઇ પણ જવાન મફતમાં હવાઇ મુસાફરી કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી દિલ્હીથી શ્રીનગર, શ્રીનગરથી દિલ્હી, જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ સેક્ટર વચ્ચે અવરજવર કરી શકશે. જેને પગલે આશરે સાત લાખ ૮૦ હજાર જવાનોને આ નિર્ણયનો સીધો લાભ મળશે. જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇનો પણ સમાવેશ થાય છે. 

૧૪મીએ જે પુલવામા હુમલો થયો હતો તે સમયે ૨૫૦૦ જવાનો જમીન માર્ગેથી ૭૮ વાહનોમાં  જઇ રહ્યા હતા. એ જ સમયે આતંકીઓએ એક ૨૦૦થી વધુ કીલો વિસ્ફોટક વાળી કાર આ કાફલા સાથે ટકરાવીને વિસ્ફોટ કર્યો હતો, જેમાં ૪૦ જવાનો શહીદ થઇ ગયા. જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે જો આટલી મોટી સંખ્યામાં જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાના હતા તો તેના માટે હવાઇ માર્ગને કેમ પસંદ ન કરવામાં આવ્યો કેમ કે આ વિસ્તારમાં આતંકવાદ સૌથી વધુ છે અને હુમલાનો પણ ભય રહેલો છે. 

આ હુમલા બાદ સરકારે હવે જવાનોને હવાઇ મુસાફરી ફ્રીમાં કરી આપી છે સાથે જે રોડ પરથી વાહનો પસાર થઇ રહ્યા હોય ત્યાંથી કોઇ અન્ય વાહનોને પણ પસાર નહીં થવા દેવામાં આવે. આ આદેશ આસામ રાઇફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, એસએસબી એ એનએસજી સહીત દરેક જવાનોને લાગુ રહેશે અને હવેથી તેઓ જે રુટ જાહેર કર્યા છે તેના પર મફતમાં મુસાફરી કરી સકશે. 

Gujarat