For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇપીએફઓ ૨૦૧૮-૧૯માં પીએફ પર ૮.૬૫ ટકા વ્યાજ ચૂકવશે : ૦.૧૦ ટકાનો વધારો

લોકસભા ચૂંટણી અગાઉ નોકરિયાત વર્ગને રિઝવવાનો પ્રયાસ

૨૦૧૭-૧૮માં ૮.૫૫ ટકા, ૨૦૧૬-૧૭માં ૮.૬૫ ટકા,૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા વ્યાજ દર હતો

Updated: Feb 21st, 2019

નવી દિલ્હી, તા. ૨૧

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરિયાત લોકોને મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઇપીએફઓએ પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધારીને ૮.૬૫ ટકા કરવામાં આવ્યો છે. આ અગાઉ ૨૦૧૭-૧૮માં પીએફની રકમ પર ૮.૫૫ ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું. એટલે કે આગામી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વ્યાજ દરમાં ૦.૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો લાભ ૬ કરોડ લોકોને મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી(સીબીટી)ની ગુરૃવારે મળેલી બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીટી જ પીએફના વ્યાજ દર અંગે ભલામણ કરે છે. બોર્ડની મંજૂરી પછી હવે આ પ્રસ્તાવને નાણા મંત્રાલયની મંજૂરી માટે મોકલવામાં આવશે. 

કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે સીબીટીના તમામ સભ્યોએ આ બેઠકમાં આ અંગેનો નિર્ણય લીધો હતો. 

ઉલ્લેખનીય છે કે આજે કરાયેલી જાહેરાત પહેલા જ કેટલાક સૂત્રોએ માહિતી આપી હતી કે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે ઇપીએફનો વ્યાજ દર ૮.૫૫ ટકાથી વધારે રહેવાની શક્યતા છે. 

શ્રમ પ્રધાનના નેતૃત્ત્વવાળી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(સીબીટી) ઇપીએફઓના નિર્ણયો લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. 

નાણા મંત્રાલયની મંજૂરી ઇપીએફના ગ્રાહકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮માં ઇપીએફઓનો વ્યાજ દર ૮.૫૫ ટકા હતો. જે પાંચ વર્ષનો સૌૈથી ઓછો હતો. આ અગાઉ ૨૦૧૬-૧૭માં ૮.૬૫ ટકા અને ૨૦૧૫-૧૬માં ઇપીએફનો વ્યાજ દર ૮.૮ ટકા હતો. આ અગાઉ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં વ્યાજ દર ૮.૭૫ ટકા હતો. ૨૦૧૨-૧૩માં વ્યાજ દર ૮.૫ ટકા હતો.


Gujarat