For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભાની ચૂંટણીની સાથે જ જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી શક્યઃ માધવ

- નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે તેવી અટકળો

Updated: Feb 13th, 2019



(પીટીઆઇ) જમ્મુ,તા. 13 ફેબ્રુઆરી 2019, બુધવાર

ભાજપના મહામંત્રી રામ માધવે આજે કહ્યું હતું કે એવી શક્યતા છે કે લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની પણ ચૂંટણી યોજાય.'અમારા કાર્યકરો મારફતે અમે રાજ્યના લોકો સુધી પહોંચવું જ પડશે અને લોકસભા જીતવી પડશે. શક્યતા એવી છે કે લોકસભાની સાથે જ  રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવે'એમ એક કાર્યક્રમમાં  સંબોધતા તેમણે કહ્યું હતું.

માધવ અને જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રભારી તેમજ રાષ્ટ્રીય ઉપ પ્રમુખ અવિનાશ રાય ખન્નાએ 'મેરા પરિવાર, ભાજપા પરિવાર' અભિયાનની શરૂઆત કરી હતી.

માધવે કહ્યું હતું કે 'આપણને ભાજપની જીતની ખાતરી અપાવી જ પડશે કે જેથી રાજ્યમાં ફરી ભાજપની સરકાર બને. અગાઉની ચૂંટણીમાં ભાજપને ૨૫ બેઠકો મળી હતી અને આગામી ચૂંટણઈમાં તેના કરતાં પણ વધુ બેઠકો જીતવી પડશે, ખાસ તો જમ્મુ વિસ્તારમાં જ્યાં આપણને લોકોના આશિર્વાદ મળ્યા હતા'. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકોએ ભાજપને લોકસભાની બે બેઠકો આપી હતી. 'અમે તે બદલ લોકોના આભાર માન્યો હતો અને ફરીથી તેમના આશિર્વાદ લેવા લોકો પાસે જઇશું'.

તેમણે કહ્યું હતું કે ૨૦૧૪ અને ૨૦૧૫ની ચૂંટણીઓમાં અમને લોકોનો સહકાર મળ્યો હતો અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજાના આશિર્વાદ મળશે એવી આશા છે.માત્ર ભાજપ જ જમ્મુ ક્ષેત્રના અધિકારીની રક્ષા કરી શકે છે. આ વિસ્તારના લોકોને આપણે એ ખાતરી કરાવવી પડશે. રાજ્યમાં  નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ભેગા મળી કોંગ્રેસની સાથે ચૂંટણી લડવા વિચારે છે જે પોતાની જાતને રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી માને છે.

Gujarat