For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પંચને ચૂંટણી ચિન્હો ફાળવતા રોકાય તો સમગ્ર પ્રક્રિયા ખોરવાઇ જશે ! સુપ્રીમ

Updated: Sep 26th, 2022

Article Content Image

- ચૂંટણી ચિન્હો ફાળવવાનો અધિકાર રિટર્નિંગ ઓફિસરને આપવાની માગ ફગાવાઇ

- પીઆઇએલ કોઇ શોખની બાબત નથી, કોર્ટનો સમય ન વેડફો : સુપ્રીમની ટકોર, 25 હજારનો દંડ કર્યો

નવી દિલ્હી : ચૂંટણી પંચને ચૂંટણી ચિન્હો ફાળવવાના અધિકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી અને ચૂંટણી પંચને મળેલા અધિકારોને યોગ્ય ઠેરવ્યા હતા. સાથે જ અરજદારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવી તે કોઇ શોખની બાબત નથી. સુપ્રીમ કોર્ટે અરજદારને ન્યાયપાલિકાનો સમય વેડફવા બદલ રૂપિયા ૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. 

સૌથી પહેલા અલ્લાહાબાદ હાઇકોર્ટમાં આ મામલે અરજી થઇ હતી, જેમાં અરજદારે એવી દલીલ કરી હતી કે ચૂંટણી પંચને રાજકીય પક્ષોને ચૂંટણી ચિન્હો આપતા અટકાવવામાં આવે અને માત્ર રિટર્નિંગ ઓફિસર પાસે જ આ પક્ષોને ચિન્હો ફાળવવાનો અધિકાર હોવો જોઇએ. જોકે અલ્લાહાબાદ હાઇકોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી. પરીણામે અરજદારે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

બાદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ કે કૌલ અને ન્યાયાધીશ એ એસ ઓકાની બેંચ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી હતી અને કહ્યું હતું કે પીઆઇએલ કોઇ શોખ નથી, આ પ્રકારની અરજીઓ કરીને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ અરજદારને રૂપિયા ૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ ચૂંટણી ચિન્હો આપવામાં આવે છે, તેમાં ખોટુ શું છે? એક નોંધાયેલો રાજકીય પક્ષ પોતાને મળેલા ચૂંટણી ચિન્હનો ઉપયોગ પોતાના ઉમેદવારને કરવા દે છે. શું તમે આ સમગ્ર પ્રક્રિયાને ખોરવવા માગો છો? તેવો સવાલ પણ સુપ્રીમ કોર્ટે અરજદારને કર્યો હતો.  

Gujarat