For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીનના વિરોધને કારણે યુએને પાક.ની સત્તાવાર ટીકા કરવાનું ટાળ્યું

- યુએને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આતંકીઓ વિરૃદ્ધ કાર્યવાહીની હિમાયત કરી હતી

- પુલવામા હુમલામાં કોઈના નામનો ઉલ્લેખ ન થાય તે માટે ચીને છેલ્લે સુધી યુએનની સિક્યુરિટી કાઉન્સિલ સમક્ષ મથામણ કરી

Updated: Feb 22nd, 2019

Article Content Image

યુએને જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ સાધારણ સંદર્ભમાં કર્યો છે, કોઈ નિર્ણય સંભળાવ્યો નથી : પાક.ને બચાવવા ચીનની આડોડાઈ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ પુલવામા હુમલા અંગે સત્તાવાર ટીકા ન કરે એ માટે ચીને છેક છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા હતા. ચીનની યુએન સ્થિત રાજદૂતે સુરક્ષા પરિષદના પ્રમુખને મળીને પાકિસ્તાનને બચાવવા માટે જોર લગાવ્યું હતું. ચીનના સતત વિરોધના કારણે જ યુએનની સત્તાવાર ટીપ્પણી એક સપ્તાહ પછી આવી હતી.

યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી પરિષદે પુલવામા હુમલાને વખોડી કાઢતું સત્તાવાર નિવેદન આપ્યું હતું. યુએનની સુરક્ષા પરિષદે આતંકવાદીઓ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું હતું અને આરોપીઓ સામે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. યુએનના એ નિવેદનમાં પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર હુમલો કરનારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ પણ થયો હતો અને તેની વિરૃદ્ધ જરૃરી કાર્યવાહી થાય તેના ઉપર ભાર મૂક્યો હતો.

જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનનો ઉલ્લેખ યુએનના સત્તાવાર નિવેદનમાં ન થાય તે માટે ચીને સતત વિરોધ કર્યો હતો. ચીનના સતત વિરોધના કારણે યુએનનું એ નિવેદન એક સપ્તાહ મોડું થયું હતું. યુએન સિક્યુરિટી કાઉન્સિલના ૧૫ સભ્યો પૈકી કાયમી સભ્ય ચીનના વિરોધને અવગણીને પણ યુએનની સિક્યુરિટી કાઉન્સિલે હુમલાની ઝાટકણી કાઢી હતી.

રાજદ્વારી હાર પછી ય ચીને ટંગડી ઊંચી રાખીને આડોડાઈથી નિવેદન આપતા પાક.ના અને જૈશ-એ-મોહમ્મદના વિરોધમાં કહ્યું હતું કે યુએને જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ સાધારણ સંદર્ભમાં કર્યો છે. કોઈ એક ચોક્કસ હુમલા માટે યુએને તેનું નામ લઈને કોઈ જ નિર્ણય સંભળાવ્યો નથી એમ કહીને ચીને તેની ખંધાઈ છતી કરી હતી.

Gujarat