ભારત-અમેરિકા વચ્ચે નવો વેપાર કરાર લગભગ નક્કી, અમેરિકાના જવાબની રાહ

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેનો નવો વેપાર કરાર હવે લગભગ નક્કી છે. બંને દેશો વચ્ચેની અનેક તબક્કાની વાતચીત હવે અંતિમ તબક્કે પહોંચી છે, જોકે સરકારનો મત છે કે કરાર માત્ર ત્યારે જ થશે જો તે બંને રાષ્ટ્રોના હિતમાં હોય. સરકારી સૂત્રો મુજબ, વેપાર કરારના મોટા ભાગના મુદ્દાઓ પર સહમતિ સધાઈ ચૂકી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'વાતચીત લગભગ પૂરી થઈ ગઈ છે અને આગળના વધુ તબક્કાની કદાચ જરૂર નહીં પડે.' હાલમાં અમેરિકા તરફથી અંતિમ જવાબની રાહ જોવાઈ રહી છે.
ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા હતા
આ પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે બંને દેશ એક વ્યાપક વેપાર કરારની નજીક છે અને અમેરિકા ભારત પર લાગતા 50% ટેરિફને ઘટાડવા માટે તૈયાર છે. બીજી તરફ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક ન્યાયી અને સંતુલિત કરાર ઇચ્છે છે. તેમણે કહ્યું, 'અમે ભારતના હિતમાં એક સારો વેપાર કરાર કરવા માટે કામ કરી રહ્યા છીએ. ભલે તેમાં સમય લાગે કાલે, આવતા મહિને કે આવતા વર્ષે...સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે.'
પાંચ તબક્કાની વાતચીત પૂરી
અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે અધિકારીઓના સ્તરે પાંચ તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત પીયૂષ ગોયલ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમના અમેરિકન સમકક્ષો સાથે મુલાકાત કરી છે.
આ વેપાર કરાર ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આના દ્વારા બંને દેશો વચ્ચે વેપાર વધશે, ભારતીય કંપનીઓને અમેરિકન બજારમાં નવી તકો મળશે અને વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.

