For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકશાહી મરણ પથારીએ : IDEA

Updated: Nov 22nd, 2021

Article Content Image

દુનિયાની 70 ટકા વસતિ એવાં દેશોમાં રહે છે, જ્યાં લોકશાહી નથી

અમેરિકા, ભારત, બ્રાઝિલ જેવા દેશોમાં પણ લોકતાંત્રિક મૂલ્યોની સ્થિતિ ચિંતાજનક : લોકશાહી માટે કામ કરતી સંસ્થાનો અહેવાલ

નવી દિલ્હી : દુનિયાભરમાં એવા દેશોની સંખ્યા વધી રહી છે કે જ્યાં લોકતંત્ર દિવસે દિવસે નિર્બળ બની રહ્યું છે. આવા દેશોમાં ભારત પણ સમાવિષ્ટ છે. 'ઈન્સ્ટીટયુટ ફોર ડેમોક્રસી એન્ડ ઈલેક્ટોરલ આસિસ્ટન્ટ' (IDEA) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ''એવા દેશો કે જ્યાં લોકતાંત્રિક મૂલ્યો, જોખમમાં છે, તેવી સંખ્યા અત્યારે જેટલી વધી ગઈ છે તેટલી પહેલાં ક્યારેય ન હતી.''

આ સંસ્થાએ લોકતાંત્રિક મૂલ્યો નિર્બળ બનાવતાં કારણો દર્શાવતા જણાવ્યું છે કે 'દેશના નેતાઓની, લોકોને લલચાવવાની રાજનીતિ, ટીકાકારોને મુક કરવા માટે કોવિડ-19 મહામારીનું અપાતું બહાનું, તો બીજી તરફ અન્ય દેશોની અલોકતાંત્રિક રીત-રસમ અપનાવવાનું વલણ તથા સમાજમાં ભાગલા પાડવા માટે ખોટી માહીતીઓ ફેલાવવાનું ચલણ વગેરેને લીધે દુનિયાભરમાં લોકતંત્ર જોખમમાં મુકાઈ ગયાં છે.

IDEA દ્વારા 1975થી આજ સુધી એકત્રિત કરેલી માહિતીઓ અને આંકડાઓના આધારે આ અહેવાલ તૈયાર કરાયો છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'પહેલાં કરતાં ઘણા વધુ દેશોમાં અત્યારે લોકતંત્ર 'મરણ પથારીએ' છે. તેવા દેશોની સંખ્યા પહેલાં આટલી બધી ન હતી કે જ્યાં લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યોમાં પતન થયું હોય.

આ રીપોર્ટમાં ભારત સંબંધે કહ્યું છે કે 'ત્યાં ન્યાયતંત્રની આઝાદી સિવાય માનવ અધિકારો તથા મીડીયાની આઝાદી વિશે પણ રીપોર્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. 2021માં સૌથી મોટો ફેરફાર તો અફઘાનિસ્તાનમાં જોવા મળ્યો છે. ત્યાં તો, પશ્ચિમી સેનાઓ વિદાય થઈ રહી હતી, તે સાથે જ તાલિબાનોએ દેશના વિશાળ ભાગો ઉપર કબ્જો જમાવી દીધો હતો. 

મ્યાનમારમાં 1લી ફેબુ્ર. 2020માં થયેલા સત્તા પરિવર્તને લોકતંત્રને ઢાળી દીધું, આફ્રિકામાં તો વારંવાર સત્તા પલટા થતા જ રહે છે તેમ કહેતાં IDEA નો અહેવાલ જણાવે છે કે, 'માલીમાં બે વખત સરકાર બદલાણી, ટયુનિશિયામાં પ્રમુખે સંસદ ભંગ કરી 'આપાતકાલીન-સત્તા' હાથમાં લઈ લીધી.''

આશ્ચર્ય તો તે વાતનું છે કે, આ રીપોર્ટમાં બ્રાઝિલ, ભારત અને અમેરિકા જેવા 'સ્થાપિત-લોકશાહી' દેશોમાં પણ લોકતંત્ર અંગે ચિંતા દર્શાવવામાં આવી છે. બ્રાઝિલ અને અમેરિકામાં તો, રાષ્ટ્રપતિઓએ જ દેશનાં ચૂંટણી પરિણામો અંગે પ્રશ્નો ઉભા કરી દીધા જ્યારે ભારતમાં સરકારી-નીતિઓની ટીકા કરનારાઓને પ્રતાડિત કરવામાં આવે છે.

રીપોર્ટ વધુમાં જણાવે છે કે 'મહામારીએ 'તાનાશાહી'ને પ્રબળ કરી છે. તેથી આપખૂદશાહીને લીધે હંગેરી, પોલેન્ડ, સ્લોવેનિયા અને સર્બિયા જેવા દેશોમાં તો લોકતંત્રને સૌથી વધુ નુકસાન થયું છે. તૂર્કીમાં 2010 થી 2020 સુધીમાં લોકતંત્રનું સૌથી વધુ અધ:પતન થયું છે.'

આ રીપોર્ટમાં આંચકાજનક વાત તો તે કહેવાઈ છે કે : 'દુનિયાની 70 ટકા જેટલી વસ્તી એવા દેશોમાં રહે છે કે જ્યાં 'લોકશાહી' જ નથી, અથવા તો ત્યાં લોકશાહી હોવાનું 'નાટક' જ ચાલે છે. તો કેટલાંક સ્થળે તો લોકશાહી જડમૂળથી ઉખેડી નાખવામાં આવી છે. જુઓ અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે? ત્યાં મહિલાઓની પરિસ્થિતિ જરા પણ સુધરી છે? જ્યારે અન્ય દેશોમાં કોવિડ-મહામારીને નામે શાસકો અને સરકારોનાં વલણ વધુ એકાધિકારવાદી બની ગયાં છે.'

આ રીપોર્ટમાં વધુ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, 'તેવા કોઈ પુરાવા જ નથી, કે આપખૂદશાહી સરકારોએ સાચી લોકતાંત્રિક સરકારો કરતા કોવિદ-મહામારીનો સામનો કરવા માટે વધુ સારૂં કામ કર્યું હોય. વાસ્તવમાં તો આ મહામારીને લીધે બેલારૂ, ક્યુબા, મ્યાંમાર, નિક્રાગુઆ અને વેનેઝૂએલા દેશોમાં તો દમનને યોગ્ય ઠરાવવા માટે અને વિરોધને ચૂપ કરવા માટે ત્યાં તાનાશાહીને જબરજસ્ત બહાનું મળી ગયું છે.'

Gujarat