For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અન્યાય સામે લડત આપીને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીશ : કેજરીવાલ

- દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો તેને લંડન-પેરિસ જેવું બનાવાશે : કેજરીવાલ

- કેન્દ્રમાં રહેતી કોઈ પણ સરકાર દિલ્હીવાસીઓનું લોહી ચૂસતી હોવાનો આરોપ

Updated: Feb 24th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજધાનીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી માંગ સાથે પહેલી માર્ચથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર ઉતરી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર સામે તેઓ દિલ્હીવાસીઓની લાગણી સાથે રમત કરે છે તેવો આક્ષેપ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કેન્દ્ર સરકાર અને ભાજપની દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની ઈચ્છા પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા મુદ્દે લોકો સામે ખોટું બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મુદ્દે લોકો હવે વધારે અન્યાય સહન નહીં કરે તેમ જણાવ્યુ હતું. કેજરીવાલે દેશની રાજધાની હોવાના કારણે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન આપી શકાય તેને ખોટું બહાનુ ગણાવીને દિલ્હીવાસીઓ સમગ્ર ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારનો કંટ્રોલ કેન્દ્ર સરકારને સોંપવા તૈયાર હોવાનું જણાવ્યુ.

પરંતુ દિલ્હીનો બાકીનો વિસ્તાર જ્યાં એક ચૂંટાયેલી સરકાર છે તેને કેન્દ્ર સરકારના હાથમાં ન સોંપી શકાય તેવી દલીલ કરી હતી. તેમણે કહ્યું કે જો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો તેને લંડન-પેરિસ જેવું સ્વચ્છ શહેર બનાવવામાં આવશે, તેમાં કાયદો-વ્યવસ્થા જળવાશે અને મહિલાઓની સુરક્ષીતતા વધશે.

કેજરીવાલે કહ્યું કે મોદી સરકાર દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામમાં બિનજરુરી અને અન્યાયી દખલ બંધ કરે તે માટે સંભવિત તમામ વિકલ્પ વાપરવામાં આવ્યા હતા જેમાં અપીલ, વિરોધ પ્રદર્શનો અને કોર્ટમાં ફરિયાદનો પણ સમાવેશ થાય છે. પરંતુ એક પણ રીતે મોદી સરકારની દખલ રોકવામાં સફળતા ન મળી હોવાથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા પહેલી માર્ચથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ નથી બચતો.

કેજરીવાલે જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે વિવિધ આદેશો દ્વારા દિલ્હી સરકારના પાવર પર રોક લગાવી છે.પરંતુ કેન્દ્ર સરકારનો આ અન્યાય હવે લોકોની અદાલત સમક્ષ છે અને જનતા જ લોકતંત્રની સૌથી મોટી અદાલત છે. દિલ્હીવાસીઓ માટેના સીસીટીવી, શાળા, દવાખાના વગેરે અનેક નિર્ણયોમાં કેન્દ્ર સરકારે અવરોધ ઉભા કર્યા હતા અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા મુદ્દે ભાજપની નીતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

તેમણે દિલ્હીવાસીઓને આગામી ચૂંટણીમાં વડાપ્રધાનને ચૂંટવા માટે નહીં પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા મતદાન કરવા અપીલ કરી હતી.  દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાના ભાજપના વચનને યાદ અપાવતા કેજરીવાલે કહ્યું કે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની સરકાર વખતે તત્કાલીન ઉપ વડાપ્રધાન અને ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીજીએ લોકસભામાં દિલ્હી સ્ટેટહૂડ બિલ રજૂ કર્યુ હતું.

અડવાણીજીએ ઓગસ્ટ ૨૦૦૩માં દિલ્હી સ્ટેટહૂડ બિલ લોકસભામાં રજૂ કર્યુ હતું અને દિગ્ગજ કોંગ્રેસી નેતા પ્રણવ મુખર્જીની આગેવાની ધરાવતી પાર્લામેન્ટ્રી કમિટીએ તેનું સમર્થન કર્યુ હતું છતા તે બિલને આગળ નહોતું વધવા દેવામાં આવ્યું. વધુમાં કેજરીવાલે કહ્યું કે બ્રિટિશર્સ પણ આટલા અત્યાચારી નહોતા,  દિલ્હીવાસીઓ ૧.૫ લાખ કરોડ રુપિયાનો આવક વેરો ભરે છે અને સામે કેન્દ્ર તેમને ૩૨૫ કરોડ રુપિયા જ ફાળવે છે. કેન્દ્રમાં ગમે તે પાર્ટી હોય તેઓ હંમેશા દિલ્હીવાસીઓનું લોહી જ ચૂસે છે પરંતુ હવે આ અન્યાય નહીં સહન કરવામાં આવે.

Gujarat