For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હી વિ. કેન્દ્ર : વહીવટી સેવાઓના અંકુશ મુદ્દે સુપ્રીમનો ખંડિત ચુકાદો : કેસ લાર્જર બેન્ચને સુપ્રત

ન્યાયમૂર્તિ ભૂષણના મતે દિલ્હી સરકાર પાસે વહીવટી સેવાઓ અંગે કોઇ સત્તા નથી

ન્યાયમૂર્તિ સિકરીના મતે જોઇન્ટ સેક્રેટરી કે તેની ઉપરના રેન્કના અધિકારીઓની નિમણૂકનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે

Updated: Feb 14th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪

દિલ્હી  અને કેન્દ્ર સરકારની વચ્ચે વહીવટી સેવાઓના અધિકારો અંગે ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે વિરોધાભાસી ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ એ કે સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરનો અધિકાર કેન્દ્રની પાસે હોય કે રાજ્યની પાસે તે બાબતમાં અલગ અલગ મત વ્યક્ત કર્યા છે.

મતભેદને પગલે ન્યાયમૂર્તિ એ કે સિકરી અને અશોક ભૂષણની બેન્ચે આ કેસ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બનેલી બેન્ચને સુપ્રત કર્યો છે. 

રાજ્ય સૂચીમાં રાજ્ય પબ્લિક સર્વિસીસની એન્ટ્રી ૪૧ હેઠળ દિલ્હી સરકારની કાર્યકારી શક્તિઓના સંદર્ભમાં જસ્ટિસ સિકરી અને જસ્ટિસ ભૂષણનોે મત ભિન્ન હતો. 

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ બંને જજોએ આ વિવાદ સાથે સંકળાયેલા છ મુદ્દે સુનાવણી કરી રહ્યાં હતાં. જો કે બંને જજો એક મુદ્દા સિવાય અન્ય પાંચ મુદ્દે સંમતિ સાધી શક્યા હતાં.

બંને જજો સંમત થયા હતાં કે એન્ટી કરપ્શન બ્યૂરો પર લેફ્ટનન્ટ ગવર્નર(એલજી) નો અંકુશ રહેશે. આ ઉપરાંત બંને જજો સંમત થયા છે કે તપાસ પંચની નિમણૂક કરવાનો અધિકાર પણ કેન્દ્ર સરકારની પાસે જ રહેશે. બીજી તરફ દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસે સરકારી વકીલની નિમણૂક કરવાનો અધિકાર રહેશે. આ ઉપરાંત જમીનની આવક સાથે સંકળાયેલા કેસોનો નિર્ણય કરવાની સત્તા પણ દિલ્હી સરકાર પાસે રહેશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી કમિશન કે બોર્ડની નિમણૂક કરવાનો અધિકાર પણ દિલ્હી સરકારની પાસે રહેશે. 

બંને જજો વચ્ચે વહીવટી સેવાઓના અંકુશ મુદ્દે મતભેદ જોવા મળ્યા છે. ન્યાયમૂર્તિ ભૂષણે જણાવ્યું છે કે દિલ્હી સરકાર પાસે વહીવટી સેવાઓ અંગે કોઇ સત્તા નથી. જો કે આ મુદ્દે ન્યાયમૂર્તિ સિકરીનો મત ભિન્ન છે. 

ન્યાયમૂર્તિ ભૂષણે જણાવ્યું હતું કે દિલ્હી સરકારની પાસે આ સંબધમાં કોઇ કાર્યકારી શક્તિ નથી. બીજી તરફ ન્યાયમૂર્તિ સિકરીએ જણાવ્યું હતું કે જોઇન્ટ સેક્રેટરી કે તેની ઉપરના રેન્કના અધિકારીઓની નિમણૂકનો અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે. તેનાથી નીચેના રેન્કના અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરનો અધિકાર જીએનસીટીડીની પાસે રહેશે. 

સિકરીએ વધુમાં જણાવ્યું હતું કે આઇએએસ અધિકારીઓની જેમ ગ્રેડ-૩ અને ગ્રેડ-૪ના કર્મચારીઓની નિમણૂક અને બદલી માટે પણ અલગ બોર્ડની રચના કરવી જોઇએ. 

Gujarat