For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં ફેબુ્રઆરી ૧૨૦ વર્ષમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો

પર્યાવરણ પર અસંખ્ય અત્યાચારોનું પરિણામ કુદરત રૂઠી

ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં અચાનક ગરમી વધી ભુવનેશ્વરમાં પારો ૪૦ ડિગ્રી, બિહારમાં ૩૩ ડિગ્રીને પાર

Updated: Feb 28th, 2021


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૮

દેશમાં માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગરમી વધવાના સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર તેમજ પૂર્વીય ભારતમાં અચાનક તાપમાન વધી ગયું છે. દિલ્હીમાં ફેબુ્રઆરી મહિનાનું સરેરાશ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે દિલ્હીમાં ફેબુ્રઆરી છેલ્લા ૧૨૦ વર્ષ કરતાં વધુના સમયમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. બીજીબાજુ પૂર્વમાં ઓડિશા અને બિહારમાં પણ તાપમાન વિક્રમી સ્તરે નોંધાયું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં   હિમસ્ખલન થયું હતું અને આગામી સમયમાં બરફ વર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફેબુ્રઆરી મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું છે. આમ ફેબુ્રઆરી મહિનો વર્ષ ૧૯૦૧ પછી એટલે કે છેલ્લા ૧૨૦ વર્ષમાં બીજા નંબરનો સૌથી ગરમ મહિનો રહ્યો છે તેમ હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું. દિલ્હીમાં વર્ષ ૨૦૦૬માં ફેબુ્રઆરીમાં સરેરાશ મહત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયું હતું, જે અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન છે તેમ હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું, જે સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું જ્યારે મહત્તમ તાપમાન ૩૨.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તથા લઘુત્તમ તાપમાન એકંદરે ૩૧ ડિગ્રી અને ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

દિલ્હીમાં લોકો ગરમીમાં શેકાયા હતા તેવામાં રાજધાનીમાં આખો દિવસ હવાની ગુણવત્તા ખરાબ રહી હતી અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૧૧ નોંધાયો હતો તેમ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીયલ ટાઈમ આંકડાઓમાં જણાવાયું હતું. ભારતીય હવામાન વિભાગના એડીજી આનંદ શર્માએ કહ્યું કે, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં તાપમાન સામાન્યથી વધુ રહ્યું હતું. દિલ્હીમાં તાપમાન સામાન્યથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. ઉત્તર-પશ્ચિમી ભારતમાં પણ તાપમાન સામાન્યથી પાંચથી છ ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. ગરમી વધળાનો આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૧લી અને ૨જી માર્ચે તાપમાનમાં આંશિક ઘટાડાની સંભાવના છે. હકીકતમાં ઓછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં અચાનક વધારો આવ્યો છે.

હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માત્ર એક જ વખત થયું. આથી ત્યાર પછીના સમયમાં દિલ્હી સહિત ઉત્તર અને પૂર્વી ભારતની આજુબાજુ ગરમ હવા કોઈપણ અવરોધો વિના ફૂંકાતી રહી. આ જ કારણે ૨૦૦૬ પછી પહેલી વખત ૧૫ ફેબુ્રઆરી પહેલાં જ તાપમાન ૩૦ ડિગ્રીને પાર થઈ ગયું હતું. દિલ્હી ઉપરાંત પૂર્વ ભારતમાં ઓડિશા અને બિહારમાં પણ તાપમાનમાં વિક્રમી વધારો નોંધાયો છે. ઓડિશાનું પાટનગર ભુવનેશ્વર શનિવારે સતત ચોથા દિવસે દેશનું સૌથી ગરમ શહેર બની રહ્યું. અહીં તાપમાન ૪૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુવનેશ્વરમાં ફેબુ્રઆરી મહિનામાં છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. બિહારમાં પણ ગરમીથી લોકો પરેશાન થવા લાગ્યા છે.

હવામાન વિભાગ મુજબ ઓડિશામાં માર્ચના પહેલાં સપ્તાહમાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ જશે. આગામી ૨-૩ દિવસમાં ભુવનેશ્વર અને ઓડિશાના કેટલાક સ્થળોમાં તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. બિહારના પાટનગર પટનામાં શનિવારે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી, જે સામાન્ય તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે.

બીજીબાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં રવિવારે બે સ્થળે હિમસ્ખલન થયું હતું. જોકે, તેમાં કોઈ જાનહાની થઈ નથી. ઉત્તર કાશ્મીરના કુપવારા જિલ્લાના ચોકીબાલ-તંગધાર રોડ પર પહેલું હિમપ્રપાત થયું હતું. વધુમાં બપોરે મધ્ય કાશ્મીરના ગંડરબાલ જિલ્લામાં સોનમર્ગમાં આર્મી કોન્વોય ગ્રાઉન્ડ નજીક હિમપ્રપાત થયું હતું. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતીય વિસ્તારોમાં ૩-૪ માર્ચે હળવા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. સાથે જ અરૂણાચલ પ્રદેશ, મેઘાલય તથા અસમના અનેક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

Gujarat