For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદીએ લીધો કોરોના વેક્સિનનો બીજો ડોઝ, કહ્યું- વેક્સિનથી હરાવીશું વાયરસને

Updated: Apr 8th, 2021


- પંજાબની નર્સ નિશા શર્માએ વડાપ્રધાનને કોરોનાની 'કોવેક્સિન'નો બીજો ડોઝ આપ્યો

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર

કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ પોતે જ ટ્વીટ કરીને પોતે દિલ્હીની એઈમ્સમાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાની માહિતી આપી હતી. આ સાથે જ તેમણે પાત્ર લોકોને વેક્સિનનો ડોઝ લેવા વિનંતી કરી હતી અને વેક્સિનેશનને વાયરસને હરાવવાના કેટલાક ઉપાયો પૈકીનું એક ગણાવ્યું હતું.

પંજાબની નર્સ નિશા શર્માએ વડાપ્રધાનને કોરોનાની 'કોવેક્સિન'નો બીજો ડોઝ આપ્યો હતો. પુડુચેરીની સિસ્ટર પી નિવેદા પણ તે સમયે હાજર રહી હતી. વડાપ્રધાને જ્યારે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો તે સમયે પણ પી નિવેદા હાજર હતી. સિસ્ટર નિવેદાએ કહ્યું કે, 'મને બીજી વખત વડાપ્રધાનને મળવાની તક મળી, સારૂ લાગ્યું, અમે સાથે ફોટો પણ લીધો.'

નર્સ નિશા શર્માએ જણાવ્યું કે, 'આજે સવારે જ અમને ખબર પડી કે વડાપ્રધાનને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો છે. તેમને મળીને અમને ખૂબ ગમ્યું, તેમણે તમે ક્યાંથી છો તેવો સવાલ કર્યો હતો અને થોડી વાર વાત કરી હતી, સાથે ફોટો પણ લીધો હતો. મને ગર્વ છે કે, વડાપ્રધાન મોદીને મળવાની તક મળી.'

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તે દિવસે તેઓ અચાનક જ નવી દિલ્હી ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ભારત બાયોટેકની 'કોવેક્સિન' લીધી હતી. 

Gujarat