For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની કોર્ટનો રોબર્ટ વાડ્રાની પૂછપરછ પર સ્ટે મૂકવાનો ઇનકાર : આજે ઇડી સમક્ષ હાજર થવા આદેશ

રાહુલ ગાંધીના બનેવીની મુશ્કેલી વધી

દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પાંચ દિવસમાં રજૂ કરવા એજન્સીને આદેશ

Updated: Feb 25th, 2019

 

(પીટીઆાઇ) નવી દિલ્હી, તા. ૨૫

દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસના આરોપી રોબર્ટ વાડ્રાની પૂછપરછ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો અને તેમને આવતીકાલથી જ પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થઇ જવાનો આદેશ આપ્યો છે. 

સીબીઆઇના વિશેષ જજ અરવિંદકુમારે ગયા વર્ષે વાડ્રાની ઓફિસોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પાંચ દિવસમાં રજૂ કરવા એજન્સીને આદેશ આપ્યો છે. 

ઇડીની પૂછપરછ પર સ્ટે મૂકવાની વાડ્રાની અરજી પર કોર્ટ હવે બે માર્ચના રોજ સુનાવણી હાથ ધરશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી વાડ્રાએ શનિવારે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં વાડ્રાએ જણાવ્યું હતું કે ઇડી જપ્ત કરાયેલા દસ્તાવેજોને આધારે પૂછપરછ કરી રહી હોવાથી મને આ દસ્તાવેજોની કોપી મળવી જોઇએ. 

ગયા વર્ષે સાત ડિસેમ્બરે એજન્સીએ વાડ્રાની દિલ્હીની ઓફિસોમાં દરોડા પાડયા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે વાડ્રાને પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થવું પડશે ત્યારબાદ તેમની અરજીની સુનાવણી કરવામાં આવશે. 

સુનાવણી દરમિયાન વાડ્રા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે ચૂંટણી નજીક હોવાથી એજન્સી ઝડપથી પૂછપરછ કરી રહી છે અને એજન્સી પોતાની ધીરજ ગુમાવી રહી છે. 

વાડ્રા પર વિદેશમાં ગેરકાયદે મિલકતો ખરીદવા અને રાજસ્થાનના બિકાનેરમાં જમાીન કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ વાડ્રા દિલ્હી અને જયપુરમાં પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થઇ ચૂક્યા છે. 

કોર્ટે ૧૬ ફેબુ્રઆરીના રોજ વાડ્રાને અપાયેલ વચગાળાના જામીનની મુદ્દત બે માર્ચ સુધી વધારી હતી. 

Gujarat