‘આતંકવાદ બે પ્રકારના હોય છે...’, જાણો દિલ્હી બ્લાસ્ટ મામલે શું બોલ્યા ચિદમ્બરમ

P.Chidambaram On Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લામાં 10 ડિસેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ મામલે પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘ઘરેલુ આતંકવાદ’નો મુદ્દો ઉઠાવીને કહ્યું છે કે, ભારત બે પ્રકારના આતંકવાદીઓનો સામનો કરી રહ્યો છે. તેમાં વિદેશથી ટ્રેન થઈને આવેલા આતંકવાદીઓ અને દેશની અંદર ઉછરી રહેલા આતંકવાદી સામેલ છે.
મેં અગાઉ મુદ્દો ઉઠાવ્યો તો મારી મજાક ઉડાવાઈ, મને ટ્રોલ કરાયો : ચિદમ્બરમ
ચિદમ્બરમે એક્સ પર લખ્યું છે કે, ‘હું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ પણ એ જ કહેવા માગું છું કે, આતંકવાદ બે પ્રકારના હોય છે - વિદેશથી ટ્રેનિંગ લઈને આવેલા ઘૂસણખોર આતંકવાદી અને ઘરેલુ આતંકવાદી... જ્યારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મેં આ વાત કહી હતી, ત્યારે મારી મજાક ઉડાવાઈ હતી અને મને ટ્રોલ કરવામાં આવ્યો હતો.’
ચિદમ્બરને સરકાર પર કર્યો કટાક્ષ
તેમણે સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘સરકારે આ મુદ્દે મૌન સાધી લીધું છે, કારણ કે સરકાર જાણે છે કે ઘરેલુ આતંકવાદીઓ પણ હોય છે. મેં જે ટ્વિટ કર્યું છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે, આપણે પોતાને જ પૂછવું જોઈએ કે, એવી કંઈ પરિસ્થિતિ છે, જે ભારતીય નાગરિકો, ભણેલા-ગણેલા લોકોને પણ આતંકવાદી બનાવી દે છે.’
દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

