દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

Delhi Blast Case : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ મનાતા ડૉ. ઉમર મોહમ્મદ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી કડક મુહિમના ભાગરૂપે, સુરક્ષા દળોએ શુક્રવારે ડૉ. ઉમરના પુલવામા સ્થિત ઘરને નિયંત્રિત IED વિસ્ફોટથી ધ્વસ્ત કરી દીધું છે.
સમગ્ર વિસ્તારને ઘેરી કાર્યવાહીને અંજામ
સુરક્ષા દળોએ આ ઓપરેશનને અંજામ આપતા પહેલા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સંપૂર્ણ સાવચેતી સાથે આ કાર્યવાહી પૂરી કરી હતી. આ પગલું આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વોને કડક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે.
દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય આરોપી હતો
ઉલ્લેખનીય છે કે, ડૉ. ઉમર મોહમ્મદ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. આ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા. તપાસ એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે બ્લાસ્ટમાં ડૉ. ઉમરનું મોત થયું છે કે તે ભાગી ગયો છે, જેના માટે તેની માતાના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. આ મોટી કાર્યવાહી એ જ તપાસનો એક ભાગ છે.

