સરખી રીતે બાઈક ચલાવને...' સામાન્ય બાબતે 6 યુવા વચ્ચે ચપ્પા-છૂરી ઉછળ્યાં, બેનાં દર્દનાક મોત
Delhi Minors Murdered Two Youth: દિલ્હીમાં ફરી એક વખત સગીરો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં જ દિલ્હીના બવાના વિસ્તારમાં ચાર સગીરોએ બે યુવકોની હત્યા કરી દીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સામાન્ય રકઝકમાં આ સગીરોએ બે જણની હત્યા કરી દીધી છે. થોડા સમય પહેલાં જ દિલ્હીમાં એક ડોક્ટરની તેના જ ક્લિનિકમાં બે સગીરો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.
શું હતો મામલો?
નવી દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, બાવના વિસ્તારમાં જી-બ્લોક જેજે કોલોનીમાં 20 વર્ષીય યુવક ઈર્શાદ પોતાની બાઈક પાછળ 17 વર્ષીય સગીરને બેસાડી સ્ટંટ કરતો નીકળ્યો હતો. જે આ કોલોનીમાં ઝિગ-ઝેગ કરીને જોખમી રાઈડ કરી રહ્યો હતો. જેથી આ કોલોનીના 13થી 17 વર્ષીય ચાર સગીરોએ તેમને અટકાવી આ રીતે બાઈક ન ચલાવવા ઠપકો આપ્યો હતો. જેના લીધે ઈર્શાદ અને આ સગીરો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને કોલોનીના એક સગીરે ઈર્શાદ અને તેની સાથે આવેલા સગીરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ પણ વાંચોઃ દિવાળીએ લાહોરમાં ગ્રીન લૉકડાઉન લગાવાયું, મરિયમ નવાઝની સરકારે કેમ લીધો આ નિર્ણય?
પોલીસે માહિતી મળતાં જ બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમના મોત નીપજ્યા હતા. પોલીસે હત્યાની કલમ હેઠળ કેસ નોંધી ચાર સગીરોની ધરપકડ કરી છે. તેમની વિરૂદ્ધ જુવેનાઈલ જસ્ટિસ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાર સગીર આરોપીમાંથી બેની ઉંમર 15 વર્ષ અને અન્ય બેની 16 વર્ષ અને 13 વર્ષ છે.