For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં કોરોના વકરતાં પીએમ મોદીએ બેઠક યોજી, રાજ્યોમાં વધુ નિયંત્રણો લાગુ

ભારતમાં આજથી વૃદ્ધો-કોરોના વોરિયર્સને ત્રીજો ડોઝ શરૂ

ઝારખંડના સીએમ સોરેન, પત્ની બાળકો, વરુણ ગાંધી, સુપ્રીમના ૪ ન્યાયાધીશ, પાંચ ટકા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

Updated: Jan 9th, 2022

Article Content Image
નવી દિલ્હી, તા.૯
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોરોના મહામારી વકરી છે અને ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોરોનાનો પ્રસાર અટકાવવા કેટલાક રાજ્યોએ નવા નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. દેશમાં રવિવારે એક દિવસમાં કોરોનાના નવા ૧.૭૫ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા, જે છેલ્લા ૨૨૪ દિવસમાં સૌથી વધુ છે. આવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા માટે રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. દેશમાં સોમવારથી ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો અને કોરોના વોરિયર્સને પ્રિકોશનરી ડોઝ આપવાનું શરૂ કરાશે.
દેશમાં દિવસે ને દિવસે કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા બેઠકમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વધી રહેલા કોરોનાના કેસના પગલે સરકારની તૈયારીઓ પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા હતા. તેમણે દેશમાં કોરોના મહામારીની સ્થિતિ, સ્વાસ્થ્ય સુવિધાઓના પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ અંગે ચાલતી તૈયારીઓ, રસીકરણ અભિયાનની સ્થિતિ અને ઓમિક્રોન વેરિઅન્ટના આકલન પર વિશેષ ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સગીરોના રસીકરણની ગતિ વધારવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે વડાપ્રધાને રાજ્યની વિશેષ પરિસ્થિતિ, જાહેર સ્વાસ્થ્ય પ્રક્રિયા પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવા પણ નિર્દેશ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોરોનાનો સામનો કરવા માટે સતત 'જન આંદોલન' મહત્વપૂર્ણ છે.  દેશમાં જાન્યુઆરીના અંતમાં બજેટ સત્ર શરૂ થવાનું છે ત્યારે લોકસભા અને રાજ્યસભા સચિવાલયો તથા સંબંદ્ધ સેવાઓ સાથે કામ કરતા ૪૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાથી વડાપ્રધાનની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી.
દરમિયાન દેશમાં સોમવારથી હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો તેમજ પાંચ રાજ્યોમાં ચૂંટણી ફરજ માટે નિયુક્ત કર્મચારીઓને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશનરી ડોઝ આપવાનું શરૂ થશે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિતના મોટાભાગના રાજ્યોએ નાઈટ કરફ્યૂની જાહેરાત કરી દીધી છે અને અન્ય નિયંત્રણો પણ લાગુ કરાયા છે. હિમાચલ પ્રદેશે ૨૪મી જાન્યુઆરી સુધી સામાજિક અને ધાર્મિક સમારંભો પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજસ્થાને પણ ૧૭મી જાન્યુઆરી સુધી સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરી છે. તામિલનાડુએ રવિવારે સમગ્ર રાજ્યમાં એક દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.  
દરમિયાન મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક ૪૧,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા હતા, જેમાં એકલા મુંબઈમાં ૧૯,૫૦૦થી વધુ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં રવિવારે કોરોનાના ૨૨,૭૫૧ કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ ૨૩.૫૩ ટકા થયો હતો. પશ્ચિમ બંગાળમાં પણ રવિવારે કોરોનાના નવા ૨૪,૨૮૭ કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોનાના ૨૨,૭૫૧ કેસ સામે આવ્યા હતા અને પોઝિટિવિટી રેટ ૨૩ ટકાને પાર થયો હતો. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશ અને પાંચ ટકા કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

Gujarat