For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં કોરોનાના કેસ 1.50 લાખને પાર, માત્ર 10 દિવસમાં 50 હજાર કેસ વધ્યા

- ભારતમાં એક દિવસમાં કોરોનાથી 178નાં મોત, 6,026 નવા કેસ

Updated: May 27th, 2020

Article Content Image

- દિલ્હીમાં ૭૯૨ અને તમિલનાડુમાં ૮૧૭ નવા કેસ સાથે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા : કેરળમાં કેસ ૧,૦૦૦નેે પાર

નવી દિલ્હી, તા. 27 મે 2020, બુધવાર

ભારતમાં એક દિવસમાં કોરોનાના કેસમાં ૬,૦૦૦થી વધુનો વધારો થતાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૧.૫૦ લાખને પાર થઈ ગઈ હતી, પરંતુ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રિકવરી રેટ વધુ સુધરીને ૪૨ ટકા થયો છે. કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮નાં મોત નીપજ્યાં હતા અને નવા ૬,૦૨૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૧,૫૩,૫૩૧ થઈ હતી જ્યારે કુલ મૃત્યુઆંક ૪૪૪૬ થયો છે. અત્યાર સુધીમાં દેશમાં ૬૬૭૫૪ દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને કોરોના વાઈરસની મફત અથવા નજીવા દરે સારવાર પૂરી પાડે તેવી ખાનગી હોસ્પિટલોની યાદી જાહેર કરવા જણાવ્યું હતું. બીજીબાજુ આઈસીએમઆરે પણ રાજ્યોને ખાગની લેબોરેટરીમાં કોવિડ-૧૯ના ટેસ્ટનો ભાવ ઘટાડવા જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૪૨.૪૫ ટકા થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોનાના નવા ૭૯૨ કેસ નોંધાયા હતા, જે એક જ દિવસમાં તેનો સૌથી મોટો ઊછાળો છે. આ સાથે દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૫,૨૫૭ થઈ હતી જ્યારે મૃત્યુઆંક ૩૦૩ થયો હતો. તમિલનાડુમાં પણ એક જ દિવસમાં સૌથી વધુ ૮૧૭ નવા કેસ નોંધાયા હતા. નવા કેસમાં અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા મજૂરોનો સમાવેશ થાય છે. ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો હતો.

કેરળમાં વિદેશમાંથી આવેલા ૩૭ સહિત ૪૦ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતાં રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧,૦૦૦ને વટાવી ગઈ છે. કેરળમાં ૩૦મી જાન્યુઆરીએ કોરોનાનો ભારતનો સૌપ્રથમ કેસ નોંધાયા પછી મહામારીની સ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ હતી, પરંતુ આ મહિનાની શરૂઆતથી અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાંથી લોકોનું આગમન શરૂ થતાં કેરળમાં કોરોનાનો પ્રસાર વધ્યો હતો.

દેશમાં ત્રિપુરા, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો, જેમાં અન્ય રાજ્યોમાંથી વતન પરત ફરેલા મજૂરોની સંખ્યા વધુ છે. શ્રમિક વિશેષ ટ્રેનોમાં વતન પરત ફરનારા લોકોને વિવિધ ક્વોરન્ટાઈન કેન્દ્રોમાં રોકવામાં આવ્યા છે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરમાથંગાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૩૧ મેથી આગળ લૉકડાઉન લંબાવવા અંગે તેઓ વિચારણા કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશ સરકારે બધા જ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને ૩૧ મે પછી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવા માટેની સત્તા આપી દીધી છે. રાજ્યના ત્રણ જિલ્લા મેજિસ્ટ્રેટે તેમના વિસ્તારોમાં એક મહિના માટે કરફ્યુ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે.

લૉકડાઉનનો ચોથો તબક્કો પૂરો થવા આવ્યો છે તેવા સમયે દેશમાં તબક્કાવાર સ્થાનિક ઉડ્ડયન સેવાને મંજૂરી અપાઈ છે જ્યારે ૧લી મેથી શ્રમિક વિશેષ ટ્રેનો પણ દોડાવાઈ રહી છે. દેશમાં બે મહિના પછી સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરાયા પછી એર ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે અલાયન્સ એર ફ્લાઈટ પર પ્રવાસ કરનાર એક પ્રવાસી દિલ્હીથી લુધિયાણા જતો હતો. આ પ્રવાસીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પાંચ ક્રુ સહિત ૪૧ લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ થયા પછી આ પ્રકારની આ પહેલી ઘટના બની છે. આસામમાં અમદાવાદથી વિમાનમાં પહોંચેલી એક વ્યક્તિનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

કેન્દ્ર કોરોનાની મફત સારવાર આપે તેવી ખાનગી હોસ્પિટલોની યાદી જાહેર કરે : સુપ્રીમ

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને મફત અથવા ઓછા ખર્ચે કોવિડ-૧૯ દર્દીઓની સારવાર કરી શકે તેવી ખાનગી હોસ્પિટલોની યાદી જાહેર કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેના અધ્યક્ષપદે ત્રણ જજોની બેન્ચે વીડિયો કોન્ફરન્સિંગથી એક અરજીની સુનાવણી હાથ ધરી હતી. ન્યાયાધીશ બોબડેએ જણાવ્યું હતું કે દેશમાં અનેક ખાનગી હોસ્પિટલો એવી છે, જેમને જમીન મફતમાં અથવા નજીવા દરે અપાઈ છે. તેથી આવી હોસ્પિટલોએ કોરોનાગ્રસ્ત દર્દીઓની મફત સારવાર કરવી જોઈએ. બેન્ચે કહ્યું કે આ ચેરીટેબલ હોસ્પિટલોએ કોરોનાની સારવાર મફત આપવી જોઈએ. આ સાથે તેમણે આ બાબતે વધુ સુનાવણી એક મહિના પાછી ઠેલી હતી. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ નિતિવિષયક નિર્ણય હોવાથી સરકારને આ બાબતમાં થોડોક સમય જોઈશે. જોકે, ખાનગી હોસ્પિટલોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આવો નિર્ણય વ્યવહારુ નથી. સરકાર અમારો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય તો અમને મફત સારવાર આપવામાં કોઈ વાંધો નથી તેમ ચેર-ફિક્કી હેલ્થ સર્વિસીસ કમિટિના આલોક રોયે જણાવ્યું હતું.

રાજ્યો કોવિડ-૧૯ ટેસ્ટની કિંમત ઘટાડે : આઈસીએમઆર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાનગી લેબોરેટરીઓમાં કોરોના વાઈરસ માટે આરટી-પીસીઆર ટેસ્ટનો ખર્ચ ઘટાડવા જણાવતા ક્હયું કે ટેસ્ટિંગ મટિરિયલના ભાવ ઘટયા હોવાથી ટેસ્ટિંગના ભાવ પણ ઘટાડવા જોઈએ. આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ પ્રો. બલરામ ભાર્ગવે રાજ્યોને પત્ર લખી ખાનગી લેબોરેટરી સાથે વાટાઘાટો કરી પારસ્પરિક સંમતીથી સરકાર દ્વારા મોકલવામાં આવતા કોરોનાના સેમ્પલ માટે ભાવ ઘટાડવા જણાવ્યું હતું. આઈસીએમઆરે અગાઉ આયાતી કીટના ખર્ચ અને ટેસ્ટ માટેની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ખાનગી લેબોરેટરીમાં એક ટેસ્ટ માટે ભાવ રૂ. ૪,૫૦૦ રાખવા સૂચન કર્યું હતું. જોકે, ટેસ્ટિંગ કોમોડિટીના ભાવ ઘટયા હોવાથી હવે અગાઉની કિંમતે ટેસ્ટ કરી શકાય નહીં. હવે દેશમાં સ્થાનિક બજારમાંથી જ ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ થઈ રહી હોવાથી ખાનગી લેબોરેટરીઓએ ટેસ્ટિંગના ભાવ ઘટાડવા જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

Gujarat