For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બંધારણ દિવસઃ પારિવારીક પાર્ટીઓ દેશ માટે ચિંતાનો વિષય- PM મોદી

Updated: Nov 26th, 2021


-  લોકસભાના સ્પીકર દ્વારા આયોજિત કાર્યક્રમથી કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓએ અંતર જાળવ્યું

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2021, શુક્રવાર

સરકારે બંધારણ દિવસ નિમિત્તે આજે નવી દિલ્હી ખાતે કાર્યક્રમો આયોજિત કર્યા છે. સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. જોકે બંધારણ દિવસ પર આયોજિત કાર્યક્રમથી કોંગ્રેસ સહિતના ડઝન કરતાં પણ વધારે રાજકીય દળોએ અંતર જાળવ્યું છે. 

પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મહાત્મા ગાંધી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને નમન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, 'આ બંધારણ દિવસ એટલા માટે પણ ઉજવવો જોઈએ જેથી આપણો રસ્તો સાચો છે કે, નહીં તેનું મૂલ્યાંકન થઈ શકે. આપણું બંધારણ ફક્ત અનેક કલમોનો સંગ્રહ જ નથી, આપણું બંધારણ સહસ્ત્રો વર્ષોની મહાન પરંપરા, અખંડ ધારા તે ધારાની આધુનિક અભિવ્યક્તિ છે. રાષ્ટ્રહિત સૌથી ઉપર હતું ત્યારે જ બંધારણનું નિર્માણ થઈ શક્યું.'

વડાપ્રધાને નામ લીધા વગર જ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, આ કાર્યક્રમ દિલ્હીની કોઈ સરકારે કે કોઈ વડાપ્રધાને નહોતો યોજ્યો. આ કાર્યક્રમનું આયોજન લોકસભાના સ્પીકરે કર્યું હતું જે સદનના ગૌરવ સમાન ગણાય છે. બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ હતી. અમને બધાને લાગ્યું કે, આનાથી મોટો પવિત્ર અવસર કયો હોઈ શકે કે બાબાસાહેબ આંબેડકરે આપણા દેશને જે નજરીયો આપ્યો છે તેને હંમેશા આપણે એક સ્મૃતિ ગ્રંથ તરીકે યાદ કરીએ છીએ. આ દિવસ આ સદનને પ્રણામ કરવાનો છે. 

વડાપ્રધાને કહ્યું કે, આજે બાપુ, બાબાસાહેબ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા દૂરંદેશી મહાનુભવોને નમન કરવાનો દિવસ છે. આઝાદીના આંદોલનમાં પોતાનો જીવ ગુમાવનારાઓને નમન કરવાનો દિવસ છે. તેમણે 26/11ના હુમલાને પણ યાદ કર્યો હતો અને કહ્યું કે, આજના દિવસે આપણા માટે એવો દુખદ દિવસ પણ છે જ્યારે દુશ્મનોએ મુંબઈ ખાતે આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. દેશના વીર જવાનોએ આતંકવાદીઓનો સામનો કરવામાં પોતાના જીવનું બલિદાન આપ્યું. આજે તે બલિદાનીઓને પણ નમન કરૂં છું.

કાર્યક્રમ દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ દેશના બંધારણ અને બંધારણીય મૂલ્યોની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આપણા બંધારણનું સમગ્ર વિશ્વમાં સન્માન છે. 


Gujarat