કોંગ્રેસનો ઉદ્દેશ્ય તપાસ એજન્સીઓને ડરાવી ગાંધી પરિવારને બચાવવાનો : ભાજપ

મોંઘવારી માત્ર બહાનું : રાહુલ પર ભાજપનો વળતો પ્રહાર

ગાંધી પરિવાર પર નેશનલ હેરાલ્ડ કેસમાં રૂ. 5,000 કરોડની સંપત્તિ પચાવી પાડવાનો ભાજપનો આક્ષેપ


નવી દિલ્હી, તા.૫

કોંગ્રેસે એકબાજુ શુક્રવારે દેશભરમાં મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા ત્યારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના દેખાવોનો મુખ્ય ઉદ્દેશ ગાંધી પરિવારને બચાવવાનો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ભાજપના વિજયને હીટલર સાથે સરખાવતા ભાજપે વળતો હુમલો કર્યો હતો.

રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આજે જે નિવેદન આપ્યું છે, તે શરમજનક અને બેજવાબદાર છે. તેમણે રાહુલને યાદ અપાવ્યું કે તેમના દાદી પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમર્જન્સી લાદી હતી અને લોકતાંત્રિક અધિકારોનો ભંગ કર્યો હતો. તમે ભ્રષ્ટાચાર અને ખોટા કામોથી બચવા માટે ભારતીય સંસ્થાઓને બદનામ કરવાનું બંધ કરો. જનતા તમને સાંભળી નથી રહી તો તમે અમને શા માટે દોષ આપી રહ્યા છો? ભાજપને લોકતંત્રની સલાહ આપનારા રાહુલ ગાંધીએ દેશને બતાવવું જોઈએ કે શું તેમના પક્ષમાં લોકતંત્ર છે?

રવિશંકર પ્રસાદે નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં જણાવ્યું કે, નેશનલ હેરાલ્ડ પર રૃ. ૮૦ કરોડથી વધુની લોન હતી અને ૨૦૧૦માં એસોસિએટેડ જર્નલે તેના બધા શૅર યંગ ઈન્ડિયાને આપી દીધા. આ યંગ ઈન્ડિયામાં ૩૮-૩૮ ટકા ભાગીદારી સોનિયા અને રાહુલ ગાંધીની છે. તેમણે માત્ર રૃ. ૫૦ લાખ નેશનલ હેરાલ્ડને આપ્યા અને કોંગ્રેસે ૮૦ કરોડની લોન માફ કરી દીધી. અંદાજે રૂ. ૫,૦૦૦ કરોડની નેશનલ હેરાલ્ડની સંપત્તિ આ 'ફેમીલી કંટ્રોલ ટ્રસ્ટ'ના નામે લાવવામાં આવી.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદથી રસ્તા સુધી કોંગ્રેસ દ્વારા દેખાવોથી તેમના નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોનું 'સત્ય' જુઠ્ઠાણામાં બદલાઈ નહીં જાય. ભ્રષ્ટાચાર કર્યા પછી તેઓ સરકાર અને એજન્સીઓ પર દબાણ નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપે સત્તા પર આવતા પહેલાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું વચન આપ્યું છે. પીએમ મોદીએ આઠ વર્ષમાં આ કરી બતાવ્યું છે. તપાસ એજન્સીઓ પહેલાં કરાયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લઈ રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઈડીના કામમાં અવરોધો પેદા કરવા માગે છે.

City News

Sports

RECENT NEWS