For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોંઘવારી, બેરોજગારી, જીએસટીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસના દેખાવો

દિલ્હીમાં રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત ૬૪ સાંસદોની અટકાયત

ચૂંટણી તો હીટલર પણ જીતતો હતો, મને પણ બધું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી દો તો હું બતાવીશ કે ચૂંટણી કેવી રીતે જીતી શકાય : રાહુલ

Updated: Aug 5th, 2022

Article Content Image

નવી દિલ્હી, તા.૫

દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર શુક્રવારે કોંગ્રેસના નેતાઓએ કાળા કપડાં પહેરી દેખાવો કર્યા હતા, જેને પગલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ અનેક કાર્યકરોની સંસદ અને કોંગ્રેસ મુખ્યાલય બહારથી અટકાયત કરાઈ હતી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસી સાંસદોએ સંસદ ગૃહના પરિસરમાં દેખાવો કર્યા હતા અને ત્યાર પછી ભાવ વધારા, આવશ્યક ચીજો પર જીએસટી લાદવા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર દેખાવો કરતાં તેમણે રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કાઢી હતી.

સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષના સાંસદોએ આવશ્યક ચીજો પર લાદવામાં આવેલો જીએસટ પાછો ખેંચવા માગ કરી હતી.પક્ષપ્રમુખ સોનિયા ગાંધી સંસદના ૧ નંબરના ગેટ બહાર બેનર લઈને મહિલા સાંસદો સાથે ઊભા રહ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે દેખાવાકોરને અટકાવી દીધા હતા અને તેમને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશવાની મંજૂરી અપાઈ નહોતી. જોકે, સોનિય ગાંધીએ આ માર્ચમાં ભાગ લીધો નહોતો. અન્ય સાંસદોની વિજય ચોક ખાતેથી અટકાયત કરાઈ હતી.

રાહુલ ગાંધી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ, અધિરરંજન ચૌધરી અને ગૌરવ ગોગોઈ સહિત ૬૪ સાંસદોની અટકાયત કરાઈ હતી અને તેમને વિજય ચોકથી એક પોલીસ બસમાં લઈ જવાયા હતા તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. વિજય ચોક ખાતે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ભાવવધારાનો મુદ્દો ઉઠાવ્યો છે. વર્તમાન સરકારના શાસનમાં લોકશાહીની હત્યા કરાઈ રહી છે. તેમણે દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ દેખાવો સમયે પોલીસ દ્વારા સાંસદો સાથે હાથાપાઈ કરાઈ હતી.

રાહુલે કહ્યું કે, અમારું કામ આવા તત્વોને અટકાવવાનું, દેશમાં લોકતંત્રના રક્ષણની ખાતરી કરવાનું, ભાવવધારા, બેરોજગારી જેવા લોકોના મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખીશું. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે તેમના કેટલાક સાંસદોને દિલ્હી પોલીસે માર માર્યો હતો. અગાઉ હિન્દીમાં ટ્વીટ કરતાં રાહુલે કહ્યું, તાનાશાહી સરકાર અમને ડરાવી રહી છે. ભારતની સ્થિતિથી લઈને ફુગાવો અને ઐતિહાસિક બેરોજગારીના લોકોના મુદ્દા અમે ઉઠાવતા રહીશું.

રાહુલ ગાંધીને પત્રકારોએ સવાલ કર્યો કે તમે બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છો, પરંતુ ભાજપ કહે છે લોકતંત્રમાં ચૂંટણી સૌથી સારી રીત છે અને અમે ચૂંટણી જીતી રહ્યા છીએ. આ બાબતે રાહુલે કહ્યું કે, હા, હીટલર પણ ચૂંટણી જીતતો હતો. તેની પાસે જર્મનીની બધી જ સંસ્થાઓ હતી. તેની પાસે પેરામિલિટરી ફોર્સ હતી. તેની પાસે આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. મને પણ આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપી દો પછી હું તમને બતાવીશ કે કેવી રીતે ચૂંટણી જીતી શકાય છે. કેન્દ્ર સરકારે બધી જ સરકારી સંસ્થાઓને ભાજપ અને સંઘના એકમ બનાવી દીધા છે. ઈડી કોઈ કઠપૂતળીની જેમ વિપક્ષને કચડવા ભાજપાઈ ફરમાનની જી હજુરી કરવામાં લાગી છે.

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ કાળા કપડાં પહેરીને દેખાવો માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રા પણ કોંગ્રેસ મુખ્યલાયની બહાર ધરણાં પર બેસી ગયાં હતાં. પ્રિયંકાએ પક્ષના મુખ્યાલય બહાર રસ્તા પર પોલીસે ગોઠવેલા બેરીકેડ કૂદીને દેખાવો કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જંતર મંતર સિવાય આખી દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. આ સાથે પોલીસે કોંગ્રેસ મુખ્યાલય બહારથી જ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી હતી. આ સમયે પ્રિયંકા ગાંધી અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ વાહનમાં પ્રિયંકાએ પત્રકારોને જણાવ્યું કે, સત્તા પર બેઠેલા લોકો અમને દબાવવા માગે છે. તેમના મંત્રીઓને દેશમાં ભાવવધારો નથી દેખાતો, તેથી અમે વડાપ્રધાનના નિવાસ સુધી ચાલીને જઈને તેમને ઊંચો ફૂગાવો, ગેસ સિલિન્ડરના ભાવ બતાવવા માગીએ છીએ. 

દિલ્હી સિવાય પંજાબ અને હરિયાણામાં પણ કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પંજાબમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ અને નેતા પ્રતિપક્ષ પ્રતાપ સિંહ બાજવાના નેતૃત્વમાં દેખાવો કરાયા હતા. હરિયાણામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાને દેખાવોનું નેતૃત્વ સંભાળ્યું હતું.

Gujarat