For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉપરાષ્ટ્રપતિની અરુણાચલ મુલાકાત સામે ચીનની દાદાગીરી

Updated: Oct 13th, 2021

Article Content Image

- સૈન્યની વાતચીત નિષ્ફળ ગયા બાદ ચીને પોતાનો અસલી રંગ દેખાડયો

- ચીન મુળ વિવાદો પર ધ્યાન આપે, અરુણાચલ ભારતનો હિસ્સો હતો અને રહેશે : ડ્રેગનને આક્રમક જવાબ

- અન્ય રાજ્યોની જેમ અરુણાચલમાં પણ ભારતીય નેતાઓ મુલાકાત માટે જાય છે, ચીનને વિરોધનો કોઇ અધિકાર નથી

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભારતના જ રાજ્ય અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી તેમાં ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ચીનના વિદેશ મંત્રાલયે ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાત પર વાંધો ઉઠાવ્યો હતો. ચીને કહ્યું હતું કે અરુણાચલ ભારતનું રાજ્ય નથી, આ રાજ્યને અમે માન્યતા નહીં આપીએ, તેથી ભારતના ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ કરીએ છીએ. જોકે તેનો ભારતે પણ આક્રામક જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે ચીનના ગેરજવાબદારી ભર્યા નિવેદનનો અસ્વિકાર કરીએ છીએ. અરુણાચલ ભારતનો એક અભિન્ન હિસ્સો છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રુપે અરુણાચલ પ્રદેશ રાજ્યની મુલાકાત લેતા રહે છે. આ મુલાકાત અન્ય રાજ્યોની થતી મુલાકાત જેવી જ હોય છે. ચીન અરુણાચલની ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો વિરોધ કરી રહ્યું છે તે સમજની બહાર છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવીને બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ ખરાબ કરી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે ચીન આવા વિવાદો ઉભા કરવાના બદલે દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલનું પાલન કરીને પૂર્વી લદ્દાખમાં એલએસીના વિવાદો મુદ્દે સમાધાન આવે તેના પર કામ કરશે. 

ચીન અને ભારત સરહદે છેલ્લા ૧૭ મહિનાથી વધુ વિવાદ ચાલી રહ્યો છે. જેના નિરાકરણ માટે બન્ને દેશોના સૈન્ય દ્વારા ૧૩મી વખત બેઠક યોજાઇ હતી. જોકે ચીનની અવળચંડાઇને પગલે આ વાતચિત પણ સફળ નહોતી રહી શકી. એક તરફ સૈન્ય વચ્ચે શાંતિ માટે વાતચીત ચાલુ છે એવામાં બીજી તરફ ચીન ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યું છે. ભારતે જવાબ આપતા કહ્યું કે ચીન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીનના કારણે જ સરહદે વિવાદો સર્જાય છે. અમે આશા રાખીએ છીએ કે ચીન વહેલી તકે આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે. 

હાલમાં જ ચીની સૈનિકોએ ભારતમાં ઘુસણખોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. થોડા દિવસ પહેલાના અહેવાલો અનુસાર ચીને ઉત્તરાખંડના બારાહોતી બાદ અરુણાચલ પ્રદેશમાં પણ ઘુસણખોરી કરી હતી. અને ૨૦૦ જેટલા જવાનો તિબેટ તરફથી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જોકે ભારતીય સૈન્યની સતર્કતાને પગલે આ ચીની સૈનિકોને પરત ભગાડવામા આવ્યા હતા. થોડા સમય માટે બન્ને દેશના જવાનો વચ્ચે જપાજપી પણ ચાલી હતી. બાદમાં પ્રોટોકોલના હિસાબે બન્ને વચ્ચેનો વિવાદ શાંત પડાયો હતો. દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. જેને પગલે ચીન લાલઘુમ થયું હતું, જવાબમાં ભારતે પણ વળતો પ્રહાર કર્યો હતો અને મુળ વિવાદો પર ધ્યાન આપવા ચીનને સલાહ આપી હતી. 

નોંધનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશને પોતે હડપી લીધેલા તિબેટનો હિસ્સો ગણાવે છે અને જ્યારે પણ કોઇ મોટા ભારતીય નેતા આ રાજ્યની મુલાકાત માટે જાય છે ત્યારે ચીન તેનો વિરોધ કરતું આવ્યું છે. ચીનના પ્રવક્તા ઝાઓ લીજીઆનના નિવેદનને ટાંકીને ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ટ્વિટર વડે કહ્યું હતું કે ચીન કહેવાતા અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપતું. અને તેથી ભારતના ઉપરાષ્ટ્રપતિની આ મુલાકાતનો વિરોધ કરીએ છીએ.  

Gujarat