For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીને 1962માં ગલવાનમાંથી સૈન્ય ખસેડયાના 97 દિવસ પછી ભારત સામે દગાથી યુદ્ધ છેડેલું

- ભારતે સાવધ રહેવાની જરૂર, ઇતિહાસનું પુનરાવર્તન ન થાય

- બર્કલી યુનિવર્સિટીના પુસ્તક 'ઇન્ડિયા એન્ડ ચાઈના ક્રાઇસિસ'માં રજૂ થયેલો ઘટનાક્રમ : 20 ઓક્ટોબર 1962ના રોજ અચાનક હુમલો કર્યો હતો

Updated: Jul 6th, 2020


નવીદિલ્હી, તા. 6 જુલાઇ, 2020, સોમવાર

ચીને ગલવાનની લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ નજીક જે સૈન્ય, શસ્ત્રો અને ટેન્ટનો જમાવડો કર્યો હતો તે એક કિલોમીટર દૂર તેમની તરફ લઈ જવાનો નિર્ણય લીધો છે તેને કેન્દ્ર સરકારે તેમની રાજનીતિ અને પ્રભાવની જીત થઈ તે રીતે જોવા કરતા ઇતિહાસ તરફ નજર નાંખી ઉલટી વધુ સાવધાની રાખવાની જરૂર છે કેમકે 1962માં ચીને 20 ઓક્ટોબરના રોજ ભારત જોડે આ જ રીતે ગલવાન સરહદે જ મોટો દગો કરીને યુદ્ધ જાહેર કર્યું તેના 97 દિવસ પહેલા જ અત્યારની જેમ ગલવાન એલએસી પરથી તેમનું સૈન્ય ખેંચી લીધું હતું.

જાણે ચીન ઘટનાક્રમનું પુનરાવર્તન કરવા માંગતું હોય તેવો ભય ભારતે સેવવો જ રહ્યો. કેલિફોર્નિયા સ્થિત બર્કલી યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલી અને સ્ટીવન હોકમેને લખેલ દસ્તાવેજી પુસ્તક 'ઇન્ડિયા એન્ડ ધ ચાઈના ક્રાઇસિસ'માં 1962નું ભારત-ચીન યુદ્ધ થયું તે અગાઉના ઘટનાક્રમમાં લખ્યું છે કે ગલવાન ખીણ પ્રદેશ હડપવો તે ચીનની મેલી મુરાદમાં કેન્દ્ર સ્થાને હતું.

તે વખતે રીસર્ચ એનાલિસિસ વિંગની (રો)ની સ્થાપના નહોતી થઈ. તત્કાલિન વડાપ્રધાન નહેરૂને ઇન્ટેલીજેન્ટ બ્યુરોએ જે માહિતી આપી હતી કે તેના આધારે નહેરૂએ રક્ષા મંત્રી અને લશ્કરના વડા જોડે મીટિંગ યોજી જેમ બને તેમ ઝડપથી ગલવાનનો ભારતીય સેના કબજો લે તેવો હુકમ કર્યો.

ભારતે 5 જુલાઈ, 1962ના રોજ ચીનની સરહદે અસર થાય તેમ તમામ સંદેશા વ્યવહારને ખોરવી નાંખ્યો તેમજ ચીનની સપ્લાય ચેઈનને પણ બ્લોક કરી દીધી હતી. ચીને ભારતીય એક સૈનિકની સામે તેના પાંચ સૈનિક ગોઠવીને રીતસરની ઘેરાબંધી કરી દીધી.

ભારતીય સૈનાને છૂટ અપાઈ હતી કે ચીન હુમલો કરે તો તમે પણ ગોળીબાર વગર પૂછ્યે કરજો. આ તરફ ચીને આશ્ચર્યજનક રીતે ગલવાનની તે ચિનગારી બનેલી સરહદ પરથી તેમના સૈન્ય પાછળ તરફ ખસેડી લીધા એટલું જ નહીં ભારતીય સૈન્ય માટે હવાઈ માર્ગે જે પૂરવઠો આપવાનો હતો તે પણ આવવા દીધો અને સંધિનો ઢોંગ કર્યો.

ભારતે ચીનને બદલામાં જો તેઓ લદ્દાકમાંથી સૈન્ય હટાવે તો અકસાઈ ચીનના રસ્તા પરથી ચીનના નાગરિકોને આવન-જાવન કરવા દઈશું તેવી ઓફર પણ કરી જેનો ચીને ઇન્કાર કર્યો અને તે પછી 20 ઓક્ટોબરે 1962ના રોજ અચાનક હુમલો કરી દીધો.

ચીને ગલવાનની પૂર્વનો વિસ્તાર તે યુદ્ધમાં તેના હસ્તક કર્યો. જે અકસાઈ ચીન છે. હવે આ વખતે ચીન પશ્ચિમ ગલવાન પર ડોળો માંડીને બેઠું છે અને 1962ની જેમજ આ વખતે ગલવાન પરથી સૈન્યનું આક્રમક કરાવી તેને પરત ખેંચ્યું છે. આશા રાખીએ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય.

Gujarat