For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્દ્ર સરકારની 6 કંપનીઓને તાળા લગાવવાની તૈયારી : નાણા મંત્રાલય

- 20 સરકારી કંપની અને તેમના યુનિટ્સમાં પણ હિસ્સો વેચાશે

- બંધ થનારી છ કંપનીઓમાં હિંદુસ્તાન ફલોરોકાર્બન, સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કોમ્પ્રેસર્સ પણ સામેલ

Updated: Sep 14th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર, 2020, સોમવાર

કેન્દ્ર સરકાર પોતાની 20 કંપની અને તેમના યુનિટ્સમાં હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત છ કંપનીઓ બંધ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે તેમ નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે આ વાત જણાવી  છે.

લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આ કંપનીઓમા સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા વિભિન્ન તબક્કામા શરૂ કરવામાં આવશે. સરકાર સ્ટ્રેટેજિક સ્ટેક સેલ અને માઇનોરિટી સ્ટેક ડાઇલ્યુશનના દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ પર કાર્ય કરી રહી છે. 

ઠાકુરે જણાવ્યું હતું કે નીતિ આયોગે સરકારી કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના આધારે સરકારે 2016થી 34 કંપનીઓમાં સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે. જેમાંથી 8 કેસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને 6 કંપનીઓને બંધ કરવા અંગે વિચારણા ચાલુ છે અને બાકી 20માં પ્રક્રિયા વિભિન્ન તબક્કામાં છે.

જે કંપનીઓને બંધ કરવાની વિચારણા ચાલી રહી છે તેમાં હિંદુસ્તાન ફલોરોકાર્બન લિમિટેડ(એચએફએલ), સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેસર્સ લિમિટેડ, હિંદુસ્તાન પ્રીફેબ, હિંદુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ડ ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ સામેલ છે. 

આ ઉપરાંત પ્રોજેક્ટ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ(ઇન્ડિયા) લિમિટેડ, બ્રિજ એન્ડ રૂફ કંપની ઇન્ડિયા લિમિટેડ, સિમેન્ટ કોર્પોરેશન  ઓફ ઇન્ડિયાના યુનિટ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત આૃર્થ મૂવર્સ લિમિટેડ(બીઇએમએલ), ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ અને એનએમડીસીના નાગરનાર સ્ટીલ પ્લાન્ટમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે જ એલોય સ્ટીલ પ્લાન્ટ, દુર્ગાપુર, સેલમ સ્ટીલ પ્લાન્ટ, સેલનું ભદ્રાવતી યુનિટ, પવન હંસ, એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓ તથા એક સંયુકત ઉપક્રમમાં વ્યૂહાતમક વેચાણની પ્રક્રિયા ચાલુ છે.

એચઅલએલ લાઇફ કેર લિમિટેડ, ઇન્ડિયન મેડિસિન એન્ડ ફાર્માસ્યૂટિકલ કોર્પોરેશન લિમિટેડ, આઇટીડીસીના વિભિન્ન યુનિટ, હિંદુસ્તાન એન્ટી બાયોટિક્સ, બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સ,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, શિંપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડમા પણ સ્ટ્રેટિજિક વેચાણ થશે.

Gujarat