સીબીઆઇ પણ આરટીઆઇ કાયદા હેઠળ માહિતી આપવા બંધાયેલી છે
- સીબીઆઇને આરટીઆઇમાં સંપૂર્ણ છૂટ નથી : દિલ્હી હાઇકોર્ટ
- ભ્રષ્ટાચાર, માનવ અધિકાર સાથે સંકળાયેલી માહિતી અરજદારને આપવા સીબીઆઇને હાઇકોર્ટનો આદેશ
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને લઇને દિલ્હી હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે સીબીઆઇ પણ આરટીઆઇના કાયદા હેઠળ માહિતી આપવા માટે બંધાયેલી છે. આરટીઆઇના કાયદામાં માહિતી ના આપવા માટેની જે જોગવાઇ કરવામાં આવી છે તેમાં સીબીઆઇને સંપૂર્ણ છૂટ નથી મળી. અને તેથી આરટીઆઇ હેઠળ ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ભંગ સંલગ્ન માહિતી આપવાની સીબીઆઇ ના પાડી શકે નહીં.
દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું કે આરટીઆઇના કાયદામાં સીબીઆઇનો ઉલ્લેખ છે પણ તેનો અર્થ એમ નથી થતો કે સીબીઆઇને માહિતી આપવાથી બચવાની છૂટ મળી જાય છે. આઇએફએસ ઓફિસર સંજય ચતુર્વેદીએ સીબીઆઇ સમક્ષ કેટલીક માહિતી માગી હતી, સમય વીતી જવા છતા સીબીઆઇ દ્વારા કોઇ જ માહિતી આપવામાં નહોતી આવી. જે બાદ સંજય ચતુર્વેદીએ કેન્દ્રિય માહિતી કમિશન સમક્ષ અપીલ કરી હતી, માહિતી કમિશને સીબીઆઇને આદેશ આપ્યો હતો કે તેઓ સંજય ચતુર્વેદીને માહિતી આપે. આ આદેશને સીબીઆઇએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
સીબીઆઇની અપીલ પર સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે એજન્સીને કહ્યું હતું કે આરટીઆઇના કાયદા મુજબ કેટલીક તપાસ હેઠળની સંવેદનશિલ માહિતી જાહેર કરવાની સીબીઆઇ ના પાડી શકે છે. પણ તેનો અર્થ એમ નથી થતો કે સીબીઆઇ દરેક પ્રકારની માહિતી આપવા માટે નથી બંધાયેલી. બાદમાં હાઇકોર્ટે સીબીઆઇને કહ્યું હતું કે તે અરજદાર ચતુર્વેદીને માહિતી આપે. ચતુર્વેદીએ એઇમ્સના જય પ્રકાશ એપેક્સ ટ્રોમા સેન્ટરના મેડિકલ માટે ભ્રષ્ટાચારના આરોપોની માહિતી માગી હતી. આ મામલાની સીબીઆઇ દ્વારા તપાસ કરાઇ હતી.