For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્ણાટકમાં ચૂંટણી ટાણે ટીપુ સુલતાનની હત્યાનો મુદ્દો છંછેડાયો, આ સમુદાયને આકર્ષવા પ્રયાસ

ભાજપ આ ચૂંટણીને ટીપુ સુલતાન વિરુદ્ધ ભાજપના આઈકન વીર સાવરકર તરીકે રજૂ કરી મુદ્દો બનાવવા માગે છે

ભાજપે દાવો કર્યો છે કે બ્રિટિશ અને મરાઠા સેનાએ નહીં પરંતુ બે વોક્કાલિગા નેતાઓ હતા જેમણે ટીપુ સુલતાનની હત્યા કરી હતી

Updated: Mar 23rd, 2023

image : Wikipedia 


કર્ણાટકમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. આ દરમિયાન કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. અહીં ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાન અંગે નવો વિવાદ સર્જાયો છે. ભાજપ આ ચૂંટણીને ટીપુ સુલતાન વિરુદ્ધ ભાજપના આઈકન વીર સાવરકર તરીકે રજૂ કરી મુદ્દો બનાવવા માગે છે. ભાજપે અહીં રાજકારણમાં શક્તિશાળી વોક્કાલિગા સમુદાયને આકર્ષિત કરવા માટે એવો દાવો કર્યો છે કે બ્રિટિશ અને મરાઠા સેનાએ નહીં પરંતુ બે વોક્કાલિગા નેતાઓ હતા જેમણે ટીપુ સુલતાનની હત્યા કરી હતી. ભાજપે આ મુદ્દો છંછેડતા જ વિવાદ સર્જાયો હતો. એક મુખ્ય ધર્મગુરુએ આ દાવાને ફગાવી દીધો હતો. જ્યારે ભાજપ તેના આ દાવાથી પીછેહઠ કરવા તૈયાર નથી અને તે આ મુદ્દાની મદદથી ધ્રૂવીકરણનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું દેખાય છે. 

કોણ કોણ આ દાવાને ટેકો આપે છે

જૂના મૈસુરુ ક્ષેત્રમાં લોકોના એક વર્ગે દાવો કર્યો છે કે ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા લડતા માર્યા નહોતા ગયા પણ બે વોક્કાલિગા સરદારોએ તેમની હત્યા કરી હતી. જોકે ઈતિહાસકારોએ તેને ખોટું ગણાવ્યું છે પણ અમુક ભાજપ નેતાઓએ આ દાવાને ટેકો આપ્યો જેમાં વોક્કાલિગા નેતા સીટી રવિ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મંત્રી અશ્વથ નારાયણ તથા ગોપાલૈયા સામેલ છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલજે અને અશ્વથ નારાયણ પણ એ નેતાઓમાં સામેલ છે જે ઉરી ગૌડા અને નાનજે ગૌડા વિશે ઐતિહાસિક પુરાવા હોવાનો દાવો કરે છે. વોક્કાલિગા સમુદાય અત્યાર સુધી કોંગ્રેસ અને એચ.ડી.કુમારસ્વામીની પાર્ટી જેડીએસનું સમર્થક રહ્યું છે. આ બંને પાર્ટીઓના નેતાઓ કહે છે કે ઉરી અને નાનજે ગૌડાનું અસ્તિત્વ જ નહોતું અને આ ફક્ત કાલ્પનિક પાત્રો હોઈ શકે છે. 

એક ફિલ્મ બનાવવાની પણ કરાઈ હતી જાહેરાત 

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યના હોર્ટિકલ્ચર મંત્રી અને નિર્માતાથી નેતા બનેલા મુનિરત્નાએ આ વિષય પર એક ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમનો સ્ટુડિયો ઉરી ગૌડા અને નાનજે ગૌડાને ફિલ્મના ટાઇટલ તરીકે રજિસ્ટર કરાવી રહ્યો છે. જ્યારે સોમવારે વોક્કાલિગાઓ દ્વારા સન્માનિત અને શ્રી આદિચુંચનગિરી મહાસંસ્થાન મઠના પ્રમુખ પૂજારી નિર્મલાનંદનાથ મહાસ્વામીનું આ મામલે નિવેદન સામે આવ્યું. તેમણે મુનિરત્ના સાથે મુલાકાત કરી અને તેમના પ્રોજેક્ટ પર આગળ ન વધવા માટે કહ્યું. એક અહેવાલ અનુસાર નિર્મલાનંદનાથ મહાસ્વામીજીએ આ મામલે ઐતિહાસિક પુરાવાઓનો અભાવનો હવાલો આપી સોમવારે આ મુદ્દાને સમાપ્ત કરવાની અપીલ કરી હતી. 

Gujarat