For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સગીરાને દેહવિક્રયમાં ધકેલવાના ગુનામાં BJP નેતા સહિત 21ને સજા

Updated: Sep 27th, 2022

Article Content Image

- આ મામલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમાં પીડિતાના સાવકા પિતા અને સાવકી માતા પણ સામેલ છે

નવી દિલ્હી, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર

ચેન્નાઈની પોક્સો કોર્ટે સોમવારે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરવા અને તેને દેહવિક્રયમાં ધકેલવા બદલ 8 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ આ કેસમાં સંડોવણી બદલ પોલીસ ઈન્સ્પેક્ટર, એક ભાજપ કાર્યકર અને એક પત્રકાર સહિત 13 લોકોને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વિશેષ અદાલતે 15 સપ્ટેમ્બરે તમામ 21 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને આજે સજાની જાહેરાત કરી હતી. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા કેસોના નિરાકરણ માટે આ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે.

દોષિતોને જેલની સજા આપવા ઉપરાંત કોર્ટના પ્રિસાઈડિંગ ઓફિસર એમ રાજલક્ષ્મીએ રાજ્ય સરકારને પીડિતને વળતર તરીકે રૂ. 5 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે, 21 આરોપીઓ પર લાગેલા દંડના બે લાખ રૂપિયા પણ તેમને આપવામાં આવે. જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમાં પીડિતાના સાવકા પિતા અને સાવકી માતા પણ સામેલ છે. એન્નોર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર સી પુગાલેન્ધી, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કાર્યકર જી રાજેન્દ્રમ અને એક ખાનગી ચેનલના પત્રકાર વિનોબાજી આ કેસમાં 20 વર્ષની જેલની સજા પામેલા લોકોમાં સામેલ છે.

પીડિતાની માતાની ફરિયાદ પર વાર્ષમેનપેટના મહિલા પોલીસ સ્ટેશને 26 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો અને નવેમ્બર 2020માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જે 560થી વધુ પૃષ્ઠોની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ 26 આરોપીઓમાંથી ચાર ફરાર છે જ્યારે એકનું મોત થઈ ગયું છે. આ કેસ એટલા માટે ચર્ચામાં આવ્યો હતો કારણ કે, તે સમયે 13 વર્ષની પીડિતા પર 100થી વધુ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું અને તેને દેહવિક્રયમાં ધકેલી દેવામાં આવી હતી.


Gujarat