બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પણ બની ગયા હતા મતદારો! ચૂંટણી પંચનો દાવો
Bihar Election: બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા દાવા કર્યા છે. ચૂંટણી પંચના સૂત્રોના દાવા અનુસાર, બિહારમાં SIR દરમિયાન ઘરે-ઘરે જઈને જઈને દસ્તાવેજ ભેગા કરી રહેલા બૂથ લેવલ ઓફિસર (BLO)ને મોટી સંખ્યામાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારથી ગેરકાયદે આવેલા લોકો મળ્યા છે.
30 ડિસેમ્બર, 2025એ જાહેર થશે અંતિમ યાદી
ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે, પહેલી ઓગસ્ટ 2025 બાદ યોગ્ય તપાસ બાદ તેમના નામ 30 સપ્ટેમ્બર 2025ના દિવસે જાહેર થનારી અંતિમ યાદીમાં સામેલ નહીં કરવામાં આવે. આશા છે કે, 30 સપ્ટેમ્બર બાદ ચૂંટણી પંચ આ સંખ્યાના આંકડા પણ જાહેર કરે. બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હેઠળ મતાદાર ગણતરી ફોર્મ જમા કરવાનું કામ છેલ્લાં તબક્કામાં પહોંચી ગયું છે.
આ પણ વાંચોઃ ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઇએ? મેન્ટોર ગણાતા RSSએ જણાવ્યાં 'માપદંડ'
80 ટકા મતદારોની જાણકારી
અત્યાર સુધી 80 ટકાથી વધુ મતદારોએ પોતાના વિશે જરૂરી જાણકારી એટલે કે, નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર, મતદાર કાર્ડ નંબર સહિતની માહિતી દાખલ કરી ફોર્મ જમા કરાવી દીધા છે. જોકે, આયોગે આ કામ માટેની છેલ્લી તારીખ 25 જુલાઈ નક્કી કરી છે. પરંતુ સમયમર્યાદા પહેલાં જ આ કામ પૂરૂ થઈ જવાની સંભાવના છે.
જો નામ ન આવે તો શું કરવું?
પહેલી ઓગસ્ટે જાહેર થતી મતદારોની ડ્રાફ્ટ યાદીમાં જે લોકોનું નામ નથી આવતું તેઓ ક્રમશઃ મતદાર રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અથવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી પોતાના પ્રમાણપત્ર સાથે દાવો કરી શકે છે. મતદારની ફાઇનલ યાદી 30 સપ્ટેમ્બરે જાહેર થશે.
આ પણ વાંચોઃ VIDEO: ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બાં સળગ્યાં, અનેક ટ્રેનો રદ કરાઈ, જુઓ આખું લિસ્ટ
ચૂંટણી પંચનો દાવો ખોટોઃ તેજસ્વી યાદવ
આ દરમિયાન આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, 'ચૂંટણી રંચ જણાવે છે કે, 80 ટકામાંથી મોટાભાગના ફોર્મ ભરાઈ ગયા છે. અમારા લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરવામાં આવ્યા. ચૂંટણી પંચે જણાવવું જોઇએ કે, તમારો જે દાવો છે કે, 80 ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયા તે હકીકત છે કે શું છે? ચૂંટણી પંચ એ નથી જણાવતું કે, જે ફોર્મ ભરવામાં આવ્યા છે, તેમાં કેટલા ચકાસેલા અને અસલી છે. ફીલ્ડથી અમને લોકોને જણાવવામાં આવ્યું કે, મતદારોને જાણકારી પણ નથી કે, તેમના ફોર્મ ભરાઇ ગયા છે. ચૂંટણી પંચનો દાવો જમીની હકીકતથી વિપરિત છે. સુપ્રીમ કોર્ટની આધાર કાર્ડ અને રાશન કાર્ડની સલાહ છતા ચૂંટણી પંચે હજુ સુધી દસ્તાવેજોને લઈને સંશોધન નથી કર્યું. BLO હોય કે નાગરિક, બધા જ મૂંઝવણમાં છે. ચૂંટણી પંચ નકલી અપલોડિંગ સૂચનાઓ પર ચૂપ છે.'
કયા દસ્તાવેજ માંગે છે BLO?
- માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)
- પાસપોર્ટ
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાવાળા દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર
- 1 જુલાઈ 1987 પહેલા બેન્ક, પોસ્ટ ઓફિસ, LIC વગેરે દ્વારા જાહેર કરાયેલું કોઈપણ પ્રમાણપત્ર
- વન અધિકાર પ્રમાણપત્ર
- નિયમિત કર્મચારીઓ અથવા પેન્શનરોનું ઓળખપત્ર
- કાયમી રહેઠાણ પ્રમાણપત્ર
- સરકારની કોઈપણ જમીન અથવા મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર