ભાગવતની મસ્જિદ-મદરેસા મુલાકાત આરએસએસની લાઈનથી અલગ નહીં : સંઘના નેતા

આરએસએસના નેતા ઈન્દ્રેશકુમારનો ખુલાસો

લઘુમતી સમુદાય સાથે વાતચીતની પહેલ સંઘના પૂર્વ વડા એસ. સુદર્શનના નેતૃત્વમાં જ શરૂ થઈ હતી


નવી દિલ્હી, તા.૨૩

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું ગુરુવારે દિલ્હીમાં એક મસ્જિદમાં જઈને ઈમામોના સંગઠનના વડાને મળવું અને મદરેસામાં બાળકો સાથે મુલાકાત કરવી એ સંઘના સંગઠનની લાઈનથી અલગ નથી તેમ સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે શુક્રવારે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે જણાવ્યું હતું કે, સંઘની વિચારસરણીમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તે પહેલાં જેવી જ છે અને ભવિષ્યમાં પણ તેવી જ રહેશે. તે શાશ્વત છે. લોકો તેને ખોટી સમજી રહ્યા છે, કારણ કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ઈલિયાસ સાથેની બેઠક લઘુમતી સમાજો સાથે વાતચીત કરવાની સંઘની પહેલનો ભાગ હતી. આરએસએસના ભૂતપૂર્વ પ્રમુખ એસ. સુદર્શનના નેતૃત્વમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમય પહેલાંથી આ પહેલ શરૂ થઈ હતી. 

ઈન્દ્રેશ કુમારે ૧૦૪મા હાઈફા દિવસના પ્રસંગે તીન મુર્તિ ચોક પર એક કાર્યક્રમમાં સંઘની લાઈન અંગે ગેરસમજ ધરાવવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. અખિલ ભારતીય ઈમામ સંગઠનના પ્રમુખ ઉમર અહેમદ ઈલિયાસ સાથે ભાગવતની બેઠકને પક્ષની ભારત જોડો યાત્રાની અસરનું કારણ કહેવા બદલ તેમણે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. ઈલિયાસ અને ભાગવતની બેઠક પછી કોંગ્રેસે કહ્યું કે, આરએસએસ પ્રમુખની ઈલિયાસ સાથેની બેઠક તેની ભારત જોડો યાત્રાના પ્રભાવના કારણે થઈ છે અને તેમણે ભાગવતને હાથમાં તિરંગો લઈને દેશને એક કરવા માટે રાહુલ ગાંધી સાથે ચાલવા વિનંતી કરી હતી.

City News

Sports

RECENT NEWS