For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાન પર હુમલો નરેન્દ્ર મોદીના જીવનની સૌથી મોટી ભૂલ હશે : મુશર્રફની શેખી

- ઇમરાન ખાન બાદ પાક.ના પૂર્વ પ્રમુખની ભારતને ખોખલી ધમકી

- મોદી કરતાં મારા દિલમાં વધુ આગ, કાશ્મીરીઓ મરે છે ત્યારે વધુ અસર થાય છે : મુશર્રફ

Updated: Feb 20th, 2019

Article Content Image

પુલવામા હુમલામાં માર્યા ગયેલા જવાનો પ્રત્યે મને પણ દુ:ખ છે : પાક.ના પૂર્વ પ્રમુખનું નાટક 

નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પુલવામા હુમલા બાદ ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરે તેવા અહેવાલો છે આ સ્થિતિ વચ્ચે પાક.ના પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફે પણ ઇમરાન ખાનની જેમ દાવા કર્યા હતા અને કહ્યું હતુ કે જો ભારત કોઇ પણ પ્રકારનો હુમલો કરશે તો તેને વળતો જવાબ આપવામાં આવશે. મુશર્રફે જણાવ્યું હતુ કે ભારતમાં ઉશ્કેરણીજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે, ટીવી ચેનલો પાકિસ્તાન વિરુદ્ધ ભારતના લોકોને ઉશ્કેરી રહી છે. 

મુશર્રફે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કહે છે કે મારા દિલમાં આગ છે, હું મોદીને કહેવા માગુ છું કે જ્યારે કોઇ કાશ્મીરીનું મોત થાય છે ત્યારે મારા દિલમાં પણ આગ લાગે છે. નાટક કરી રહેલા મુશર્રફે કહ્યું હતું કે જ્યારે કાશ્મીરી યુવકની આંખોમાં ગોળી માગે છે ત્યારે મારી આંખોમાથી પણ આસુ વહે છે.

સાથે પુલવામામાં શહીદ ભારતીય જવાનો પ્રત્યે પણ મુશર્રફે દુ:ખ વ્યક્ત કરવાનું નાટક કર્યું હતું અને પાકિસ્તાનમા જે આતંકવાદ વકર્યો છે તે મુદ્દે મૌન ધારણ કરી લીધુ હતું. તેણે જણાવ્યું હતું કે જે જવાનો માર્યા ગયા છે તેમના પ્રત્યે મારી પુરી સંવેદના છે, મને ખ્યાલ છે કે પોતાનાને ખોવાનું દુ:ખ શું હોય છે, મે પણ ૧૯૭૧ના યુદ્ધમાં મારો ખાસ મીત્ર ગુમાવ્યો હતો. 

સાથે મુશર્રફે કહ્યું હતું કે પાકિસ્તાનને ધમકાવવાનું બંધ કરો કેમ કે તમે પાકિસ્તાનનુ કઇ જ નહીં કરી શકો. જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને પુલવામામાં હુમલો કરાવ્યો છે અને હાલ તે પાકિસ્તાનમાં સક્રીય છે, આ અંગે જ્યારે મુશર્રફને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનમાં શું શું કરી રહ્યું છે તેનો મને ખ્યાલ નથી પણ જો તે પાક.માં હુમલા કરશે તો તેને પણ અમે છોડીશું નહીં.

આ નિવેદન કરીને મુશર્રફે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે પુલવામા હુમલામાં જૈશનો જ હાથ છે અને હાલ તે પાક.માં સક્રીય છે. આ પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ ન હોવાનો દાવો મુશર્રફે કર્યો હતો. નોંધનીય છે કે જ્યારે મુશર્રફ પાક.ના પ્રમુખ હતા ત્યારે પણ અનેક વખત ભારતમાં આતંકીઓને હુમલા માટે મોકલ્યા છે. અને હવે પાકિસ્તાનનો બચાવ કરી રહ્યા છે.

Gujarat