For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શાહરૂખ પુત્ર આર્યન ખાનને હાઇકોર્ટમાં જામીન ન મળ્યા : વધુ એક દિવસ જેલમાં

Updated: Oct 26th, 2021


જામીન અરજી અંગે ફરી આજે સુનાવણી થશે

કોર્ટમાં પ્રચંડ ગર્દી જોઇ જજ ઉભા થઇ જતા રહ્યા : વિશેષ એનડીપીએસ કોર્ટે બે આરોપીના જામીન મંજૂર કર્યા

મુંબઇ : બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનડ્રગ્સ પ્રકરણમાં હાઇકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઇ હતી. આ મામલે કોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.

આર્યનને આજે જામીન મળ્યા નહોતા. આથી તેને જેલમાં જ રાત પસાર કરવી પડશે. બીજી તરફ કોર્ટમાં પ્રચંડગર્દી થતા જજ રોષે ભરાયા હતા. તેમણે સુરક્ષા માટે કોરોનાના નિયમનું પાલન કરવાનું કહ્યું હતું. જ્યારે વિશેષ એનડીપીએસ કોર્ટે બે આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

અગાઉ મુંબઇ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપમાં ડ્રગ્સ પાર્ટી કરવાના ચકચારજનક કેસમાં પકડાયેલા અભિનેતા શાહરૂખના પુત્ર આર્યન ખાન તથા તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી વિશેષ એનડીપીએસ કોર્ટે ફગાવી દીધી હતી. આથી તેમણે જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટમાં આર્યનની જામીન માટે તેના વકીલ માજી એટર્ની જનરલ મુકુલ રોહતગીએ જોરદાર દલીલ કરી હતી. તેમણે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અમૂક મહત્વપૂર્ણ ચુકાદાનો આધાર લીધો હતો અને વાંચન કર્યું હતું.

ડ્રગ્સ દાણચોરી માટે પકડવામાં ન આવેલી વ્યક્તિ સાથે રીઢા ગુનેગાર પ્રમાણે વર્તન કરવાનું યોગ્ય નથી. એનડીપીએસ કાયદામાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું વ્યસન કરનારાને સુધરવા માટે તક આપવી જોઇએ. તેમને જેલના બદલે પુનર્વસન કેન્દ્રમાં મોકલવા જોઇએ એવી દલીલ રોહતગીએ હાઇકોર્ટમાં કરી હતી. 

ઓછી માત્રામાં નશીલો પદાર્થ મળતા આરોપીને જેલમાં મોકલવામાં આવતો નથી. તેને સુધરવાની તક અપાય છે. જ્યારે આર્યન પાસે કંઇપણ મળ્યું જ નથી આમ છતાં 20 દિવસથી તે જેલમાં છે. આર્યન અને  અચિત વચ્ચે ફક્ત પોકર ગેમ બદલ ચર્ચા થઇ હતી એવા રોહતગીએ દાવો કર્યો હતો. એનસીબીએ આર્યનની વર્ષ 2018ની વ્હોટસએપ ચૅટનો ઉલ્લેખ કર્યો છે. આ ચૅટથી કંઇ પુરવાર થતુ નથી.

એનડીપીએસ કાયદામાં ડ્રગ્સની માત્રાનું પણ મહત્વ છે. આર્યન પાસે નશીલો પદાર્થ ન મળવા છતા તે ગુનામાં સામેલ હોવાનો આરોપ કરાયો છે. બીજા પાસેથી મળેલા ડ્રગ્સનો આર્યન સાથે કોઇ  સંબંધ નથી. સાક્ષીદારે એનસીબીના પ્રમુખ પર  ગંભીર આરોપ કર્યો છે. અમારા કેસમાં ગુણવત્તાના આધાર પર જામીન મળવા જોઇએ એમ રોહતગીએ વધુમાં કહ્યું હતું.

અગાઉ વિશેષ એનડીપીએસ કોર્ટમાં એનસીબીએ દાવો કર્યો હતો કે પુરાવા પરથી માલૂમ પડયું છે કે આર્યન નિયમિત નશીલો પદાર્થ ખરીદતો હતો. નવોદિત અત્રિનેત્રી અને આર્યનની નશીલા પદાર્થ સંદર્ભે કરેલી ચેટ એનસીબીને મળી હતી. આ ચેટની માહિતી કોર્ટમાં આપવામાં આવી હતી.

નોંધનિય છે કે આજે આર્યનના કેસની સુનાવણી વખતે કોર્ટમાં પ્રચંડ ભીડ થઇ હતી. આર્યનને જામીન મળશે કે નહી એના પર દરેકની નજર હતી. પિતા શાહરૂખે પુત્ર આર્યનની જામીન માટે વકીલોની ફૌજ ઉભી કરી હતી. આર્યન પ્રકરણ સાથે સંબંધ ન ધરાવનારા વકીલો પણ કોર્ટમાં આવ્યા હતા. ગર્દી જોયા બાદ જજ નિતીન સાંબ્રે ઉભા થઇ જતા રહ્યા હતા. તેમણે કોરોનાના નિયમનું પાલન કરવા અનેગર્દી ઓછી કરવા કહ્યું હતું. 

આમ કેસ સાથે ન સંકળાયેલાને કોર્ટની બહાર જવાનું જણાવવામાં આવ્યું હતું. દરમિયાન વકીલ અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઇ હોવાનું કહેવાય છે. વિશેષ એનડીપીએસ કોર્ટે છેવટે આજે મનીષ રાજગરિયા અને આવિન સાહુના જામીન મંજૂર કર્યા હતા. 

આર્યનના વકીલ મુકુલ રોહતગી ગુજરાતના રમખાણ વખતે સરકારી વકીલ હતા 

'બેસ્ટ બેકરી', 'જાહીરા શેખ'ના કેસ લડી ચૂક્યા છે

મુંબઇ : બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન અપાવવા માટે દિગ્ગજ વકીલો સતીષ માનશિંદે અને અમિત દેસાઈ બાદ હવે ત્રીજા દિગ્ગજ વકીલની એન્ટ્રી થઈ છે. હાઇકોર્ટમાં હવે પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ આર્યન ખાનનો કેસ હાથમાં લીધો છે. મુકુલ રોહતગીએ આર્યન ખાનને ગત કેટલાક દિવસોમાં સમર્થન પણ આપ્યું હતું. 

સેશન્સ કોર્ટમાં જામીન અરજી રદ થવા પૂર્વે રોહતગીએ જણાવ્યું હતું કે આર્યન ખાનને  ખાનને જેલમાં રાખવાનું કોઈ ગ્રાઉન્ડન નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એક શુતુરમુર્ગની જેમ છે. જેણે પોતાનું માથું રેતીમાં છુપાવ્યું છે. 

તેમના જણાવ્યા મુજબ આર્યને સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડી રહી છે. જામીન એક ચાનક છે અને જેલ અપવાદ છે. આ મુદ્દે સુપ્રામ કોર્ટે ઘમા વર્ષો પૂર્વે ઉકેલ્યો હતો, કેમ કે સંવિધાનનો સિદ્ધાંત જીવનનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર છે. આ માત્ર ભારતીયો જ નહીં વિદેશીઓ માટે પણ છે. જો તેને જામીન આપવી હોય તો હોલિડેમાં પણ તરત આપી શકે છે.

મુકુલ રોહતગી 19 જૂન 2014ના રોજ તાત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એટર્ની જનરલ નિયુક્ત કર્યા હતા. 18 જૂન 2017 સુધી દેશના 14માં એટર્ની જનરલ રહ્યા હતા. તેમના પિતા અવધ બિહારી રોહતગી દિલ્હી હાઇકોર્ટના જજ હતા.

મુકુલ રોહતગીએ 2002માં ગુજરાત દંગલમાં રાજ્ય સરકારનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો. 2002ના હુલ્લડને બનાવટી એન્કાઉન્ટરના આરપોને લઈને તેમણે રાજ્ય સરકારની બાજુ માંડી હતી.

'બેસ્ટ બેકરી', 'જાહિરા શેખ'ના કેસ માટે પણ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી ચૂક્યા છે. 2018માં એક આરટીઆઈના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે રોહતગીએ જજ બી. એચ. લોયા કેસમાં રાજ્ય સરકાર તરપથી રૂા. 1.21 કરોડ ફી તરીકે લીધા હતા. રોહતગીએ રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી.

આર્યન - અનન્યાની વોટ્સએપ ચેટમાં 80 હજારના ડ્રગ્સના ઓર્ડરનો  ઘટસ્ફોટ

મિત્રોને આપી હતી એનસીબીની ધમકી

મુંબઇ : બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. દરમ્યાન એનસીબી તરફથી અનન્યા પાંડે અને આર્યન ખાનના વોટ્સએપ ચેર પર ડ્રગ્સ બાબતે થયેલી ચર્ચાને લઇ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

એક રિપોર્ટ અનુસાર બન્ને વચ્ચે વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ ખરીદવા બાબતે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત આર્યને મજાકમાં તેના મિત્રોને એવી ધમકી પણ આપી હતી કે તે એનસીબી દ્વારા તેમની સામે કાર્યવાહી કરાવશે. હાલ આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે જ્યારે અનન્યાની બે વખત પૂછપરછ પણ કરવામાં આવી છે.

વોટ્સએપ ચેટમાં આર્યન અચિત કુમાર સાથે મોટા જથ્થામાં  ડ્રગ્સ ખરીદી બાબતે વાત કરતો હોવાનું જણાયું છે. આર્યને અચિત કુમાર પાસેથી 80 હજાર રૂપિયાનું   ડ્રગ્સ મંગાવ્યું હતું. આ સિવાય આર્યન ખાનના ફોનમાંથી મળી  આવેલ વોટ્સએપ ડેટામાં અન્ય બે વ્યક્તિઓ સાથે પણ તે ડ્રગ્સ બાબતે ગુ્રપ ચેટ કરતો હોવાનું મળી આવ્યું હતું. એનસીબી પાસે અનન્યા પાંડે સિવાય અન્ય ત્રણ સેલિબ્રિટી કીડ્સ સાથે પણ આર્યન ખાનની ચેટ બાબતની માહિતી છે.

એનસીબી સાથે આર્થિક વ્યવહાર થયો નથી : કોર્ટમાં આર્યન વતી સોગંદનામું

આર્યન ડ્રગ્સના સેવન જ નહીં, દાણચોરીમાં પણ સામેલ : એનસીબી

મુંબઇ : હાઇકોર્ટમાં આજે રેવપાર્ટી કેસમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીનની સુનાવણી હતી ત્યારે આર્યન ખાન તરફથી કોર્ટમાં અતિરિક્ત સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું. એનસીબીના અધિકારી સાથે તેમના તરફથી કોઇપણ આર્થિક વ્યવહાર કરાયો ન હોવાનું એમા જણાવવામાં આવ્યું હતું. આ તમામ બાબત રાજકીય લોકો અને એનસીબી વચ્ચેનો મામલો છે.

બીજી તરફ એનસીબીએ પણ આર્યનના જામીનનો તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે પણ સોગંદનામું દાખલ કર્યું હતું. આ કેસમાં સાક્ષીદાર પ્રભાકર સાઇલના સોગંદનામા અને આરોપીની જામીન અરજી વચ્ચે સંબંધ ન હોવાનો દાવો આર્યનના સોગંદનામામાં કરવામાં આવ્યો હતો. આ સિવાય પ્રભાકર સાઇલ અને કિરણ ગોસાવીને ઓળખતા નથી.

મે એનસીબીના અધિકાર પર કોઇપણ પ્રકારનો આરોપ કર્યો નથી એવું જણાવતા આર્યનના સોગંદનામા વધુમાં ઉલ્લેખ કરાયો હતો કે મારી પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું નથી. મે નશીલા પદાર્થનું સેવન કર્યું નથી. આ બાબતના કોઇ પુરાવા પણ નથી. આથી આરોપ પ્રત્યારોપ તરફ ધ્યાન ન આપી જામીન અરજી પર નિર્ણય લેવામાં આવે.

એનસીબીએ દાખલ કરેલા સોગંદનામામાં આર્યનની જામીનના વિરોધમાં અમૂક મુદ્દા રજૂ કરાયા હતા. એનસીબીની તપાસમાં અડચણ ઉભી કરવાનો પ્રયત્ન રહ્યો હોવાનું અનેક બાબતથી  સ્પષ્ટ થઇ રહ્યું છે.

આર્યનખાન ફક્ત નશીલા પદાર્થનું સેવન નથી કરતો પણ ડ્રગ્સની દાણચોરી અને વેચાણમાં પણ સામેલ હોવાના પુરાવા છે. શાહરૂખ ખાનની મેનેજર પૂજા પણ સાક્ષીદારને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે એમ એનસીબીના સોગંદનામામાં જણાવવામાં આવ્યુ ંહતું. જો કે એનસીબીનો દાવો ખોટો હોવાનું આર્યને કહ્યું હતું.

Gujarat