For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનિલ અંબાણી એરિક્સનને 450 કરોડ ચૂકવે નહીં તો જેલમાં : સુપ્રીમ

- રફાલ સોદા બાદ વધુ એક મામલે મુશ્કેલીમાં સપડાયા

- સુપ્રીમે એક સપ્તાહની અંદર રજિસ્ટ્રીમાં જમા ૧૧૮ કરોડ એરિક્સનને ચૂકવી દેવા જણાવ્યું

Updated: Feb 20th, 2019

Article Content Image

અગાઉ અનિલ અંબાણીને નાણા ચુકવવા ૧૨૦ દિવસ ઉપરાંત ૬૦ દિવસ આપ્યા હતા હવે ચાર સપ્તાહનો અંતિમ સમય

અમે સુપ્રીમના ચુકાદાનું સન્માન કરીએ છીએ : અનિલ અંબાણી જૂથના વકીલ 

અનિલ અંબાણી કોર્ટની અવમાનના કેસમાં દોષિત ઠર્યા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

એરિક્સનને બાકી રકમ ન ચૂકવીને કોર્ટનો અનાદર કરવા બદલ  સુપ્રીમ કોર્ટે આરકોમના ચેરમેન અનિલ અંબાણી અને અન્ય બેને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જો ચાર સપ્તાહમાં એરિક્સનને 

૪૫૩ કરોડ રૃપિયા ચૂકવવામાં નહીં આવે તો આ ત્રણેયને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આરકોમના ચેરમેન અને રિલાયન્સ ટેલિકોમના ચરેમેન સતિષ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાણીએ સુપ્રીમ કોર્ટને આપેલી બાહેંધરીનો ભંગ કર્યો છે. 

કોર્ટના આદેશનો ભંગ કરવા બદલ અંબાણીને ફક્ત ચાર જ સપ્તાહમાં એરિક્સનને ૪૫૩ કરોડ રૃપિયા ચૂકવવા પડશે.  ન્યાયમૂર્તિ આર એફ નારિમાન અને વિનીત સરનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે ચાર સપ્તાહમાં એરિક્સનને નાણા ચૂકવવામાં નહીં આવે તો તેમને ત્રણ મહિના જેલમાં રહેવું પડશે.

જ્યારે આ ચુકાદો આપવામાં આવ્યો ત્યારે અંબાણી, શેઠ અને વિરાણી કોર્ટ રૃમમાં હાજર હતાં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને ચાર સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં એક-એક કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

જો આ રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવામાં નહીં આવે તો તેમને અલગથી વધુ એક મહિનાની જેલ થશે.  સુપ્રીમ કોર્ટે વધુમાં નિર્દેશ આપ્યા છે કે અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ દ્વારા અત્યાર સુધી સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીની જમા કરાવવામાં આવેલા ૧૧૮ કરોડ રૃપિયા એક સપ્તાહની અંદર એરિક્સનને ચૂકવી દેવામાં આવે.

એરિક્સનને ૫૫૦ કરોડ ચૂકવવા માટે અનિલ અંબાણી જૂથને પ્રથમ ૧૨૦ દિવસ અને ત્યારબાદ વધારાના ૬૦ દિવસ આપવામાં આવ્યા હોવા છતાં તે આ નાણાં ચૂકવી શક્યું નથી. સુપ્રીમના આ ચુકાદા પછી અનિલ અંબાણી જૂથના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરીએ છીએ અને મને આશા છે કે અનિલ અંબાણી જૂથ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે. 

કેસ શું હતો?

એરિક્સને સમગ્ર દેશમાં ટેલિકોમ નેટવર્ક ઓપરેટ કરવા માટે આરકોમ સાથે સમજૂતી કરી હતી. ૪૭,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું ધરાવતી આરકોમ એરિકસનને બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ નિવડી હતી. ૧૧૫૦ કરોડ રૃપિયાની બાકી રકમ મેળવવા માટે એરિક્સને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

જો આરકોમ અને એરિક્સન વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આરકોમને ૫૫૦ કરોડ રૃપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. આ માટે આરકોમને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયમર્યાદામાં નાણા ચૂકવવામાં ન આવતા એરિક્સને સુપ્રીમમાં અરજી કરી હતી.

સુપ્રીમે આ રકમ ચૂકવવા માટે ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮ સુધીનો સમય આપ્યો હતો. આ સમય મર્યાદામાં રકમ ન મળતા એરિક્સને ફરીથી ચાર જાન્યુઆરીના રોજ સુપ્રીમનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે સુપ્રીમે આરકોમને ચૂકવણી આપી હતી કે જો ચૂકવણીમાં વધુ વિલંબ થશે તો તેને વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. 

આરકોમના વકીલ કપિલ સિબલ અને મુકુલ રોહતગીએ એરિક્સનને જણાવ્યું હતું કે તે હાલમાં ૧૧૮ કરોડ રૃપિયા સ્વીકારે અને બાકીની ટૂંક સમયમાં જ ચૂકવી દેવામાં આવશે. જો કે એરિક્સને ૧૧૮ કરોડ સ્વીકારવાને બદલે એક સાથે ૫૫૦ કરોડ રૃપિયા સ્વીકારવા પર ભાર મૂક્યો હતો. જેના પગલે સુપ્રીમે આરકોમને ૧૧૮ કરોડસુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાનું જણાવ્યું હતું. 

સુપ્રીમના ચુકાદા પછી અનિલ અંબાણી જૂથની કંપનીઓના શેરોમાં કડાકો

કંપનીનું નામ

શેરમાં થયેલો

 

ઘટાડો

આરકોમ

૯.૪૬ ટકા

રિલાયન્સ ઇન્ફ્રા

૮.૭૫ ટકા

રિલાયન્સ કેપિટલ

૧૦.૨૫ ટકા

રિલાયન્સ પાવર

૫.૫૩ ટકા

રિલાયન્સ નેવલ

૮.૫૬ ટકા

રિલાયન્સ હોમ

૪.૨૬ ટકા

Gujarat