For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગીચ વિસ્તારમાં ભીષણ આગ : ૮૧નાં મોત, ૫૦થી વધુ લોકો ઘાયલ

મૃતકોમાં પાંચ બાળકો અને નવ મહિલાઓ પણ સામેલ

ચોકબજાર વિસ્તારમાં ચાર માળની ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કેમિકલ વેરહાઉસથી આગની શરૃઆત થઇ હતી

Updated: Feb 21st, 2019


 (પીટીઆઇ) ઢાકા, તા. ૨૧

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીડવાળા વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી આગ પાસેના અન્ય એપાર્ટમેન્ટમાં લાગતા ૮૧ લોકોનાં મોત થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે.

જૂના ઢાકાના ચોકબઝાર વિસ્તારમાં એક મસ્જિદની પાછળ હાઝી વાહીદ મેન્શન નામની ચાર માળની ઇમારતના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા કેમિકલ વેરહાઉસમાં ગઇકાલ રાતે આગ ફાટી નીકળી હતી. 

આ આગ ઝડપથી પાસેની ચાર ઇમારતોમાં ફેલાઇ ગઇ હતી. આ ચાર ઇમારત પૈકી એક ઇમારતમાં કોમ્યુનિટી હોલ હતું જેમાં લગ્નની પાર્ટી ચાલી રહી હતી.  ઘાયલ થયેલા ૫૦થી વધુ લોકોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સર સલીમુલ્લાહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગમાંથી કૂદવાને કારણે કેટલાક લોેકો ઘવાયા હતાં.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારમાં એકથી વધારે કેમિકલ ગોડાઉન આવેલા હોવાથી આગ ઝડપથી અન્ય ઇમારતોમાં ફેલાઇ હતી. 

ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલના ડાયરેક્ટર બ્રિગેડિયર જનરલ એકેએમ નસીરુદ્દીનના જણાવ્યા અનુસાર ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 

બચાવ અભિયાન ગઇકાલ રાતે ૧૨.૧૦ વાગ્યાથી શરૃ કરવામાં આવ્યું હતું જે ૧૪ કલાક સુધી ચાલ્યું હતું. ફાયર બ્રિગ્રેડના ૩૭ યુનિટોના બે ૨૦૦ જવાનોએ આગને અંકુશમાં લેવા ૧૪ કલાક સુધી મહેનત કરી હતી. 

ડોક્ટરના જણાવ્યા અનુસાર કેટલાક મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હોવાથી તેમની ઓળખ મુશ્કેલ બની ગઇ છે.મૃતકોમાં પાંચ બાળકો અને ૯ મહિલાઓ છે. 

બાંગ્લાદેશના ફાયર સર્વિસ ચીફ અલી અહેમદના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડરથી આગની શરૃઆત થઇ હોવાનું માનવામાં આવે છે. બિલ્ડિંગમાં કેમિકલ સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હોવાથી આગ ઝડપથી અન્ય વિસ્તારમાં ફેલાઇ ગઇ હતી. બિલ્ડિંગના મુખ્ય દ્વાર પર તાળું હોવાથી અનેક લોકો ઇમારતમાં ફસાઇ ગયા હતાં.

Gujarat