For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

7 મહિલાઓએ પીએમ મોદીનું ટ્વીટર એકાઉન્ટ સંભાળ્યું

- બંને હાથ ગુમાવનાર માલવિકાએ અલગ ઓળખ બનાવી

- યુઝરે ટ્વીટર એકાઉન્ટનો પાસવર્ડ માગ્યો, સ્નેહાએ લખ્યું 'ન્યૂ ઈન્ડિયા' લોગઈન કરવાનો પ્રયાસ કરો

Updated: Mar 8th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2020, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં નારી શક્તિ એવોર્ડથી સન્માનિત મહિલાઓ સાથે વાતચીત કરી હતી. આ સાથે તેમણે અગાઉથી કરેલી જાહેરાત મુજબ આંતરરાષ્ટ્રીય મહિલા દિને તેમનું ટ્વીટર એકાઉન્ટ દેશની સાત પ્રતિભાશાળી મહિલાઓને સોંપ્યું હતું.

વડાપ્રધાને ટ્વીટ કરતાં લખ્યું કે, 'મેં કેટલાક દિવસ પહેલાં કહ્યું હતું તેમ આજનો દિવસ હું સાઈન ઓફ કરૂં છું. આજે આખો દિવસ સાત પ્રેરણાદાયી મહિલાઓ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના જીવનના પ્રવાસ અંગે જણાવશે અને તમારી સાથે વાતો કરશે.'

અલગ અલગ ક્ષેત્રની આ મહિલાઓમાં સ્નેહા મોહનદાસ, માલવિકા ઐય્યર, આરિફા, કલ્પના, વિજયા પવાર, કલાવતી દેવી અને બીના દેવીનો સમાવેશ થાય છે. પીએમ મોદીનું ટ્વીટર એકાઉન્ટ સંભાળનાર સૌપ્રથમ મહિલા ચેન્નઈની સ્નેહા મોહનદાસ હતી.

તેમણે વર્ષ 2015માં ફૂડ બેન્ક ઈન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થા બેઘર લોકોને ભોજન કરાવે છે. તેમને એક યુઝરે વડાપ્રધાનના ટ્વીટર એકાઉન્ટનો પાસવર્ડ માગ્યો તો તેમણે જવાબમાં લખ્યું 'ન્યૂ ઈન્ડિયા' લોગ ઈન કરવાનો પ્રયાસ કરો.

પીએમ મોદીનું ટ્વીટર હેન્ડલ સંભાળનારી બીજી મહિલા છે માલવિકા ઐય્યર. માલવિકા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર, વિકલાંગોના અધિકાર માટે કામ કરતાં એક્ટિવિસ્ટ, સોશિયલ વર્કમાં પીએચડી સાથે ફેશન મોડેલિંગ પણ કરે છે. તેમણે 13 વર્ષની વયે એક અકસ્માતમાં બંને હાથ ગુમાવી દીધા હતા, છતાં સમાજમાં તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે. 

કાશ્મીરના શ્રીનગરમાં મહિલા કારીગરોનું જીવન બદલનારાં આરીફા જાનને પણ મોદીનું ટ્વીટર એકાઉન્ટ ચલાવવાની તક મળી. તેમણે કાશ્મીરની પારંપરિક નમદા હસ્તકલાને જીવંત કરી છે.આરીફા જાને કહ્યું કે વડાપ્રધાનના આ પગલાંથી આ કળા તરફ લોકોનો ઉત્સાહ વધ્યો છે. 

રેન વોટર હાર્વેસ્ટિંગ મારફત ઘરથી કોમ્યુનિટી સુધી વોટર ઈન હાઉસ હોલ્ડ અભિયાન ચલાવનાર કલ્પના રમેશને પણ પીએમનું ટ્વીટર હેન્ડલ સંભાળવાની તક મળી. મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં બંજારા હસ્તકલાને પ્રોત્સાહન આપનારાં વિજયા પવારે પણ મોદીનું ટ્વીટર હેન્ડલ સંભાળ્યું હતું. ઉપરાંત કાનપુરનાં કલાવતી દેવી અને બિહારના મુંગેરનાં વીણા દેવીએ પણ ટ્વીટર હેન્ડલ સંભાળ્યું.

Gujarat