For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મકાનો પર જીએસટીમાં સાત ટકાનો ઘટાડો એપ્રિલ પછીના મકાનોને લાભ મળશે

- લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બિલ્ડર લોબીની વગ ચાલી

- રિયલ એસ્ટેટમાં મંદીના પગલે બિલ્ડર લોબીનું દબાણ

Updated: Feb 24th, 2019

Article Content Image

બિલ્ડરોએ કમ્પ્લીશન સર્ટીફિકેટ લીધું હશે અને વેચાયા વગરના મકાનોને જીએસટી ઘટાડાનો લાભ નહી મળે : ભેદભાવભરી નીતિ

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

ઘર ખરીદનારાઓને સરકારે જીએસટીમાં રાહત આપી છે, રવિવારે જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં મોટા નિર્ણય લેવાયો હતા, હવેથી જે મકાનોનું બાંધકામ ચાલી રહ્યું હોય તેના પરના જીએસટીમાં મોટો ઘટાડો કર્યો છે, અત્યાર સુધી આ પ્રકારના મકાનો પર ૧૨ ટકા જીએસટી લાગુ હતો જે હવે ઘટીને પાંચ ટકા(ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર) કરવામાં આવ્યો છે.

સરકાર માની રહી છે કે આ પગલાથી ઘર ખરીદનારાઓને મોટી રાહત થશે. નાણા પ્રધાન અરુણ જેટલીએ આ ટેક્સ ઘટાડાની જાહેરાત કરી હતી.  ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીના કારણે અસંખ્ય મકાનો વેચાયા વગરના પડી રહ્યા છે જેના પગલે બિલ્ડર લોબીએ દબાણ કરતા સરકારને જીએસટીના દર ઘટાડવાની ફરજ પડી છે.

અન્ય મોટી રાહત સરકારી યોજનાઓ હેઠળ સસ્તા ઘરો ખરીદનારાઓને આપી છે, અફોર્ડેબલ હાઉસિંગ પર અગાઉ જીએસટી આઠ ટકા હતા તેને હવે ઘટાડીને એક ટકા કરી દેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ટેક્સમાં રાહતો આપવા લાગી છે. રવિવારે જીએસટીની ૩૩મી કાઉન્સિલની બેઠક મળી હતી.

જે બાદ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે હાલ નિર્માણ હેઠળના મકાનો પરનો જીએસટી ૧૨ ટકા હતો તેને હવે પાંચ ટકા અને અફોર્ડેબલ(સસ્તા) ઘરો પરનો જીએસટી આઠ ટકા હતો તેને એક ટકા કરાયો છે. જેનાથી આમ નાગરીકોને વધુ ફાયદો થશે. 

જે મોટા શહેરો છે જેમ કે દિલ્હી-એનસીઆર, બેંગાલુરુ, ચેન્નઇ, હૈદરાબાદ, મુંબઇ-એમએમઆર અને કોલકાતા)માં રૃપિયા ૪૫ લાખ સુધીના મકાનો કે ફ્લેટ હોય તેને અફોર્ડેબલ હાઉસિંગમાં સમાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ શહેરોના મકાનો ૬૦ વર્ગ મીટર ક્ષેત્રફળના  હોય તેને આ અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ એવા શહેરો છે કે જેનો સમાવેશ મેટ્રોમાં થયો છે, જ્યારે નોનમેટ્રો શહેરોમાં આ માપદંડ ૯૦ વર્ગ મીટર ક્ષેત્રફળ રાખવામાં આવ્યું છે.

હાઉસિંગ સ્કીમો અંતર્ગત જીએસટીના આ નવા ફેરફારો પહેલી એપ્રીલથી લાગુ કરી દેવામાં આવશે. સરકાર માની રહી છે કે હાઉસિંગ ક્ષેત્રે કરેલો આ ઘટાડો નવા મકાનોના બાંધકામને વેગ આપશે અને તેનાથી વધુ સસ્તા મકાનો મળી રહેવાની પણ શક્યતાઓ છે. જોકે રીઅલ એસ્ટેટની એવી સંપત્તિને આ નવા ફેરફારો લાગુ નહીં પડે કે જેનું વેચાણ સમયે કમ્પ્લીશન સર્ટિફિકેટ જારી થઇ ગયું હોય.

Gujarat