For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

56ની છાતીની કાયરતા : આતંકીઓ બેફામ : 44 જવાન શહીદ

- ઝેડ પ્લસ સિક્યુરિટી વચ્ચે ફરતા વડાપ્રધાન દેશની સુરક્ષા કરતા જવાનો માટે લાચાર

- મોદી માટે સર્જિકલ સ્ટ્રાઇક નહી રીયલ સ્ટ્રાઇક કરવાની આખરી તક : મોદી ચૂકી જશે તો ઇતિહાસ માફ નહી કરે

Updated: Feb 14th, 2019


કાશ્મીરમાં CRPFના કાફલા પર ધોળા દિવસે જૈશ-એ-મોહમ્મદનો ફિદાયીન હુમલો : વિસ્ફોટક ભરેલી કાર કાફલાની બસ સાથે અથડાવી


વિસ્ફોટનો અવાજ દસ કિ.મી. દૂર સુધી સંભળાયો વિસ્ફોટ બાદ જવાનોના મૃતદેહ દૂર સુધી ફંગોળાયા

શ્રીનગર, તા. 14 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અવંતીપારાથી ગોરીપારાની વચ્ચેથી પસાર થઈ રહેલી લશ્કરની બે ગાડીઓ ઉપર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૪૪ જવાનો શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના જવાનો ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લાના અવંતીપારાથી ગોરીપારા વચ્ચે થયેલા આ આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા અને ૪૫ જવાનોને નાજુક હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘાટીના ઘણાં સમયથી આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરીને ભારતીય સુરક્ષાતંત્રના જવાનોને નિશાન બનાવે છે. ૨૫૦૦ જવાનોનો કાફલો શ્રીનગર-જમ્મુ હાઈવેથી પસાર થઈ રહ્યો હતો એ વખતે આ હુમલો થયાનું કહેવાયું હતું અને હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. કાશ્મીર ઘાટીને જોડતો આ એકમાત્ર હાઈ-વે છે અને એના ઉપરથી જવાનો પસાર થતા હતા ત્યારે બપોરે આ હુમલો થયો હતો.

ઉરીમાં ભારતીય સૈન્ય ઉપર હુમલો થયો તે વખતે ૧૯ જવાનો શહીદ થયા હતા. તે પછી સૈન્ય ઉપર થયેલો આ સૌથી મોટો હુમલો છે. હુમલા પછી ભારતીય સુરક્ષાતંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

નેશનલ સિક્યુરિટી ગાર્ડ - એનએસજી અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી- એનઆઈએની ટીમ સંયુક્ત રીતે પુલવામા જિલ્લામાં સીઆરપીએેફના કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરશે. એનઆઈએની ટીમ ફોરેન્સિક નિષ્ણાતો સાથે જમ્મુ-કાશ્મીર જઈને તપાસ કરશે એવી જાહેરાત ગૃહ મંત્રાલયે કરી હતી. આ તપાસમાં એનએસજીના કમાન્ડો પણ જમ્મુ-કાશ્મીર પોલીસને મદદ કરશે.

સીઆરપીએફના જવાનો ઉપર થયેલો આતંકવાદી હુમલો એટલો ભયાનક હતો કે તેનો ધડાકો છેક ૧૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે વિસ્ફોટ થયો તે વખતે ૧૦-૧૨ કિલોમીટર દૂર સુધી ધડાકો સંભળાયો હતો.

મોટા જથ્થામાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રીની વ્યાપક અસર થઈ હતી. હુમલો કરવામાં ૩૫૦ કિલોની વિસ્ફોટક સામગ્રી વપરાઈ હતી. અમુક જવાનોના મૃતદેહો તો એટલા વિકૃત થઈ ગયા હતા કે તેને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. તેની ઓળખ માટે સમય લાગશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું. સીઆરપીએફના જવાનોની ૭૮ ગાડી હાઈ-વે પરથી પસાર થઈ ત્યારે આ વિસ્ફોટ થયો હતો.

દૂરથી જેમણે આ ઘટનાને જોઈ હતી, તેમનો દાવો હતો કે આતંકવાદીઓ સ્કોર્પિયો ગાડીમાં હતા. સીઆરપીએફની ગાડીઓ નજીકથી પસાર થઈ તે વખતે સ્કોર્પિયો એક ગાડીને અથડાઈ હતી અને તે સાથે જ ભયાનક ધડાકો થયો હતો. સ્કોર્પિયોના ટકરાવની અસર સીઆરપીએફની બે ગાડી ઉપર વધુ થઈ હતી.આતંકવાદી હુમલા પછી તુરંત ભારતીય સુરક્ષાતંત્રએ જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દીધો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

આતંકવાદી હુમલો કરનારો કાર ડ્રાઈવર આદિલ મોહમ્મદ પુલવામાના કાકાપોરાના રહેવાસી હોવાનો દાવો કરાયો હતો.સીઆરપીએફના આઈજી જુલ્ફિકાર હસને જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની પોલીસે ઘટનાની તપાસ શરૃ કરી છે. ઘટનાની સમીક્ષા કરવા માટે નિષ્ણાત અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. 

ગુપ્તચરતંત્રએ હુમલાની ચેતવણી આપી હતી

મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ગુપ્તચર તંત્રએ સંભવિત આતંકવાદી હુમલા અંગે ચેતવણી આપી હતી. ૭ દિવસ પહેલાં જ એલર્ટ જારી કરાયો હતો. ગુપ્તચરતંત્રએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આતંકવાદી સંગઠનો સૈન્યના જવાનો ઉપર હુમલો કરવાની ફિરાકમાં છે અને આવવા-જવાના રસ્તાઓ ઉપર વિસ્ફોટક સામગ્રી લગાવીને હુમલો કરવાનું ષડયંત્ર ઘડાયું છે. ચેતવણી અપાઈ હતી એ જ પદ્ધતિથી હુમલો થયો હતો.

કરાચીમાં હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું

પાકિસ્તાનના કરાચીમાં ૫ ફેબુ્રઆરીએ એર રેલી યોજાઈ હતી. એ રેલીમાં ભારત વિરૃદ્ધ ઉશ્કેરણીજનક એક્ટિવિટી થઈ હતી અને તેમાં જ આ હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું. જૈશ-એ-મોહમ્મદની એ રેલીમાં મસૂદ અઝહરનો નાનોભાઈ અબ્દુલ રઉફ અસગરે આ હુમલા માટે આતંકવાદીઓની ૭ ટીમ રવાના કરવાનો આદેશ કર્યો હતો. આ નાપાક આતંકવાદીના નેતાએ ભારતમાં શ્રેણીબદ્ધ હુમલા કરવાનું પણ કહ્યું હતું. 

હુમલો કેવી રીતે થયો?

રોડ ઉપર એક કારમાં વિસ્ફોટક સામગ્રી લગાવવામાં આવી હતી. જવાનોનો કાફલો જેવો નજીકથી પસાર થયો કે તરત જ કારમાં બ્લાસ્ટ થયો હતો. તે પછી કાફલા ઉપર ક્યાંકથી ફાઈરિંગ પણ થયું હતું.

આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તાએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ભારતીય સુરક્ષાતંત્રના ડઝન વાહનો ઉડાવી દીધા છે. આ ફિદાઈન પ્રકારનો હુમલો હતો. જે ડ્રાઈવરે આ નાપાક હુમલાને અંજામ આપ્યો હતો એનું નામ આદિલ મોહમ્મદ હતું અને આ આતંકવાદી ૨૦૧૮માં જ જૈૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો.

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો સિલસિલો

- ૩ નવેમ્બર, ૧૯૯૯

બદામીબાગ આર્મી હેડક્વાર્ટરની નજીકમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સંરક્ષણ વિભાગના પીઆરઓ સહિત ૧૦ જવાનો શહીદ થયા હતા.

- ૧૯ એપ્રિલ, ૨૦૦૦

કાશ્મીરમાં પ્રથમ વખત આત્મઘાતી હુમલો થયો હતો. શ્રીનગરમાં થયેલા આ કાર વિસ્ફોટમાં બે જવાનો શહીદ થયા હતા.

- ૧ ઓક્ટોબર, ૨૦૦૧

એસેમ્બલી કોમ્પલેક્ષ નજીક હુમલો થયો હતો, જેમાં ૩૮ લોકોના મોત થયા હતા.

- ૧૪ મે, ૨૦૦૨

જમ્મુના કાલુચક આર્મી કમ્પાર્ટમેન્ટ નજીક થયેલા હુમલામાં ૩૬ લોકોના મોત થયા હતા.

- ૨૮ જૂન, ૨૦૦૩

સુંજવાન આર્મી કેમ્પ નજીક આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં આર્મી અધિકારી સહિત ૧૨ જવાનો શહીદ થયા હતા.

- ૮ એપ્રિલ, ૨૦૦૪

ઉરી નજીક થયેલા ગ્રેનેડ હુમલામાં ૧૧ નાગરિકોના મૃત્યુ થયા હતા. તે પછી ઓગસ્ટ મહિનામાં સીઆરપીએફના જવાનો ઉપર હુમલો થયો હતો, જેમાં ૯ જવાનો શહીદ થયા હતા.

- ૨૪ જૂન, ૨૦૦૫

શ્રીનગરમાં કારની મદદથી આત્મઘાતી હુમલો થયો હતો. ૯ જવાનો શહીદ થયા હતા. તેના પાંચ જ દિવસ પહેલાં હાઈ-વે ઉપર સુરક્ષાતંત્રની ગાડી ઉપર હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા અને બે નાગરિકોના મોત થયા હતા.

- ૨ નવેમ્બર, ૨૦૦૫

તત્કાલિન મુખ્યમંત્રી મૂફ્તિ મોહમ્મદ સઈદના ખાનગી રહેઠાણ નજીક ફિદાઈન હુમલો થયો હતો. એ હુમલામાં ત્રણ પોલીસ જવાનો અને છ નાગરિકોના મોત થયા હતા.

-  ૧૯ જુલાઈ, ૨૦૦૮

શ્રીનગર-બારામુલા હાઈ-વે ઉપર વિસ્ફોટકની મદદથી હુમલો થયો હતો, જેમાં ૧૦ જવાનો શહીદ થયા હતા.

- ૨૪ જુલાઈ, ૨૦૧૩

હૈદરપોરામાં આર્મીની બસ ઉપર હુમલો થયો હતો. આઠ લશ્કરી જવાનો શહીદ થયા હતા.

- ૫ ડિસેમ્બર, ૨૦૧૪

ઉરી નજીકના મોહરામાં આર્મી કેમ્પ ઉપર ૬ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ૧૦ જવાનો શહીદ થયા હતા. લશ્કરની વળતી કાર્યવાહીમાં છને ઠાર કરવામાં આવ્યા હતા.

- ૨૫ જૂન, ૨૦૧૬

શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર આતંકવાદીઓએ સીઆરપીએફની બસ ઉપર ફાઈરિંગ કર્યું હતું. સામ-સામા ફાઈરિંગ દરમિયાન આઠ જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓને ઠાર કરાયા હતા. થોડા દિવસ પહેલાં પણ સીઆરપીએફના જવાનોની બસને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી, તેમાં બે લશ્કરી અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા હતા.

-  ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૬

ઉરીના આર્મી કેમ્પમાં ચાર પાકિસ્તાની આતંકવાદીઓ ત્રાટક્યા હતા. આરામ કરી રહેલા જવાનો ઉપર નાપાક આતંકવાદીઓએ રાત્રે ફાઈરિંગ કર્યું હતું, જેમાં ૧૮ જવાનો શહીદ થયા હતા. 

- ૨૬ ઓગસ્ટ, ૨૦૧૭

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પુલવામામાં ત્રાટક્યા હતા. જેમાં ભારતીય સુરક્ષાતંત્રના આઠ જવાનો શહીદ થયા હતા. વળતા જવાબમાં આતંકવાદીઓને ઠાર કરાયા હતા. 

- ૧૩ જુલાઈ, ૨૦૧૮

CRPFના જવાનો ઉપર અનંગનાગમાં હુમલો થયો હતો. એક અધિકારી અને એક જવાન શહીદ થયા હતા.

- પ ઓક્ટોબર, ૨૦૧૮

શ્રીનગરના કરફલ્લીમાં નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યના અંગત સચિવ સહિત બેની ગોળી મારીને હત્યા થઈ હતી. આતંકવાદીઓએ ધારાસભ્યના ઘર ઉપર પણ ફાઈરિંગ કર્યું હતું.

- ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯

આતંકવાદીઓએ બે દિવસમાં લાલચોક, શૌપિયાના પોલીસ કેમ્પ ઉપર ત્રણ ગ્રેનેડ હુમલા કર્યા હતા. ત્રણ પોલીસ જવાનો સહિત છને ગંભીર ઈજા થઈ હતી.

- ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯

કાશ્મીરના પંપોર અને ખાનમો વિસ્તારમાં બે હુમલા થયા હતા. પાંચ જવાનો જખ્મી થયા હતા. બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા.

-૩૦ જાન્યુઆરી, ૨૦૧૯

કુલગામ જિલ્લામાં પોલીસ ઉપર ગ્રેનેડ હુમલો થયો હતો. ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા.

- ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯

અનંગનાગમાં CRPFની બટાલિયન ઉપર હુમલો કર્યો હતો, જેમાં બે જવાનને ગંભીર ઈજા થઈ હતી અને પાંચ નાગરિકો ઘાયલ થયા હતા.

Gujarat