For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં આતંકીઓનો સફાયો : 3 આતંકી ઠાર, ડીએસપી-બે જવાન શહીદ

- પાક. આતંકીઓએ પુલવામા બાદ કુલગામને નિશાન બનાવ્યું

- કાશ્મીરમાં ૧૦ જ દિવસમાં બે મેજર, એક ડીએસપી અને ૪૬ જવાન ગૂમાવ્યા

Updated: Feb 24th, 2019

Article Content Image

આતંકીઓના ખાતમા માટે સૈન્યએ ઓપરેશન ૬૦ શરૃ કર્યું, ઘાટીમાં ૩૫ પાકિસ્તાની સહિત ૬૦ આતંકી સક્રિય

કુલગામના હુમલામાં એક મેજર અને બે જવાન ગંભીર રીતે ઘાયલ 

નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક ડીએસપી અને બે જવાન શહીદ થયા છે જ્યારે સામેપક્ષે સૈન્ય દ્વારા આતંકીઓ સામે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

કુલગામના તુરીગામમાં આતંકીઓ છુપાયા હતા, જેને પગલે આ વિસ્તારમાં સૈન્ય દ્વારા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન જારી કર્યું હતું. જે દરમિયાન જ આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો.

આ તપાસ અભિયાનમાં પોલીસ પણ જોડાઇ હતી જેમાં એક ડીએસપી પણ સામેલ હતા. આતંકીઓના આ ગોળીબારમાં આ ડીએસપી અમન ઠાકુર અને એક જવાન શહીદ થઇ ગયા હતા. દરમિયાન સામેપક્ષે સૈન્યએ પણ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. 

દરમિયાન કાશ્મીરમાં હિંસાની નાની મોટી ઘટનાઓ બની રહી છે, સોમવારે આર્ટિકલ ૩૫-એ અંગે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવવાનો છે ત્યારે કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મકીલે જનતાને અપીલ કરી હતી કે તેઓ કોઇ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને શાંતી જાળવવામાં મદદ કરે. બીજી તરફ સૈન્ય દ્વારા હાલ ઘાટીમાં આતંકીઓના ખાતમા માટે ઓપરેશન ૬૦ ચાલી રહ્યું છે.

આ વિસ્તારમાં ૬૦ જેટલા આતંકીઓ છુપાયા છે જેમાં અડધાથી વધુ પાકિસ્તાની આતંકીઓ છે. જેના ખાતમા માટે આ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.  ઓપરેશનના ભાગરુપે જ કુલગામમાં તપાસ ચાલી રહી હતી ત્યારે અચાનક સૈન્ય અને પોલીસ પર છુપાયેલા આતંકીઓેએ ગોળીબાર કરી દીધો હતો. જેમાં એક ડીએસપી અમન ઠાકુર શહીદ થઇ ગયા હતા. સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો અને ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. ૧૦ દિવસમાં આ ત્રીજી મોટી જાનહાની છે.

આ પહેલા પુલવામામાં આત્મઘાતી હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા, જે બાદ આ જ વિસ્તારમાં ત્રણ દિવસ બાદ ફરી આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં એક મેજર સહીત ચાર જવાન શહીદ થયા હતા, તે બાદ એક આઇઇડી વિસ્ફોટમાં મેજર ચિત્રેશસિંહ બિસ્ટ શહીદ થયા હતા અને હવે એક ડીએસપીએ જીવ ગૂમાવ્યો છે. એટલે કે માત્ર ૧૦ દિવસમાં જ દેશએ ૪૮ જેટલા જવાનો ગુમાવ્યા છે.

Gujarat