For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં 24 કલાકમાં કોરોનાના 25773 નવા કેસ, 480ના મોત

- દેશભરમાં કોરોનાના કેસો વધીને 7,60,418ને પાર

Updated: Jul 8th, 2020

Article Content Image

- ૪,૭૪,૦૨૭ લોકોને સાજા કરી લેવાયા, રીકવરી રેટ વધીને ૬૧.૫ ટકા થયો : કુલ મૃત્યુઆંક ૨૧૧૦૦એ પહોંચ્યો

- હવામાં કોરોનાના કણોથી ડરવાની જરુર નથી પણ માસ્ક જરુર પહેરવું જોઇએ તેવી વૈજ્ઞાાનિકોની સલાહ

નવી દિલ્હી, તા.  8 જુલાઈ 2020, બુધવાર


દેશભરમાં કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા હવે વધીને ૭૬૦૪૧૮ પર પહોંચી ગઇ છે. આગામી ગણતરીના દિવસોમાં જ આ આંકડો આઠ લાખ સુધી પહોંચી જશે. માત્ર ૨૪ કલાકમાં જ ૨૫૭૭૩ નવા કેસો સામે આવ્યા છે. જ્યારે ૪૮૦ લોકો મોતને ભેટયા, બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન ૧૯૮૫૨ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે.  

દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો કુલ આંકડો ૨૧૧૦૦ પર પહોંચી ગયો છે. તો સામે પક્ષે અત્યાર સુધીમાં કુલ ૪૭૪૦૨૭ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. જે સાથે જ દેશમાં રીકવરી રેટ ૬૧.૫ ટકાએ પહોંચી ગયો છે. કુલ આંકડો આઠ લાખની નજીક પહોંચ્યો છે તેમાં જે રાજ્યોમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્રમાં ૨૨૩૭૨૪, તામિલનાડુમાં ૧૨૨૩૫૦, દિલ્હીમાં ૧૦૪૮૪૬, ગુજરાતમાં ૩૮૪૧૯ કેસો છે. જ્યારે કુલ ૨૧૧૦૦ લોકો મૃત્યુ પામ્યા છે તેમાં પણ મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે કે જ્યાં આ વાઇરસને કારણે ૯૪૪૮ લોકોએ જીવ ગૂમાવ્યો છે. દિલ્હીમાં કુલ મૃત્યુઆંક ૩૨૧૩ સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતમાં પણ ૧૯૯૫ લોકોએ જીવ ગૂમાવ્યો છે. 

બીજી તરફ આશરે ૨૦૦ જેટલા વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો હતો કે હવામાં પણ કોરોના વાઇરસના તત્વો હોય છે. જોકે આ મામલે હવે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વાઇરસના જે કણ છે તે બહુ મોટી માત્રામાં નથી ફેલાતા અને હવામાં ભળી જઇને દરેક લોકોને અસર કરશે તેવું પણ નથી. નિષ્ણાંતોએ લોકોને ન ડરવાની સલાહ આપી હતી, સાથે જ હવે જ્યારે આ સંશોધન સામે આવ્યું છે ત્યારે દરેક લોકોએ ચોક્કસ માસ્ક પહેરવું જોઇએ તેવી પણ સુચના આપવામાં આવી હતી. સીએસઆઇઆર-સેંટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી)ના રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે લોકોએ હવે લાંબો સમય સુધી માસ્ક પહેરવા જોઇએ. બીજી તરફ વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો ભારત હજુ પણ વિશ્વમાં કોરોના વાઇરસના કેસો મામલે ત્રીજા ક્રમે છે, પ્રથમ ક્રમે અમેરિકા અને બીજા ક્રમે બ્રાઝીલ છે.

Gujarat