નરેન્દ્ર મોદીને સત્તામાં 21 વર્ષ : આ મામલે ઇન્દિરા-મનમોહનનો પણ રેકોર્ડ તોડ્યો

PM પદ તરીકેની સત્તા મોદી કરતા સૌથી વધુ જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહે સંભાળી

પૂર્વ PM જવાહરલાલ નહેરુ સૌથી લાંબા સમય સુધી PM પદ પર રહ્યા

નવી દિલ્હી,તા.25 નવેમ્બર-2022, શુક્રવાર

આજના સમયમાં ભારતનું સમગ્ર રાજકારણ નરેન્દ્ર મોદીની આસપાસ ફરતું જોવા મળી રહ્યું છે. જોકે સમયની સાથે સાથે રાજનીતિ પણ બદલાતી રહે છે, જોકે હાલ ભારતની રાજનીતિમાં નરેન્દ્ર મોદીનો સમય ચાલી રહ્યો છે. 21 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ વર્ષે 7 ઓક્ટોબર 2022ના રોજ બંધારણી હોદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 21 વર્ષ પૂરા થઈ ગયા છે.


3100 દિવસથી પ્રધાનમંત્રી પદ પર મોદી

નરેન્દ્ર મોદીએ 12 વર્ષથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મોદી ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી પણ છે. તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 4 ટર્મનો હતો. જોકે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. તો બીજી તરફ જો નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના તમામ કાર્યકાળને જોડવામાં આવે, તો મોદી ભારતમાં ચૂંટાયેલી સરકારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતાઓમાંથી એક છે. વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી 7,710 દિવસ સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યું છે અને તેમનો PM પદનો કાર્યકાળ પૂરો થવામાં હજુ સમય બાકી છે. મુખ્યમંત્રી અને વડાપ્રદાન તમામ કાર્યકાળમાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 4,610 દિવસ અને વડાપ્રધાન તરીકે 3,100 દિવસ સંભાળ્યું.


મોદી નહેરુથી ઘણા પાછળ

નરેન્દ્ર મોદી 3100 દિવસથી વડાપ્રધાન પદે સેવા આપી રહ્યા છે, જોકે તેમના કરતા આ પદ પર સૌથી વધુ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહ રહેલા છે. વડાપ્રધાનના હોદ્દા પર જવાહલાલ નેહરુનો કાર્યકાળ સૌથી વધુ 6130, ઈન્દિરા ગાંધીનો કાર્યકાળ 5829 અને મનમોહનસિંહનો કાર્યકાળ 3656 દિવસનો છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીના વર્તમાન કાર્યકાળ 29 મે-2024ના રોજ સમાપ્ત થશે, જોકે ત્યાં સુધીમાં સૌથી વધુ વડાપ્રધાન પદ પર રહેવાના મામલે પૂર્વ PM મનમોહનસિંહને પાછળ છોડી દેશે. તો નેહરુ અને ઈન્દિરા ગાંધીથી આગળ નિકળવા માટે PM મોદીએ વર્ષ 2031 સુધી સત્તામાં રહેવું પડશે.


ઈન્દિરા અને મનમોહનથી આગળ મોદી

જોકે ઈન્દિરા ગાંધી અને મનમોહનસિંહની તુલનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. આ મામલે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરમાં છે, કારણ કે નેહરુ પણ ક્યારે ચૂંટણી હાર્યા ન હતા. 1977માં ઈન્દિરા ગાંધી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જ્યારે મનમોહનસિંહ 1999માં દક્ષિણ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી હાર્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તમામ વિધાનસભાની ચૂંટણીઓ અથવા પેટાચૂંટણીઓ જીતી અને 2014 અને 2019માં બે લોકસભા ચૂંટણી પણ જીતી હતી.


City News

Sports

RECENT NEWS